Bhagavad Gita: Chapter 2, Verse 63

ક્રોધાદ્ભવતિ સમ્મોહઃ સમ્મોહાત્સ્મૃતિવિભ્રમઃ ।
સ્મૃતિભ્રંશાદ્ બુદ્ધિનાશો બુદ્ધિનાશાત્પ્રણશ્યતિ ॥ ૬૩॥

ક્રોધાત્—ક્રોધથી; ભવતિ—થાય છે; સંમોહ:—મંદ નિર્ણયાત્મકતા; સમ્મોહાત્—મંદ નિર્ણયાત્મકતાથી; સ્મૃતિ—સ્મરણશક્તિ; વિભ્રમ:—મૂંઝવણ; સ્મૃતિ-ભ્રંશાત્—સ્મૃતિના મોહથી; બુદ્ધિ-નાશ:—બુદ્ધિનો નાશ; બુદ્ધિ-નાશાત્—બુદ્ધિના નાશથી; પ્રણશ્યતિ—મનુષ્ય પતન પામે છે.

Translation

BG 2.63: ક્રોધથી નિર્ણય લેવાની ક્ષમતા ક્ષીણ થાય છે, જેને કારણે સ્મૃતિભ્રંશ થાય છે. જયારે સ્મૃતિભ્રંશ થાય છે, ત્યારે બુદ્ધિ નષ્ટ થાય છે અને બુદ્ધિ નષ્ટ થવાથી મનુષ્યનો વિનાશ થઈ જાય છે.

Commentary

જેવી રીતે, પ્રાત: કાળનું ધુમ્મસ સૂર્યપ્રકાશને ઢાંકી દે છે તેવી રીતે ક્રોધ નિર્ણય લેવાની ક્ષમતાને ક્ષીણ કરી દે છે. ક્રોધના આવેશને કારણે બુદ્ધિ ધૂંધળી થઈ જાય છે તેથી લોકો ભૂલ કરી બેસે છે, જે અંગે પશ્ચાત્ ખેદ અનુભવે છે. લોકો કહે છે, “તેઓ મારાથી વીસ વર્ષ મોટા છે. હું શા માટે તેમની સાથે આ રીતે બોલ્યો? મને શું થઈ ગયું હતું?” ક્રોધને કારણે નિર્ણય લેવાની ક્ષમતા પર પ્રતિકૂળ અસર થવાથી આવું થયું હતું અને વડીલને ધમકાવવાની ભૂલ થઈ ગઈ.

જયારે બુદ્ધિ ક્ષીણ થઈ જાય છે, ત્યારે સ્મૃતિભ્રંશ થાય છે. તેને કારણે વ્યક્તિ ભૂલી જાય છે કે શું સાચું છે અને શું ખોટું છે; પરિણામે આવેશના ઉછાળા સાથે વહેવા લાગે છે. ત્યાંથી અધ:પતન શરુ થઈ જાય છે અને સ્મૃતિભ્રંશ, બુદ્ધિના વિનાશમાં પરિણામે છે. બુદ્ધિ એ આંતરિક માર્ગદર્શક હોવાથી જયારે તે નષ્ટ થઈ જાય છે ત્યારે મનુષ્યનું પતન થઈ જાય છે.આ પ્રમાણે, દિવ્યતાથી નાસ્તિકતા તરફના અધ:પતનના માર્ગનું વર્ણન ઇન્દ્રિયજન્ય વિષયભોગના ચિંતનથી શરુ થઈને બુદ્ધિના વિનાશ પર સમાપ્ત થાય છે.