Bhagavad Gita: Chapter 2, Verse 27

જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુર્ધ્રુવં જન્મ મૃતસ્ય ચ ।
તસ્માદપરિહાર્યેઽર્થે ન ત્વં શોચિતુમર્હસિ ॥ ૨૭॥

જાતસ્ય—જન્મેલાનું; હિ—નક્કી; ધ્રુવ:—નિશ્ચિત; મૃત્યુ:—મૃત્યુ; ધ્રુવમ્—નિશ્ચિત છે; જન્મ—જન્મ; મૃતસ્ય—મરેલાનો; ચ—અને; તસ્માત્—માટે; અપરિહાર્યે અર્થે—જે નિવારી શકાય એમ નથી તે બાબતે; ન—નહીં; ત્વમ્—તું; શોચિતુમ્—શોક; અર્હસિ—પાત્ર છે.

Translation

BG 2.27: જેણે જન્મ લીધો છે, તેનું મરણ નિશ્ચિત છે અને જે મૃત્યુ પામે છે, તેનો  પુનર્જન્મ પણ અનિવાર્ય  છે. તેથી, જે અનિવાર્ય છે તે અંગે તારે શોક ન કરવો જોઈએ.

Commentary

અંગ્રેજીમાં એક પ્રચલિત કહેવત છે, 'as sure as death' ‘મૃત્યુ જેમ નિશ્ચિત’. બેન્જામિન ફ્રેન્કલીને કહ્યું: “જીવનમાં કેવળ મૃત્યુ અને કર નિશ્ચિત છે.” જીવનમાં સૌથી નિશ્ચિત બાબત એ છે કે, એક દિવસ આપણું મૃત્યુ અવશ્ય થશે. મનોવૈજ્ઞાનિકો મૃત્યુના ભયને જીવનના સહુથી મોટા ભય તરીકે વર્ગીકૃત કરે છે. પતંજલિ યોગદર્શનમાં પણ અભિનિવેશ એટલે કે કોઈ પણ કિંમતે જીવતા રહેવાની સહજ પ્રેરણાને લૌકિક બુદ્ધિની વિશિષ્ટતા તરીકે ઉલ્લેખવામાં આવી છે. પરંતુ, જેણે જન્મ લીધો છે, તેનું મૃત્યુ અનિવાર્ય છે. તેથી જયારે જે અનિવાર્ય છે, તેના માટે શોક શા માટે કરવો?

મહાભારતમાં આ સંબંધિત એક પ્રસંગ આવે છે. દેશનિકાલ દરમ્યાન વનમાં ઘૂમતા પાંચેય પાંડવોને એક દિવસ તરસ લાગી અને તેઓ કૂવા પાસે પહોંચ્યા. યુધિષ્ઠિરે ભીમને બધાં માટે જળ લઈ આવવા કહ્યું. જયારે ભીમ કૂવા સમીપ પહોંચ્યો, તો એક યક્ષે (શક્તિશાળી આત્મા) કૂવાની અંદરથી બોલવાનું શરુ કર્યું. “હું તને તો જ જળ લેવા દઈશ, જો પહેલા તું મારા પ્રશ્નોનાં ઉત્તર આપીશ.” ભીમે તેના પ્રત્યે કોઈ ધ્યાન આપ્યું નહિ અને તે તેનું જળ લેવા આગળ વધ્યો. યક્ષે તેને અંદર ખેંચી લીધો. થોડા સમય પશ્ચાત્ જ્યારે ભીમ પાછો ન ફર્યો ત્યારે ચિંતિત યુધિષ્ઠિરે અર્જુનને શું થયું છે તે જાણવા તથા જળ લઈ આવવા મોકલ્યો. જયારે અર્જુન કૂવાની સમીપ પહોંચ્યો, તો યક્ષે તેને પણ પૂછયું, “ મેં તારા ભાઈને પહેલાં જ બંદી બનાવી લીધો છે. જો મારા તમામ પ્રશ્નોનાં સાચા ઉત્તર ન આપી શકે તો જળ લેવાનો પ્રયત્ન પણ ના કરીશ.” અર્જુને પણ કંઈ ધ્યાન આપ્યું નહીં અને યક્ષે તેને પણ કૂવામાં ખેંચી લીધો. અન્ય ભાઈઓ, નકુલ અને સહદેવે પણ તેમનું જ અનુસરણ કર્યું અને સમાન પરિણામ ભોગવવું પડયું. અંતે, યુધિષ્ઠિર સ્વયં કૂવા પાસે આવ્યો. પુન: યક્ષ બોલ્યો: “જો તારે કૂવામાંથી જળ પીવું હોય તો મારા પ્રશ્નોના ઉત્તર આપ અથવા મેં જેમ તારા ચાર ભાઈઓને ખેંચી લીધાં, તેમ તને પણ અંદર ખેંચી લઈશ.” યુધિષ્ઠિર પ્રશ્નોના ઉત્તર આપવા સંમત થયા. વાસ્તવમાં, મૃત્યુના સ્વર્ગીય દેવ યમરાજ જ  યક્ષના વેશમાં હતા. તેમણે સાઠ પ્રશ્નો પૂછયા, જે દરેકના સત્ય ઉત્તર યુધિષ્ઠિર દ્વારા પ્રાપ્ત થયા. આમાંનો એક પ્રશ્ન હતો કે: કિમ્ આશ્ચર્યમ્? “સંસારમાં સૌથી મોટું આશ્ચર્ય શું છે?”

                              અહન્યહનિ ભૂતાનિ ગચ્છન્તીહ યમાલયમ્

                              શેષાઃ સ્થિરત્વમ્ ઇચ્છન્તિ કિમાશ્ચર્યમતઃ પરમ્ (મહાભારત)

“પ્રત્યેક ક્ષણે લોકો મૃત્યુ પામે છે. જેઓ જીવિત છે, તેઓ આ દૃશ્યના સાક્ષી છે અને છતાં, તેઓ વિચારતા નથી કે, એક દિવસ તેમનું પણ મૃત્યુ થશે. આનાથી વિશેષ આશ્ચર્ય શું હોઈ શકે?” શ્રી કૃષ્ણ આ શ્લોકમાં સમજાવે છે કે, મૃત્યુ એ જીવનનો અનિવાર્ય અંત છે અને તેથી જ્ઞાની પુરુષ જે અનિવાર્ય છે, તે અંગે શોક કરતો નથી.