Bhagavad Gita: Chapter 2, Verse 22

વાસાંસિ જીર્ણાનિ યથા વિહાય
નવાનિ ગૃહ્ણાતિ નરોઽપરાણિ ।
તથા શરીરાણિ વિહાય જીર્ણા-
ન્યન્યાનિ સંયાતિ નવાનિ દેહી ॥ ૨૨॥

વાસાંસિ—વસ્ત્રો; જીર્ણાનિ—ઘસાયેલાં; યથા—જેવી રીતે; વિહાય-તજીને; નવાનિ-નવાં વસ્ત્રો; ગૃહણાતિ—ગ્રહણ કરે છે; નર:—મનુષ્ય; અપરાણિ—બીજાં; તથા—તેવી રીતે; શરીરાણિ—શરીરને; વિહાય—તજીને; જીર્ણાનિ—ઘસયેલાં; અન્યાનિ—બીજાં; સંયાતિ—સ્વીકારે છે; નવાનિ—નવાં; દેહી—દેહધારી આત્મા.

Translation

BG 2.22: જેવી રીતે મનુષ્ય જૂનાં વસ્ત્રો ત્યજીને નવાં વસ્ત્રો ધારણ કરે છે, તેવી રીતે મૃત્યુ સમયે આત્મા વૃદ્ધ તથા નકામું શરીર ત્યજીને નવું ભૌતિક શરીર ધારણ કરે છે.

Commentary

આત્માની પ્રકૃતિ વિષેનું નિરૂપણ આગળ વધારતાં શ્રી કૃષ્ણ પુનર્જન્મની વિભાવનાની પુનરુક્તિ દૈનિક પ્રવૃત્તિઓ સાથે તુલના કરીને કરે છે. જયારે વસ્ત્રો ફાટીને નકામા થઈ જાય છે, ત્યારે આપણે તેનો નિકાલ કરી દઈએ છીએ, પરંતુ એમ કરતાં આપણે આપણા શરીરને બદલાતાં નથી.આ જ પ્રકારે, જયારે આત્મા તેનું ધારણ કરેલું શરીર ત્યજે છે, ત્યારે તે યથાવત રહે છે અને નવા શરીરમાં અન્ય કોઈ સ્થળે જન્મ લે છે.

ન્યાયદર્શન પુનર્જન્મના અસ્તિત્વને નિમ્ન લિખિત તર્ક દ્વારા  સિદ્ધ કરે છે:

                                        જાતસ્ય હર્ષભયશોક સમ્પ્રતિપત્તેઃ (૩.૧.૧૮)

આ ઉક્તિ સમજાવે છે કે, જો તમે નાના બાળકનું નિરીક્ષણ કરો તો જ્ઞાત થશે કે, તે કોઈપણ દેખીતા કારણ વિના ક્યારેક આનંદિત થાય છે, ક્યારેક ઉદાસ અને ક્યારેક ભયભીત થઈ જાય છે. ન્યાયદર્શન અનુસાર, તે નાનું બાળક તેના પૂર્વજન્મનું સ્મરણ કરતું હોય છે અને તે કારણે આ મનોભાવો અનુભવતું હોય છે. તથાપિ, જેમ જેમ તે મોટું થતું જાય છે, તેમ તેમ વર્તમાન જીવનના સંસ્કારો એટલાં તીવ્ર રીતે તેના માનસપટલ પર અંકિત થઈ જાય છે કે, તે ભૂતકાળની મોટાભાગની સ્મૃતિઓ ભૂંસી નાખે છે. આ ઉપરાંત, મૃત્યુ અને જન્મની પ્રક્રિયા આત્મા માટે એટલી પીડાદાયક હોય છે કે તે પૂર્વજન્મની સ્મૃતિઓના નોંધપાત્ર ભાગને નાબૂદ કરી નાખે છે.

ન્યાય દર્શન પુનર્જન્મના સમર્થનમાં અન્ય તર્ક આપે છે. સ્તન્યાભિલાષાત્ (૩.૧.૨૧)  તે કહે છે કે, નવજાત શિશુને કોઈ ભાષા જ્ઞાન હોતું નથી. તો પછી માતા જયારે તેનું સ્તન બાળકના મુખમાં દાખલ કરે છે, ત્યારે તેને તે સ્તનપાન કરતાં કેવી રીતે શીખવાડે છે? નવજાત શિશુએ તેના અનંત પૂર્વજન્મોમાં પ્રાણીઓની યોનિમાં પણ સ્તન કે આંચળ દ્વારા અસંખ્ય માતાઓનું દૂધ પીધું હોય છે. તેથી, જયારે માતા તેનું સ્તન શિશુના મુખમાં મૂકે છે, ત્યારે તે ભૂતકાળના અભ્યાસને આધારે સ્વત: સ્તનપાન કરવાનું આરંભી દે છે.

પુનર્જન્મની વિભાવનાનો સ્વીકાર કર્યા વિના, મનુષ્યો વચ્ચે રહેલી અસમાનતા અવર્ણનીય અને અસંગત બની જાય છે. ઉદાહરણ તરીકે, ધારી લો કે, એક માણસ જન્મથી જ આંધળો છે. જો તે માણસ પ્રશ્ન કરે કે, શા માટે તેને આ સજા આપવામાં આવી છે, તો તેને કયો તર્ક સંગત ઉત્તર આપી શકાય? જો આપણે એમ કહીએ કે, આ તેના કર્મોનું ફળ હતું, તો એ દલીલ કરી શકે કે તેની પાસે તો કેવળ આ વર્તમાન જીવન છે અને તેથી, ભૂતકાળના કોઈ કર્મો તેને જન્મ સમયે અસર કરવા જોઈએ નહીં. જો આપણે એમ કહીએ કે, આ ઈશ્વરની ઈચ્છા હતી, તો પણ તે પણ અસંભવિત છે, કારણ કે ભગવાન તો પરમ-કૃપાળુ છે અને અનાવશ્યક રીતે કોઈને આંધળા બનાવતો નથી. એકમાત્ર તર્કસંગત એ ઉત્તર એ છે કે, તેના પૂર્વજન્મના કર્મોના પરિણામસ્વરૂપે તે માણસ આંધળો જન્મ્યો હતો. આ પ્રમાણે, સામાન્ય બુદ્ધિના તેમજ શાસ્ત્રોના પ્રમાણોના આધારે આપણે પુનર્જન્મની વિભાવનાને માનવા ઉપકૃત છીએ.