Bhagavad Gita: Chapter 2, Verse 62

ધ્યાયતો વિષયાન્પુંસઃ સઙ્ગસ્તેષૂપજાયતે ।
સઙ્ગાત્સઞ્જાયતે કામઃ કામાત્ક્રોધોઽભિજાયતે ॥ ૬૨॥

ધ્યાયત:—વિચાર કરતાં; વિષયાન્—ઇન્દ્રિય વિષયોનો; પુંસ:—મનુષ્યની; સંગ:—આસક્તિ; તેષુ—તેને (ઇન્દ્રિય ભોગ); ઉપજાયતે—ઉત્પન થાય છે; સંગાત્—આસક્તિથી; સંજાયતે—વિકસિત થાય છે; કામ:—વાસના; કામાત્—કામમાંથી; ક્રોધ:—ક્રોધ; અભિજાયતે—પ્રગટ થાય છે.

Translation

BG 2.62: ઇન્દ્રિયવિષયોનું ચિંતન કરવાથી તેના પ્રત્યે આસક્તિ ઉત્પન્ન થાય છે. આસક્તિ કામના તરફ લઈ જાય છે અને કામનાથી ક્રોધ ઉત્પન્ન થાય છે.

Commentary

વૈદિક ગ્રંથોમાં ક્રોધ, લોભ, કામ, વગેરેને માનસ રોગ અથવા તો મનનાં રોગો તરીકે ઓળખવામાં આવે છે. રામાયણ કહે છે: “માનસ રોગ કછુક મૈં ગાએ, હહિં સબ કેં લખિ બિરલેન્હ પાએ” આપણે સૌ શારીરિક રોગો પ્રત્યે જાગૃત છીએ—કેવળ એક શારીરિક બીમારીમાં એટલી શક્તિ છે કે, તે વ્યક્તિનો આખો દિવસ દુઃખદાયી બનાવી દે છે—પરંતુ આપણને એ ભાન નથી કે આપણે નિરંતર અનેક પ્રકારના માનસિક રોગોથી પીડાઈ રહ્યા છીએ. કામ, ક્રોધ, લોભને માનસિક રોગ તરીકે ઓળખી ન શકવાના કારણે આપણે તેનો ઈલાજ કરવાનો પ્રયત્ન પણ કરતાં નથી. મનોવિજ્ઞાન એ માનવ વિજ્ઞાનની એક શાખા છે જે આ પ્રકારના રોગોનું વિશ્લેષણ કરે છે અને તેના ઉપચાર અંગે સૂચન કરે છે. જો કે, પાશ્ચાત્ય મનોવિજ્ઞાન દ્વારા પ્રસ્તુત આ વિશ્લેષણ અને ઉપચાર બંને કેવળ અનુમાન જ પ્રતીત થાય છે તથા મનની વાસ્તવિકતાનો સ્થૂળ અંદાજ હોય એવું લાગે છે.

આ અને આગામી શ્લોકમાં શ્રી કૃષ્ણે મનની કાર્યશૈલી અંગે પૂર્ણ અને પારદર્શી આંતરદૃષ્ટિનું વર્ણન કર્યું છે. તેઓ સમજાવે છે કે, જયારે આપણે પુન: પુન: ચિંતન કરીએ છીએ કે અમુક ચોક્કસ પદાર્થમાં સુખ છે, ત્યારે મન તેના પ્રત્યે આસક્ત થઈ જાય છે. ઉદાહરણ તરીકે, એક વર્ગમાં ઘણા છોકરાઓ અને છોકરીઓ હોય છે જેઓ એકબીજા સાથે નિર્દોષ રીતે આંતરક્રિયા કરતાં હોય છે.એક દિવસ એક છોકરો એક છોકરીમાં કંઇક વિશેષતા અનુભવીને તેના અંગે વિચારવા લાગે છે, “જો તે મારી થઈ જશે તો હું અતિ પ્રસન્ન થઈ જઈશ.” જેમ જેમ તે વારંવાર આ વિચારને મનમાં લાવે છે, તેમ તેમ તેનું મન તે છોકરી પ્રત્યે આસક્ત થવા લાગે છે. તે તેના મિત્રોને કહે છે કે, તે છોકરીને તે ગાંડાની જેમ પ્રેમ કરે છે અને તે અભ્યાસ કરી શકતો નથી કારણ કે તેનું મન વારંવાર તે છોકરી તરફ દોડી જાય છે. તેના મિત્રો તેનો ઉપહાસ કરતા કહે છે કે તેઓ સૌ તે છોકરી સાથે વાતચીત કરે છે પણ કોઈ તેની પાછળ ગાંડુ નથી થતું. તે છોકરી પાછળ તે શા માટે તેની નિદ્રા ગુમાવીને અભ્યાસ બગાડી રહ્યો છે? વાસ્તવિકતા એ છે કે તે છોકરાએ વારંવાર વિચાર્યું કે તે છોકરીમાં સુખ છે અને તેથી તેનું મન તેના પ્રત્યે આસક્ત થઈ ગયું.

