Bhagavad Gita: Chapter 2, Verse 6

ન ચૈતદ્વિદ્મઃ કતરન્નો ગરીયો
યદ્વા જયેમ યદિ વા નો જયેયુઃ ।
યાનેવ હત્વા ન જિજીવિષામ-
સ્તેઽવસ્થિતાઃ પ્રમુખે ધાર્તરાષ્ટ્રાઃ ॥ ૬॥

ન—નહી; ચ—અને; એતત્—આ; વિદ્મ:—અમે જાણીએ છીએ; કતરત્—જે; ન:—અમારા માટે; ગરીય:—શ્રેષ્ઠ; યત્ વા—અથવા; જયેમ્—અમે જીતી જઈએ; યદિ—જો; વા—અથવા; ન:—અમને; જયેયુ:—તેઓ જીતી લે: યાન્—જેમને; એવ—નિશ્ચિત; હત્વા—હણીને; ન—કદાપિ નહી; જિજીવિષામ:—અમે જીવવા ઈચ્છીશું; તે—તે બધાં; અવસ્થિત:—ઊભા છે; પ્રમુખે—સામે; ધાર્તરાષ્ટ્ર:—ધૃતરાષ્ટ્રના પુત્રો.

Translation

BG 2.6: અમે તો એ પણ જાણતા નથી કે આ યુદ્ધનું કયું પરિણામ અમારા માટે શ્રેયસ્કર છે—તેમને જીતવા કે તેમના દ્વારા જીતાઈ જવું. તેઓની હત્યા કરીને અમને જીવવાની ઈચ્છા પણ નહિ થાય. છતાં તેઓએ ધૃતરાષ્ટ્રના પુત્રોનો પક્ષ લીધો છે, અને હવે રણક્ષેત્રમાં અમારી સામે ઊભા છે.

Commentary

કોઈપણ કાર્યવિધિનું મૂલ્યાંકન કરવાના સમયે વ્યક્તિ, તેના અનેક પ્રકારના વિકલ્પો તેમજ પરિણામોનો બારીકાઇથી વિચાર કરે છે. અર્જુન વિવાદ કરતો હતો કે કૌરવોને પરાજિત કરવા ઉચિત છે કે તેમના દ્વારા પરાજિત થવું ઉચિત છે. બંને વિકલ્પો તેને પરાજય સમાન જ લાગે છે, કારણ કે જો તે કૌરવોની હત્યા કરીને યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરશે તો પણ તેને આગળ જીવિત રહેવાની ઈચ્છા થાય.

જો કે, વાસ્તવિકતા એ હતી કે ભીષ્મ, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય વગેરેએ અધર્મી કૌરવોનો સાથ આપીને અધમ કાર્ય કર્યું હતું. અહીં અર્થકામ શબ્દ જે તેમના માટે ઉપયોગમાં લેવાયો છે તે જ સૂચવે છે, “સંપત્તિ તથા સત્તાના આસક્ત”, કારણ કે તેમણે દુષ્ટ દુર્યોધનનો પક્ષ લીધો હતો.

તેથી, યુદ્ધમાં તેમનો વધ કરવો એ કુદરતી પરિણામ હતું. વાસ્તવમાં, યુદ્ધ પશ્ચાત્ સ્વયં ભીષ્મએ સ્વીકાર કર્યો હતો કે, જે આચાર્ય અધમ કાર્ય કરતો હોય તેનો પરિત્યાગ કરવો જોઈએ. અહીં, ભીષ્મ અંગે વિશેષ વર્ણનની જરૂર છે. શ્રીમદ્દ ભાગવતમ્ ( શ્લોક—૯.૨૨.૧૯) અનુસાર, તેઓ શ્રી કૃષ્ણના પરમ ભક્ત હતા. તેઓ તેમની ઇન્દ્રિયોના સ્વામી હતા, તથા પરાક્રમ અને ઉદારતાનું મૂર્તિમાન સ્વરૂપ હતા. તેઓ પૂર્ણ સત્યના જ્ઞાતા હતા અને તેમણે જીવનપર્યંત સત્ય બોલવાની પ્રતિજ્ઞા લીધી હતી. મૃત્યુ પણ તેમની સમીપ તો જ આવી શકે એમ હતું જો તેઓ તેનો સ્વીકાર કરે. (અર્થાત્ તેઓ મૃત્યુનો સમય પણ સ્વયંની ઈચ્છા અનુસાર નિશ્ચિત કરી શકવાની ક્ષમતા ધરાવતા હતા.) ઘણા બધાં કારણોસર તેમની ગણના એ બાર મહાપુરુષોમાં અથવા તો મહાજનોમાં થાય છે , જેમનો ઉલ્લેખ ભાગવતમ્ માં છે.

