Bhagavad Gita: Chapter 2, Verse 4

અર્જુન ઉવાચ ।
કથં ભીષ્મમહં સઙ્ખ્યે દ્રોણં ચ મધુસૂદન ।
ઇષુભિઃ પ્રતિયોત્સ્યામિ પૂજાર્હાવરિસૂદન ॥ ૪॥

અર્જુન: ઉવાચ—અર્જુને કહ્યું; કથમ્—કેવી રીતે; ભીષ્મમ્—ભીષ્મને; અહમ્—હું; સંખ્યે—યુદ્ધમાં; દ્રોણમ્—દ્રોણને; ચ—અને; મધુસુદન—શ્રી કૃષ્ણ, મધુના સંહારક; ઈષુભિ:—બાણોથી; પ્રતિયોત્સ્યામિ—પ્રહાર કરીશ; પૂજા અર્હૌ—પૂજનીય; અરિસુદન—શત્રુઓના સંહારક.

Translation

BG 2.4: અર્જુને કહ્યું: હે મધુસૂદન! હે અરિહન્તા! હું યુદ્ધમાં ભીષ્મ તથા દ્રોણાચાર્ય સમાન મારા પૂજનીય મહાપુરુષો પર બાણોથી કેવી રીતે પ્રહાર કરીશ?

Commentary

શ્રીકૃષ્ણના યુદ્ધ માટેનાં આહ્વાનની પ્રતિક્રિયા તરીકે અર્જુન તેની મૂંઝવણ વ્યક્ત કરે છે. તે કહે છે કે, ભીષ્મ તથા દ્રોણાચાર્ય તેના માટે સન્માનીય તથા પૂજનીય છે. ભીષ્મ પવિત્રતાનું મૂર્તિમાન સ્વરૂપ છે, જેઓ પિતા પાસે કરેલી પ્રતિજ્ઞાનું પાલન કરવા જીવનપર્યંત બ્રહ્મચારી રહ્યા. અર્જુનને શસ્ત્રવિદ્યા પ્રદાન કરનાર દ્રોણાચાર્ય, યુદ્ધકલામાં નિપુણ હતા અને તેમના જ માર્ગદર્શનમાં અર્જુન બાણ વિદ્યામાં પારંગત થયો. સામેના પક્ષે, કૃપાચાર્ય એ એક માનનીય પુરુષ હતા, જેમના માટે અર્જુન સદૈવ આદરભાવ ધરાવતો હતો. આવી ઉચ્ચ પ્રતિભા ધરાવતા મહાપુરુષો પ્રત્યે શત્રુભાવ રાખવાનું, ઉમદા ચારિત્ર્યવાન અર્જુનને હવે ઘૃણાસ્પદ લાગતું હતું. જો આવા આદરણીય મહાપુરુષો સાથે તર્ક કરવો પણ અનુચિત ગણાતું હોય, તો તેમના પર આક્રમણ કરવાની તો એ કલ્પના પણ કેવી રીતે કરી શકે? તેનું કથન સૂચિત કરે છે કે  “હે શ્રીકૃષ્ણ! કૃપા કરીને મારી હિંમત અંગે શંકા ના કરશો. હું યુદ્ધ માટે તૈયાર છું. પરંતુ, નૈતિક કર્તવ્યના દૃષ્ટિકોણ પ્રમાણે, મારું કર્તવ્ય છે કે, હું મારા ગુરુજનોનો આદર કરું અને ધૃતરાષ્ટ્રનાં પુત્રો પ્રત્યે કરુણા દાખવું.”