Bhagavad Gita: Chapter 11, Verse 26-27

અમી ચ ત્વાં ધૃતરાષ્ટ્રસ્ય પુત્રાઃ
સર્વે સહૈવાવનિપાલસઙ્ઘૈઃ ।
ભીષ્મો દ્રોણઃ સૂતપુત્રસ્તથાસૌ
સહાસ્મદીયૈરપિ યોધમુખ્યૈઃ ॥ ૨૬॥
વક્ત્રાણિ તે ત્વરમાણા વિશન્તિ
દંષ્ટ્રાકરાલાનિ ભયાનકાનિ ।
કેચિદ્વિલગ્ના દશનાન્તરેષુ
સન્દૃશ્યન્તે ચૂર્ણિતૈરુત્તમાઙ્ગૈઃ ॥ ૨૭॥

અમી—આ; ચ—અને; ત્વામ્—આપ; ધૃતરાષ્ટ્રસ્ય—ધૃતરાષ્ટ્રનાં; પુત્રા:—પુત્રો; સર્વે—સર્વ; સહ—સહિત; એવ—પણ; અવનિ-પાલ—તેમનાં સંબંધિત રાજાઓ; સંઘૈ:—સમૂહો; ભીષ્મ:—ભીષ્મ; દ્રોણ:—દ્રોણાચાર્ય; સુત-પુત્ર:—કર્ણ; તથા—તેમજ; અસૌ—આ; સહ—સાથે; અસ્મદીયૈ:—અમારા પક્ષથી; અપિ—પણ; યોધમુખ્યૈ:—યુદ્ધપતિ; વક્ત્રાણિ—મુખો; તે—આપનાં; ત્વરમાણા:—ધસેલા; વિશન્તિ—પ્રવેશ; દન્ષ્ટ્રા—દાંત; કરાલાનિ—વિકરાળ; ભયાનકાનિ—ભયંકર; કેચિત્—કેટલાક; વિલગ્ના:—સંલગ્ન; દશન-અન્તરેષુ—દાંતો વચ્ચે; સંદૃશ્યન્તે—જોવાય છે; ચૂર્ણિતૈ:—ચૂરેચૂરા થયેલા; ઉત્તમ-અંગૈ:—મસ્તકો.

Translation

BG 11.26-27: હું ધૃતરાષ્ટ્રના બધા પુત્રો, તેમના સંબંધિત રાજાઓ સહિત, ભીષ્મ, દ્રોણાચાર્ય, કર્ણ અને અમારા પક્ષના સેનાપતિઓને પણ આપના ભયંકર મુખોમાં તીવ્ર ગતિથી પ્રવેશતાં જોઉં છું. આપના વિકરાળ દાંતો વચ્ચે તેમના કેટલાકના મસ્તક ચૂર્ણ થતા હું જોઉં છું.

Commentary

અર્જુન ભગવાનના કયા દાંતો અંગે વાત કરી રહ્યો છે? તેનો ઉલ્લેખ તેણે પાછલા શ્લોકમાં પણ કર્યો છે. આપણે આપણા દાંતોનો ઉપયોગ ખોરાકને પીસવા માટે કરીએ છીએ. ભગવાનનાં દાંત તેમની સંહાર શક્તિ છે જે સમયાંતરે પ્રત્યેકને ચૂર્ણ કરીને મૃત્યુનો ગ્રાસ  બનાવી દે છે. અમેરિકાના કવિ એચ. ડબલ્યુ. લોંગફેલો લખે છે:

યદ્યપિ ભગવાનની ઘંટી ધીમું દળે છે,

છતાં પણ તેઓ અત્યંત ઝીણું દળે છે;

યદ્યપિ ધૈર્ય સાથે તે પ્રતીક્ષા કરે છે,

તેઓ પૂર્ણતાથી સર્વને દળે છે.

અર્જુન મહાન કૌરવ યોદ્ધાઓને—ભીષ્મ, દ્રોણાચાર્ય અને કર્ણ—તથા અનેક પાંડવ યોદ્ધાઓને પણ તીવ્ર વેગે ભગવાનના મુખોમાં ધસતા અને તેમના દાંતો વચ્ચે પીસાતા જોવે છે. તે તોળાઈ રહેલા ભવિષ્યને ભગવાનનાં વિશ્વરૂપમાં નિહાળે છે. ભગવાન સમયથી અતીત હોવાના કારણે ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્ય કાળ વર્તમાન સ્વરૂપે તેમનામાં દૃશ્યમાન થાય છે.

