Bhagavad Gita: Chapter 2, Verse 18

અન્તવન્ત ઇમે દેહા નિત્યસ્યોક્તાઃ શરીરિણઃ ।
અનાશિનોઽપ્રમેયસ્ય તસ્માદ્યુધ્યસ્વ ભારત ॥ ૧૮॥

અન્ત-વન્ત:—નાશવંત; ઇમે—આ; દેહા:—ભૌતિક શરીરો; નિત્યસ્ય—સનાતન અસ્તિત્વવાળા; ઉકતા:—કહેવાય છે; શરીરિણઃ:—દેહધારી આત્માના; અનાશિન:—કદાપિ નાશ ન પામનાર; અપ્રમેયસ્ય—અમાપ; તસ્માત્—માટે; યુધ્યસ્વ—યુદ્ધ કર; ભારત—ભરતવંશી.

Translation

BG 2.18: કેવળ ભૌતિક શરીર નાશવંત છે; તેમાં વ્યાપ્ત આત્મા અવિનાશી, અપ્રમેય અને શાશ્વત છે. તેથી, હે ભરતવંશી! યુદ્ધ કર.

Commentary

આ સ્થૂળ શરીર હકીકતમાં માટીમાંથી બન્યું છે. એ માટી જ શાકભાજી, ફળો, અનાજ, દાળ અને ઘાસમાં રૂપાંતરિત થાય છે. ગાય ઘાસ ચરે છે અને દૂધ ઉત્પાદિત કરે છે. આપણે મનુષ્યો આ ખાદ્ય પદાર્થોનું સેવન  કરીએ છીએ અને તે આપણા શરીરમાં પરિવર્તિત થાય છે. તેથી, એમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી કે આ શરીર માટીમાંથી બન્યું છે.

અને મૃત્યુના સમયે, જ્યારે આત્મા વિદાય લે છે, ત્યારે શરીરની અંત્યેષ્ટિ આ ત્રણમાંથી કોઈ એક પ્રકારે થાય છે. કૃમિ, વિદ અથવા ભસ્મ. જો તેને બાળવામાં આવે છે, તો તે ભસ્મમાં રૂપાંતરિત થઈ જાય છે અને માટી બની જાય છે. અથવા જો તેને દફનાવવામાં આવે છે, તો તે જીવ-જંતુઓનું ભોજન બને છે અને અંતત: માટીમાં પરિવર્તિત થાય છે. અન્યથા, તેને નદીમાં ફેંકી દેવામાં આવે છે, તો જળચર પ્રાણીઓનો ગ્રાસ બને છે અને મળમૂત્રરૂપે વિસર્જિત થઈ, માટી બને છે, જે આખરે સમુદ્રતળમાં વિલીન થઈ જાય છે.

આ રીતે, આ વિશ્વમાં, માટી અદ્ભુત ઘટનાચક્રમાંથી પસાર થાય છે. તે ખાદ્ય પદાર્થોમાં પરિવર્તિત થાય છે, આ ખાદ્ય પદાર્થોમાંથી શરીર બને છે અને શરીર પુન: માટીમાં વિલીન થઈ જાય છે. બાઈબલ કહે છે: “કારણ કે, તમે માટીમાંથી ઉત્પન્ન થયા છો અને માટીમાં જ પાછા ફરશો.” (જીનેસિસ ૩:૧૯) આ સૂત્ર ભૌતિક શરીર અંગે નિર્દેશ કરે છે. શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, “તે ભૌતિક શરીરની અંદર નિત્ય અવિનાશી તત્ત્વ છે, જે માટીમાંથી બન્યું નથી. તે દિવ્ય આત્મા છે, જે વાસ્તવિક ‘સ્વ’ છે.”