Bhagavad Gita: Chapter 2, Verse 36

અવાચ્યવાદાંશ્ચ બહૂન્વદિષ્યન્તિ તવાહિતાઃ ।
નિન્દન્તસ્તવ સામર્થ્યં તતો દુઃખતરં નુ કિમ્ ॥ ૩૬॥

અવાચ્ય-વાદાન્—કટુ વચનો; ચ—અને; બહુન્—ઘણાં; વદિષ્યન્તિ—કહેશે; તવ—તારા; અહિતા:—શત્રુઓ; નિન્દન્ત:—નિંદા કરતા; તવ—તારા; સામર્થ્યમ્—સામર્થ્યની; તત:—તેનાથી; દુ:ખતરમ્—વધારે દુ:ખદાયી; નુ—નિ:સંદેહ; કિમ્—શું.

Translation

BG 2.36: તારાં શત્રુઓ કટુ વચનોથી તારી અપકીર્તિ કરશે, અપમાનિત કરશે અને તારા સામર્થ્યની નિંદા કરશે. અરે, આનાથી વધારે દુ:ખદાયી બીજું શું હોઈ શકે?

Commentary

જો અર્જુન યુદ્ધમાંથી નાસી જશે, તો મહાબળશાળી યોદ્ધાઓની સભામાં અર્જુનના સમ્માનનો તો ક્ષય થશે એટલું જ નહીં, તેની નિંદા પણ કરવામાં આવશે. શ્રી કૃષ્ણ નિન્દન્ત: શબ્દનો પ્રયોગ કરે છે, જેનો અર્થ છે, ‘નિંદા કરવી’. અવાચ્ય વાદાન્ અર્થાત્ 'કટુ વચનોનો ઉપયોગ કરવો', જેમ કે ‘વ્યંઢળ’. અર્જુનના દુર્યોધન જેવા શત્રુઓ તેના વિષે ઘણી અશોભનીય વાતો કરશે. જેમ કે, “જુઓ, પેલો નપુંસક અર્જુન કૂતરાની જેમ બે પગ વચ્ચે પૂંછડી દબાવીને રણભૂમિમાંથી નાસી રહ્યો છે.” શ્રી કૃષ્ણ અર્જુનને ચેતવે છે કે, આ પ્રકારનો ઉપહાસ તેના માટે અતિ પીડાદાયક બની રહેશે.