કૌરવો અને પાંડવોના પ્રપિતામહ ભીષ્મ, શાન્તનુ અને ગંગાના પુત્ર હતા. તેમના પિતાની પુન: વિવાહ કરવાની ઈચ્છાને સુગમ્ય બનાવવા માટે ભીષ્મે રાજ સિંહાસન પરના તેમના અધિકારનો ત્યાગ કર્યો અને જીવનપર્યંત બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લીધી. જો કે એ જાણવા છતાં કે દુર્યોધન દુષ્ટ છે અને તેણે પાંડવોના અધિકારને છીનવી લીધો છે, ભીષ્મે દુર્યોધનનું નિરંતર સમર્થન કર્યું. આ પ્રમાણે, આ અધર્મ સામે ધર્મના યુદ્ધમાં તેમનું મૃત્યુ નિશ્ચિત હતું. જીવનના અંતે જયારે ભીષ્મ બાણ શય્યા પર હતા ત્યારે તેમણે શ્રીકૃષ્ણને કરેલી પ્રાર્થનાનું શ્રીમદ્દ ભાગવતમ્ માં વર્ણન થયું છે:

સપદિ સખિવચો નિશમ્ય મધ્યે

નિજપરયોર્બલયો રથં નિવેશ્ય

સ્થિતવતિ પરસૈનિકાયુરક્ષ્ણા

હૃતવતિ પાર્થસખે રતિર્મમાસ્તુ (૧.૯.૩૫)

“મારું મન અર્જુનના મિત્ર શ્રીકૃષ્ણનું ધ્યાન ધરે જેમણે રથને બે સૈન્ય મધ્યે હંકારી જવાની તેમના મિત્રની આજ્ઞાનું પાલન કર્યું છે અને ત્યાં ઉપસ્થિત રહીને, કેવળ એક દૃષ્ટિપાતથી વિપક્ષના સેનાપતિઓનાં જીવનકાળને ટૂંકાવી દીધા છે.” આ પ્રમાણે, ભીષ્મ પોતે જાણતા હતા કે પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની વિરુદ્ધ યુદ્ધ કરવાનું પરિણામ મૃત્યુ જ છે.

દ્રોણાચાર્ય કૌરવો અને પાંડવો બંનેનાં શસ્ત્રવિદ્યાનાં ગુરુ હતા. તેઓ એટલા નિષ્પક્ષ હતા કે તેમણે પોતાના પુત્ર અશ્વત્થામાથી અધિક શસ્ત્ર-વિજ્ઞાનની શિક્ષા અર્જુનને પ્રદાન કરી હતી. આમ છતાં, તેઓ ઉપકારવશ દુર્યોધનને સહાય કરવા વિવશ હતા કારણ કે તેઓ જીવનનિર્વાહ માટે આર્થિક દૃષ્ટિએ દુર્યોધન પર અવલંબિત હતા. આથી, દ્રોણાચાર્યનું પણ યુદ્ધમાં મૃત્યુ નિશ્ચિત હતું. આમ છતાં, તેમની શૂરવીરતાનું પ્રમાણ એ વાસ્તવિકતા પરથી પ્રાપ્ત થાય કે જયારે પાંડવો તેમનો કોઈપણ રીતે વધ કરવા માટે અસમર્થ હતા અને સહાય અંગે તેમનો સંપર્ક કર્યો, ત્યારે તેમણે તેમને પોતાનો સંહાર કરવા માટે માર્ગદર્શન કર્યું.

કર્ણ દુર્યોધનનો અંતરંગ મિત્ર હતો અને તેથી તે કૌરવોના પક્ષથી યુદ્ધ કરતો હતો. તેનામાં પણ વીરોચિત ગુણો હતા. જયારે શ્રીકૃષ્ણે એ રહસ્યોદ્ઘાટન કર્યું કે તે કુંતીનો જ્યેષ્ઠ પુત્ર છે અને પાંડવો વાસ્તવમાં તેનાં જ ભાઈઓ છે, ત્યારે તેણે શ્રીકૃષ્ણને વિનંતી કરી કે આ રહસ્ય પાંડવો પાસે સ્પષ્ટ ન કરે કારણ કે જો યુધિષ્ઠિર આ રહસ્ય જાણી જશે તો તે કર્ણના વધના પ્રયાસોને રોકીને યુદ્ધમાં પરાજિત થશે. કર્ણએ યુદ્ધમાં દુર્યોધનનો પક્ષ લીધો હતો એટલે તેનું મૃત્યુ પણ સુનિશ્ચિત હતું.