ઇન્દ્રિયાણાં હિ ચરતાં યન્મનોઽનુવિધીયતે ।
તદસ્ય હરતિ પ્રજ્ઞાં વાયુર્નાવમિવામ્ભસિ ॥ ૬૭॥
ઇન્દ્રિયાણામ્—ઇન્દ્રિયોના; હિ—ખરેખર; ચરતામ્—ભ્રમણ; યત્—જેનું; મન:—મન; અનુવિધીયતે—સતત સંલગ્ન રહે છે; તત્—તે; અસ્ય—તેની; હરતિ—હરી લે છે; પ્રજ્ઞામ્—બુદ્ધિ; વાયુ:—પવન; નાવમ્—નૌકા; ઈવ—જેવી રીતે; અમ્ભસિ—પાણી ઉપર.
Translation
BG 2.67: જેવી રીતે, પ્રચંડ વાયુ પાણી પર તરતી નાવને તેના નિશ્ચિત ગમનની દિશામાંથી ઉથલાવી દે છે, તેવી રીતે, એક પણ ઇન્દ્રિય કે જેના પર મન કેન્દ્રિત થઈ જાય છે, તે મનુષ્યની બુદ્ધિ હરી લે છે.
Commentary
કઠોપનિષદ કહે છે કે, ભગવાને આપણી પાંચ ઇન્દ્રિયો બહિર્મુખ બનાવી છે. પરાઞ્ચિ ખાનિ વ્યતૃણત્ સ્વયમ્ભૂઃ (૨.૧.૧) તેથી તેઓ સ્વયં બાહ્ય સંસારમાં તેમના વિષયો તરફ ખેંચાય છે અને કેવળ એક ઇન્દ્રિય કે જેના પર મન કેન્દ્રિત થઈ જાય છે, તે તેના વિનાશ માટે સક્ષમ છે.
કુરઙ્ગ માતઙ્ગ પતઙ્ગ ભૃઙ્ગ મીનાહતાઃ પઞ્ચભિરેવ પઞ્ચ
એકઃ પ્રમાદી સ કથં ન હન્યતે યઃ સેવતે પઞ્ચભિરેવ પઞ્ચ (સૂક્તિ સુધાકર)
“હરણ મધુર ધ્વનિ પ્રત્યે આસકત હોય છે. શિકારી તેમને કર્ણપ્રિય સંગીત શરુ કરીને આકર્ષે છે અને પશ્ચાત્ તેમને મારી નાખે છે. માખી સુગંધ પ્રત્યે આસક્ત હોય છે. જયારે તેઓ પુષ્પનો રસ ચૂસતી હોય છે ત્યારે રાત્રિ સમયે પુષ્પ બંધ થઈ જાય છે અને તેઓ તેમાં ફસાઈ જાય છે. માછલી ખાવાની કામનાને કારણે ફસાઈ જાય છે અને તે માછીમારે પ્રલોભન તરીકે પાથરેલો ખાદ્ય પદાર્થ ગળી જાય છે. પતંગિયા પ્રકાશ તરફ આકર્ષાય છે. તેઓ અગ્નિની અતિ સમીપ આવી જાય છે અને પછી બળી જાય છે. સ્પર્શની અનુભૂતિ એ હાથીની નબળાઈ છે. શિકારી તેની આ નબળાઈનો ગેરલાભ લઈ હાથીને ફસાવવા તેને ખાડા તરફ આકર્ષવા માટે હાથણીનો પ્રલોભન તરીકે ઉપયોગ કરે છે. હાથણીને સ્પર્શ કરવા માટે હાથી ખાડામાં પ્રવેશે છે પરંતુ તેમાંથી બહાર નીકળવા અસમર્થ હોય છે અને પરિણામે શિકારી દ્વારા માર્યો જાય છે. આ બધાં પ્રાણીઓ તેમની એકાદ ઇન્દ્રિયને કારણે તેમના મૃત્યુ તરફ ધકેલાઈ જાય છે. તો પછી મનુષ્યનું દુર્ભાગ્ય તો શું હશે, જે તેની પાંચેય ઇન્દ્રિયોના વિષયોનો ભોગ કરે છે. આ શ્લોકમાં, શ્રી કૃષ્ણ અર્જુનને ઇન્દ્રિયોની મનને કુમાર્ગે ધકેલી દેવાની શક્તિ વિષે સાવધાન રહેવાનો ઉપદેશ આપે છે.