Bhagavad Gita: Chapter 11, Verse 10-11

અનેકવક્ત્રનયનમનેકાદ્ભુતદર્શનમ્ ।
અનેકદિવ્યાભરણં દિવ્યાનેકોદ્યતાયુધમ્ ॥ ૧૦॥
દિવ્યમાલ્યામ્બરધરં દિવ્યગન્ધાનુલેપનમ્ ।
સર્વાશ્ચર્યમયં દેવમનન્તં વિશ્વતોમુખમ્ ॥ ૧૧॥

અનેક—ઘણાં; વક્ત્ર—મુખ; નયનમ્—આંખો; અનેક—ઘણાં; અદ્ભુત—આશ્ચર્યજનક; દર્શનમ્—દૃશ્ય જોવું; અનેક—ઘણાં; દિવ્ય—દિવ્ય; આભરણમ્—આભૂષણો; દિવ્ય—દિવ્ય; અનેક—ઘણાં; ઉદ્યત—ઉઠાવેલાં; આયુધમ્—શસ્ત્રો; દિવ્ય—દિવ્ય; માલ્યા—હાર; અંબર—વસ્ત્રો; ધરમ્—ધારણ કરેલા; દિવ્ય—દિવ્ય; ગંધ—સુગંધ; અનુલેપનમ્—વિલેપિત; સર્વ—બધા; આશ્ચર્ય-મયમ્—સર્વથા આશ્ચર્યમય; દેવમ્—દેવ; અનંતમ્—અનંત; વિશ્વત:—સર્વ દિશામાં; મુખમ્—મુખ.

Translation

BG 11.10-11: તે વિશ્વરૂપમાં અર્જુને અનંત મુખો તથા નેત્રોનાં દર્શન કર્યાં, જે અનેક દિવ્ય આભૂષણોથી અલંકૃત હતા તથા જે રૂપ અનેક દિવ્ય શસ્ત્રોથી સજ્જ હતું. તેઓએ તેમનાં શરીર પર અનેક દિવ્ય હારમાળાઓ તથા વસ્ત્રો ધારણ કર્યા હતાં અને તેઓ અનેક મધુર-સુગંધિત દિવ્ય વિલેપનોથી વિલેપિત હતા. તેમણે સ્વયંને અદ્ભુત અને અનંત ભગવાનના સ્વરૂપે પ્રગટ કર્યા, જેમના મુખો સર્વ દિશાઓમાં વ્યાપક હતાં.

Commentary

સંજય શ્રીકૃષ્ણના દિવ્ય વિશ્વરૂપનું વિસ્તૃત વર્ણન કરવા ‘અનેક’ તથા ‘અનંત’ શબ્દોનો પ્રયોગ કરે છે. સમગ્ર સૃષ્ટિ એ ભગવાનના વિશ્વરૂપનો દેહ છે અને તેથી તેમાં અસંખ્ય ચહેરા, નેત્રો, મુખો, આકારો, રંગો તથા સ્વરૂપો સમાવિષ્ટ છે. માનવીય બુદ્ધિ કેવળ સમય, અવકાશ તથા સ્વરૂપના પરિમાણમાં જ પદાર્થોને ગ્રહણ કરવાની આદત ધરાવે છે. ભગવાનના વિશ્વરૂપે સર્વ દિશાઓમાં અવકાશ અને સમયની સીમાઓથી અતીત અસાધારણ આશ્ચર્યો, અદ્ભુતતા તથા ચમત્કારો પ્રગટ કર્યા અને તેથી તેના માટે ઉચિત રીતે ‘અદ્ભુત’ શબ્દનો ઉપયોગ થયો છે.