Bhagavad Gita: Chapter 2, Verse 65

પ્રસાદે સર્વદુઃખાનાં હાનિરસ્યોપજાયતે ।
પ્રસન્નચેતસો હ્યાશુ બુદ્ધિઃ પર્યવતિષ્ઠતે ॥ ૬૫॥

પ્રસાદે—દિવ્ય કૃપા દ્વારા; સર્વ—બધાં; દુ:ખાનામ્—દુ:ખોનો; હાનિ:—નાશ; અસ્ય—તેનો; ઉપજાયતે—થાય છે; પ્રસન્ન-ચેતસ:—પ્રસન્ન મનવાળાની; હિ—ખરેખર; આશુ—તરત જ; બુદ્ધિ:—બુદ્ધિ; પર્યવતિષ્ઠતે—દૃઢપણે સ્થિર થઇ જાય છે.

Translation

BG 2.65: દિવ્ય કૃપાથી શાંતિ પ્રાપ્ત થાય છે, જેનાથી સર્વ દુ:ખોનો અંત આવી જાય છે. આવા શાંત મનવાળા મનુષ્યની બુદ્ધિ ભગવાનમાં દૃઢપણે સ્થિર થઇ જાય છે.

Commentary

કૃપા એ દિવ્ય શક્તિ છે જે મનુષ્યના વ્યક્તિત્ત્વમાં ઊભરાઈ આવે છે. કૃપા દ્વારા, ભગવાન જે સત્-ચિત્-આનંદરૂપ છે, તેઓ પોતાના દિવ્ય જ્ઞાન, દિવ્ય પ્રેમ અને દિવ્ય આનંદ પ્રદાન કરે છે. તેને પરિણામે, ધ્રુવના તારાની જેમ બુદ્ધિમાં ભગવદીય પ્રેમ, આનંદ અને જ્ઞાન અવિચળ રીતે વ્યાપ્ત થઈ જાય છે. ભગવાનની કૃપા દ્વારા, જયારે આપણે દિવ્યતાના ઉત્કૃષ્ટ સ્વાદનો અનુભવ કરીએ છીએ ત્યારે ઇન્દ્રિય સુખો માટેની ઉત્તેજનાનું શમન થઈ જાય છે. એકવાર સાંસારિક વિષયો માટેની લાલસા સમાપ્ત થઈ જાય છે ત્યારે મનુષ્ય સર્વ દુ;ખોથી ઉપર ઉઠી જાય છે અને તેનું મન શાંત થઈ જાય છે. આ આંતરિક સંતુષ્ટિની અવસ્થામાં બુદ્ધિ તેના નિર્ણયમાં દૃઢ બને છે કે એકમાત્ર ભગવાન જ સર્વ સુખોનો સ્ત્રોત છે અને આત્માનું પરમ લક્ષ્ય છે. અગાઉ, બુદ્ધિ કેવળ ગ્રંથોમાં વર્ણિત જ્ઞાનના આધારે આનો સ્વીકાર કરતી હતી, પરંતુ હવે તેને પરમ શાંતિ અને દિવ્ય આનંદનો અનુભવ થાય છે. તેથી, કોઈપણ સંશયના ઓછાયારહિત બુદ્ધિ આ જ્ઞાન સાથે સહમત થાય છે અને ભગવાનમાં સ્થિર થઈને સ્થિત થઈ જાય છે.