દૂરેણ હ્યવરં કર્મ બુદ્ધિયોગાદ્ધનઞ્જય ।
બુદ્ધૌ શરણમન્વિચ્છ કૃપણાઃ ફલહેતવઃ ॥ ૪૯॥
દૂરેણ—દૂરથી જ ત્યજી દે; હિ—નક્કી; અવરમ્—નિકૃષ્ટ; કર્મ—ફળપ્રાપ્તિ અર્થે કરવામાં આવતું કાર્ય; બુદ્ધિયોગાત્—દિવ્યજ્ઞાનમાં સ્થિત બુદ્ધિ દ્વારા; ધનંજય—અર્જુન; બુદ્ધૌ—દિવ્યજ્ઞાન અને આંતરદૃષ્ટિ; શરણમ્—શરણાગતિ; અન્વિચ્છ—પ્રયત્ન કર; કૃપણ:—કંજૂસાઈથી; ફળ-હેતવ:—સકામ કર્મફળની ઈચ્છા રાખનારા.
Translation
BG 2.49: હે અર્જુન! દિવ્યજ્ઞાન અને આંતરદૃષ્ટિનું શરણ ગ્રહણ કરો; તેમજ આસક્તિ યુક્ત કર્મોનો ત્યાગ કરો, જે દિવ્યજ્ઞાનમાં સ્થિત બુદ્ધિથી કરવામાં આવેલા કર્મોથી નિશ્ચિતપણે નિકૃષ્ટ છે. તેઓ સંકીર્ણ મનોવૃત્તિ ધરાવે છે, જેઓ તેમના કર્મોના ફળોનું સુખ ભોગવવા ઈચ્છે છે.
Commentary
કોઈપણ કાર્ય કરવા પ્રત્યે બે પ્રકારનાં દૃષ્ટિકોણ હોય છે: ૧) આપણા દ્વારા થતી બાહ્ય પ્રવૃત્તિઓ, ૨) આપણો તેના પ્રત્યેનો આંતરિક અભિગમ. ઉદાહરણ તરીકે કહી શકાય કે, વૃંદાવનની પાવન ભૂમિ પર મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. તેના શ્રમિકો આ પવિત્ર કાર્યમાં વ્યસ્ત છે, પરંતુ, તેમનો અભિગમ સાંસારિક છે. તેઓને તેમના શ્રમના બદલામાં મળતી ધનરાશિમાં રુચિ છે. જો કોઈ અન્ય બાંધકામનો ઠેકેદાર તેમને અધિક વેતન આપશે, તો તેમને તેમની નોકરી બદલવામાં કોઈ વાંધો નહિ આવે. એ જ વૃંદાવનમાં એક સંન્યાસી પણ રહે છે, જે ભવ્ય મંદિરનું નિર્માણ થતું જોઈને, તેને ભગવાનની સેવા માનીને સ્વૈચ્છિક સેવામાં વ્યસ્ત થઈ જાય છે. સાધુ અને શ્રમિકો, બંનેની બાહ્ય પ્રવૃત્તિઓ સમાન છે, પરંતુ તેમના આંતરિક અભિગમમાં ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ જેટલો તફાવત છે.
અહીં શ્રી કૃષ્ણ અર્જુનને ઉપદેશ આપે છે કે, કાર્ય પ્રત્યેની તેની આંતરિક પ્રેરણા સાથે તે ઊંચો ઊઠે. તેઓ ઘોષિત કરે છે કે, જેઓ સ્વ-સુખની પ્રેરણાથી કર્મ કરે છે, તેઓ કંજૂસ છે: જેઓ ફળથી અનાસક્ત રહીને, ઉચ્ચતર પ્રયોજન અર્થે પોતાના કર્મને સમર્પિત કરે છે, તેઓ શ્રેષ્ઠ છે અને જેઓ કર્મફળને ભગવાનને અર્પિત કરી દે છે, તેઓ ખરેખર જ્ઞાનમાં સ્થિત છે.
અહીં કૃપણ શબ્દનો ઉપયોગ થયો છે. શ્રીમદ્ ભાગવતમ્ કૃપણ શબ્દનું આ રીતે વર્ણન કરે છે:
ન વેદ કૃપણઃ શ્રેય આત્મનો ગુણવસ્તુદૃક્
તસ્ય તાનિચ્છતો યચ્છેદ્ યદિ સોઽપિ તથાવિધઃ (૬.૯.૪૯)
“એ લોકો કૃપણ છે, જેઓ માને છે કે, પરમ સત્ય કેવળ માયિક શક્તિથી ઉત્પન્ન થયેલા ઇન્દ્રિયજન્ય પદાર્થોમાં જ સમાયેલું છે.” પુન: શ્રીમદ્ ભાગવતમ્ કહે છે: કૃપણો યોઽજિતેન્દ્રિયઃ (૧૧.૧૯.૪૪) “તે કૃપણ છે, જેનું ઇન્દ્રિયો પર નિયંત્રણ નથી.”
જેમ જેમ મનુષ્ય ચેતનાના ઉચ્ચતર સ્તર તરફ ઉન્નત થતો જાય છે, તેમ તેમ સ્વાભાવિક રીતે કર્મના ફળને ભોગવવાની ઈચ્છાઓનો ત્યાગ કરતો જાય છે અને સેવાની દિશામાં આગળ વધે છે. બિલ ગેટ્સ, માઈક્રોસોફ્ટ કોર્પોરેશનના સંસ્થાપકે તેના પ્રતિષ્ઠિત હોદ્દાનો ત્યાગ કરીને હવે સામાજિક સેવાઓમાં પોતાની શક્તિઓને સમર્પિત કરી દીધી છે. એ જ પ્રમાણે, યુ. એસ. એ. ના રાષ્ટ્રપતિ તરીકે બળ અને પદનું આસ્વાદન કરીને બિલ ક્લિન્ટન હવે માનવજાતિની સેવાની મહિમા અંગે ઉપદેશ આપે છે અને તેમણે “Giving-How each of us can change the World” વિષય પર પુસ્તક પણ લખ્યું છે. તેઓની સેવામાં વ્યસ્તતા પ્રશંસનીય છે પરંતુ હજી તે અપૂર્ણતા-લક્ષી છે. સેવાનો અભિગમ ત્યારે પૂર્ણ બને છે જયારે આપણે ભગવાનના સુખાર્થે કર્મ કરતા અને તેમને સર્વ ફળ સમર્પિત કરતા શીખીએ.