હવે આસક્તિ પોતે ઘણીખરી નિર્દોષ લાગતી હોય છે. પરંતુ સમસ્યા એ છે કે આસક્તિમાંથી ઈચ્છા ઉદ્ભવે છે. જો કોઈને મદિરાપાનમાં આસક્તિ હોય તો દારૂ પીવાની ઈચ્છા મનમાં વારંવાર ઉત્પન્ન થાય છે. જો કોઈ ધૂમ્રપાન પ્રત્યે આસકત હોય, તો ધૂમ્રપાનથી પ્રાપ્ત થતાં સુખનો વારંવાર વિચાર મનમાં વહેતો રહે છે, જે સિગારેટ પીવાની લાલસા ઉત્પન્ન કરે છે. આ પ્રમાણે, આસક્તિ કામના તરફ દોરી જાય છે.

એકવાર કામના ઉત્પન્ન થાય છે પછી તે બે સમસ્યાઓને જન્મ આપે છે—લોભ અને ક્રોધ. કામનાપૂર્તિથી લોભ જન્મે છે.  જિમિ પ્રતિલાભ લોભ અધિકાઈ (રામાયણ) “જો તમે કામનાની સંતુષ્ટિ કરશો તો તે લોભ તરફ દોરી જશે.” આમ કદાપિ ઈચ્છાપૂર્તિથી તેનો નાશ થતો નથી.

                                   યત્ પૃથિવ્યાં વ્રીહિયવં હિરણ્યં પશવઃ સ્ત્રિયઃ

                                  ન દુહ્યન્તિ મનઃપ્રીતિં પુંસઃ કામહતસ્ય તે (ભાગવતમ્ ૯.૧૯.૧૩)

“જો કોઈ વ્યક્તિને સમગ્ર સંપત્તિ, સુવિધાઓ અને ઇન્દ્રિયજન્ય વિષયભોગોની પ્રાપ્તિ થઈ જાય, તો પણ તે વ્યક્તિની કામનાઓ તૃપ્ત થતી નથી. તેથી, તેને દુઃખનું કરણ માનીને બુદ્ધિમાન મનુષ્ય કામનાઓનો ત્યાગ કરી દે છે.”

આનાથી ઉલટું, જો કામનાઓની પૂર્તિમાં કોઈ બાધા ઉત્પન્ન થાય છે તો શું થાય છે? તે ક્રોધને જન્મ આપે છે. મનમાં એ સમજી લેવું જોઈએ કે ક્રોધ આપમેળે ઉત્પન્ન થતો નથી. કામનાપૂર્તિમાં બાધા ઉત્પન્ન થતા તે ઉદ્ભવે છે; અને કામના આસક્તિમાંથી જન્મે છે, જયારે આસક્તિ ઇન્દ્રિયજન્ય વિષયભોગના ચિંતનમાંથી ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે આપણે જોઈ શકીએ છીએ કે કેવી રીતે ઇન્દ્રિયજન્ય વિષયભોગનું ચિંતન જેવી સાધારણ ક્રિયા લોભ અને ક્રોધ જેવા જોડિયા મનોરોગોની ગર્તામાં ધકેલી દે છે. આગામી શ્લોકમાં શ્રી કૃષ્ણ આ કડીની અધિક અધોમુખી અવસ્થા વિષે સમજાવીને, ક્રોધના પરિણામો અંગે સમજાવે છે.