શ્રીભગવાનુવાચ ।
પ્રજહાતિ યદા કામાન્સર્વાન્પાર્થ મનોગતાન્ ।
આત્મન્યેવાત્મના તુષ્ટઃ સ્થિતપ્રજ્ઞસ્તદોચ્યતે ॥ ૫૫॥
શ્રી-ભગવાન ઉવાચ—પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા; પ્રજહાતિ—ત્યજી દે છે; યદા—જયારે; કામાન્—સ્વાર્થી વાસનાઓ; સર્વાન્—સર્વ પ્રકારની; પાર્થ—અર્જુન,પૃથાપુત્ર; મન:-ગતાન્—મનમાં ઉપજેલી; આત્મનિ—આત્માની શુદ્ધાવાસ્થામાં; એવ—કેવળ; આત્મના—વિશુદ્ધ મન વડે; તુષ્ટ:—સંતુષ્ટ; સ્થિતપ્રજ્ઞ:—સ્થિર બુદ્ધિવાળો; તદા—ત્યારે; ઉચ્યતે—કહેવાય છે.
Translation
BG 2.55: પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા: હે પાર્થ! જયારે મનુષ્ય સર્વ પ્રકારની સ્વાર્થી વાસનાઓનો તથા મનને યાતનાઓ આપનારી ઇન્દ્રિયજન્ય તૃષ્ણાઓનો પરિત્યાગ કરી દે અને આત્મ-સાક્ષાત્કારમાં સંતુષ્ટ થઈ જાય ત્યારે તે મનુષ્યને સ્થિતપ્રજ્ઞ કહી શકાય.
Commentary
અહીંથી શ્રીકૃષ્ણ અર્જુનના પ્રશ્નોના ઉત્તર આપવાનો પ્રારંભ કરે છે અને આ અધ્યાયના અંત સુધી નિરંતર ચાલુ રાખે છે. પ્રત્યેક તત્ત્વ તેના સમગ્ર તરફ કુદરતી રીતે દોરવાય છે, પ્રત્યેક અંશ તેના અંશી તરફ આકર્ષાય છે; જેવી રીતે પથ્થરનો ટુકડો ગુરુત્વાકર્ષણ બળને કારણે પૃથ્વી તરફ ખેંચાય છે. જીવાત્મા ભગવાનનો અંશ છે, જેઓ અનંત આનંદ સિંધુ છે. તેથી, આત્મા આ અનંત આનંદ સિંધુનો અંશ છે અને તે સ્વાભાવિક રીતે આનંદની ઝંખનાનો અનુભવ કરે છે. જયારે તે આ આત્માનંદનું આસ્વાદન ભગવાનમાંથી કરવા મથે છે ત્યારે તેને “દિવ્ય પ્રેમ” કહે છે. પરંતુ, જયારે તે તેની આધ્યાત્મિક પ્રકૃતિથી અજ્ઞાત રહીને, સ્વયંને શરીર માની લે છે અને શારીરિક આનંદનું આસ્વાદન સંસારમાંથી કરવા તરસે છે, ત્યારે તેને “વાસના” કહે છે.
શાસ્ત્રોમાં સંસારને મૃગતૃષ્ણા કહેવામાં આવ્યો છે, અર્થાત્, “હરણને દેખાતા મૃગજળ સમાન”. સૂર્યકિરણો ગરમ રણની રેતી ઉપર પ્રતિબિંબિત થાય છે અને હરણ માટે જળનો ભ્રમ ઉત્પન્ન કરે છે. તે માને છે કે આગળ જળ છે અને તરસ છીપાવવા દોડે છે. પરંતુ, તે જેટલું તે જળ તરફ દોડે છે તેટલું તે મૃગજળ ત્યાંથી વિલુપ્ત થઈને દૂર અને દૂર જતું જાય છે. તેની મંદબુદ્ધિ એ સમજી શકતી નથી કે તે ભ્રમ પાછળ દોડી રહ્યું છે. તે કમનસીબ હરણ એ ભ્રામક જળનો પીછો કરતું રહે છે અને થાકીને રણની રેતી પર જ મૃત્યુ પામે છે. બરાબર એ જ રીતે, ભૌતિક શક્તિ માયા પણ સુખનો ભ્રમ સર્જે છે અને આપણે તે ભ્રામક સુખની પાછળ ઇન્દ્રિયોની પિપાસા તૃપ્ત થશે એવી આશામાં દોડયા કરીએ છીએ. પરંતુ આપણે ગમે તેટલા પ્રયત્નો કેમ ન કરીએ પણ સુખ ત્યાંથી વિલુપ્ત થઇને આપણાથી દૂર અને દૂર જતું જાય છે. ગરુડ પુરાણ કહે છે;
ચક્રધરોઽપિ સુરત્વં સુરત્વલાભે સકલસુરપતિત્વમ્
ભવ્તિરુમ્ સુરપતિરૂર્ધ્વગતિત્વં તથાપિ નનિવર્તતે તૃષ્ણા (૨.૧૨.૧૪)
“રાજા સમગ્ર વિશ્વનો સમ્રાટ બનવા ઈચ્છે છે; સમ્રાટ સ્વર્ગના દેવતા બનવાની મનોકામના સેવે છે; સ્વર્ગના દેવતા સ્વર્ગના રાજા ઇન્દ્ર બનવાની કામના કરે છે; ઇન્દ્ર બ્રહ્મા, દ્વિતીય સર્જક બનવા ઈચ્છે છે. છતાં, સાંસારિક સુખો માટેની પિપાસા તૃપ્ત થતી નથી.”
પરંતુ જયારે વ્યક્તિ સાંસારિક પ્રલોભનોથી મનને હટાવવાનું શીખી લે છે અને ઇન્દ્રિયજન્ય તૃષ્ણાઓનો ત્યાગ કરી દે છે ત્યારે તેવી વ્યક્તિ આત્માના આંતરિક આનંદની અનુભૂતિ કરે છે અને દિવ્યતામાં સ્થિત થાય છે. કઠોપનિષદ તો એટલે સુધી કહે છે કે જે ઈચ્છાઓનો ત્યાગ કરી દે છે તે ભગવાન સમાન બની જાય છે:
યદા સર્વે પ્રમુચ્યન્તે કામા યેઽસ્ય હૃદિ શ્રિતાઃ
અથ મર્ત્યોઽમૃતો ભવત્યત્ર બ્રહ્મ સમશ્નુતે (૨.૩.૧૪)
“જયારે વ્યક્તિ અંત:કરણમાંથી સર્વ સ્વાર્થી ઈચ્છાઓનો નિકાલ કરી દે છે ત્યારે માયિક બંધનોમાં બંધાયેલો જીવાત્મા (આત્મા) જન્મ અને મૃત્યુના ચક્રમાંથી મુક્તિ મેળવે છે અને ગુણોથી ભગવાન સમાન બની જાય છે.” ઉપરોક્ત શ્લોકમાં શ્રી કૃષ્ણ કહે છે કે સ્થિતપ્રજ્ઞ એ છે કે જેણે સ્વાર્થી ઈચ્છાઓ તથા ઇન્દ્રિયોની ઝંખનાઓનો ત્યાગ કરી દીધો છે તથા સ્વમાં સ્થિત છે.