Bhagavad Gita: Chapter 11, Verse 5

શ્રીભગવાનુવાચ ।
પશ્ય મે પાર્થ રૂપાણિ શતશોઽથ સહસ્રશઃ ।
નાનાવિધાનિ દિવ્યાનિ નાનાવર્ણાકૃતીનિ ચ ॥ ૫॥

શ્રી-ભગવાન્-ઉવાચ:—શ્રી ભગવાન બોલ્યા; પશ્ય—જો; મે—મારાં; પાર્થ—અર્જુન,પૃથાપુત્ર; રૂપાણિ—રૂપો; શતસ:—સેંકડો; અથ—અને; સહસ્રશ:—સહસ્રો; નાના-વિધાનિ—અનેકવિધ; દિવ્યાનિ—દિવ્ય; નાના—અનેક; વર્ણ—રંગો; આકૃતીનિ—આકારો; ચ—અને.

Translation

BG 11.5: પૂર્ણ પુરુષોત્તમ ભગવાન બોલ્યા: હે પાર્થ, અનેકવિધ આકારો, કદ તથા વર્ણોયુક્ત મારાં સેંકડો અને સહસ્રો અદ્ભુત સ્વરૂપો જો.

Commentary

અર્જુનની પ્રાર્થના સાંભળીને શ્રીકૃષ્ણ હવે તેને પોતાના વિરાટરૂપનું દર્શન કરવાનું કહે છે. તેઓ ‘પશ્ય’ અર્થાત્ ‘જો’ શબ્દનો પ્રયોગ કરે છે, જે દ્વારા તેઓ ઈંગિત કરે છે કે અર્જુને ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. યદ્યપિ આ સ્વરૂપ એક જ હોવા છતાં તેમાં અસીમ વિશેષતાઓ છે તથા તે અસંખ્ય આકારો અને વિવિધ રંગી અનંત વિભૂતિઓથી પરિપૂર્ણ છે. શ્રીકૃષ્ણ ‘શતશો ‘થા સહસ્ત્રશ:’ નો પ્રયોગ કરે છે જે સૂચવે છે કે તે અસંખ્ય આકારોમાં તથા અનેક રૂપોમાં વિદ્યમાન રહે છે.

અર્જુનને અનંત આકારો તથા રંગોથી પરિપૂર્ણ વિશ્વરૂપનું દર્શન કરવાનું કહીને શ્રીકૃષ્ણ હવે અર્જુનને વિશ્વરૂપમાં સ્વર્ગીય દેવતાઓ તથા અન્ય આશ્ચર્યોનું દર્શન કરવા કહે છે.