સ્વયમ્ભૂર્નારદ: શમ્ભુ: કુમાર: કપિલો મનુ:

પ્રહ્લાદો જનકો ભીષ્મો બલિર્વૈયાસકિર્વયમ્ (૬.૩.૨૦)

ધાર્મિક સિદ્ધાંતોના આ બાર મહાન જ્ઞાતાઓ છે—સર્વ પ્રથમ જન્મેલા બ્રહ્મા, નારદ મુનિ, ભગવાન શિવ, ચાર કુમારો, ભગવાન કપિલ (દેવહુતિના પુત્ર), સ્વયંભૂ મનુ, પ્રહલાદ મહારાજ, જનક મહારાજ, પિતામહ ભીષ્મ, બલિ મહારાજ, શુકદેવ મુનિ, તથા વેદ વ્યાસ.

આમ, ભીષ્મ એક પ્રબુદ્ધ આત્મા હતા, જેમના કર્મો કદાપિ ધર્મના સિદ્ધાંતોથી વિપરીત ન હોઈ શકે. તેમનું પ્રગાઢ ચારિત્ર્ય સાંસારિક વિષયોથી પરે હતું. કૌરવોના પક્ષ તરફથી લડતા હોવા છતાં, તેમણે યુદ્ધ પૂર્વે યુધિષ્ઠિર ( પાંડવોના જ્યેષ્ઠ ભ્રાતા) ને કહ્યું, “ અધર્મીઓના પક્ષે રહીને યુદ્ધ કરવા હું બાધ્ય છું, પરંતુ હું તને વરદાન આપું છું કે તું વિજયી બનીશ.” ભીષ્મ જાણતા હતા કે, ધર્મનું પાલન કરવાવાળા પાંડવોના પક્ષે સ્વયં પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ છે, તેથી તેઓ કદાપિ પરાજિત થશે નહિ. અધર્મનો પક્ષ લઈને તેમણે સાબિત કર્યું કે, સંપૂર્ણ પૃથ્વી અને સ્વર્ગની મહાનતમ શક્તિઓ મળીને પણ પવિત્ર યુદ્ધમાં અપવિત્રતાને વિજયી નહિ બનાવી શકે. આ પ્રમાણે, ભગવાન શ્રી કૃષ્ણની દિવ્ય લીલાઓમાં સહયોગ પ્રદાન કરવા તેમણે પ્રાણ ન્યોછાવર કરીને મહાન બલિદાન આપ્યું.

કૌરવોના પક્ષે રહીને યુદ્ધ કરતા હોવા છતાં, ભીષ્મની તેમના પ્રત્યેની પ્રગાઢ ભક્તિથી શ્રી કૃષ્ણ સુપરિચિત હતા. તેથી જ, તેમણે ભીષ્મની પ્રતિજ્ઞાને પોતાની પ્રતિજ્ઞાનો ભંગ કરીને પણ સમર્થન આપ્યું. ભીષ્મએ યુદ્ધ દરમ્યાન અમુક નિશ્ચિત દિને એવો સંકલ્પ કર્યો કે, આવતી કાલે સૂર્યાસ્ત પૂર્વે કાં તો તે પાંડવોના મહાયોદ્ધા અર્જુનનો વધ કરશે, અથવા તો તેને બચાવવા શ્રી કૃષ્ણે મહાભારતના યુદ્ધ દરમ્યાન શસ્ત્ર ન ઉઠાવવાની સ્વયંની પ્રતિજ્ઞાનો ભંગ કરવો પડશે. કવિઓ ભીષ્મ દ્વારા કરેલી પ્રતિજ્ઞાને આ રીતે વર્ણવે છે:

આજુ જો હરિહિં ન શસ્ત્ર ગહાઊઁ̇, તૌ લાજહુઁ ગંગા જનની કો શાન્તનુ સુત ન કહાઊઁ̇  (સૂરદાસ )

“જો હું પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણને શસ્ત્ર ઉપાડવા વિવશ ના કરી દઉં તો હું મારી માતા ગંગાને લજ્જિત કરું અને હું રાજા શાન્તનુનો પુત્ર નહી.” ભીષ્મ એટલા શૌર્યથી લડયા કે, અર્જુનનો રથ ભાંગી ગયો અને તે ભૂમિ ઉપર અસહાય બનીને પડી ગયો. તે સમયે, શ્રી કૃષ્ણએ રથનું ચક્ર ઉઠાવ્યું અને અર્જુનને મારવા આવતા ભીષ્મને અટકાવવા આગળ ધસી આવ્યા. ભીષ્મએ ભગવાનને હાથમાં શસ્ત્ર સ્વરૂપે ઉપાડેલા રથના ચક્ર સાથે જોયા, અને તેઓ હસી પડયા. તેઓ સમજી ગયા કે, ભક્તવત્સલ ભગવાને (ભગવાન જે ભક્તને સુખ આપે છે) પોતાના ભક્તની પ્રતિજ્ઞાનું સન્માન જાળવવા સ્વયંની પ્રતિજ્ઞાનો ભંગ કરી નાખ્યો.

વાસ્તવમાં, ભીષ્મની શ્રી કૃષ્ણ પ્રત્યેની ભક્તિ અતિ રસિક (માધુર્ય પૂર્ણ) પ્રકારની હતી. પ્રાય: તેઓ શ્રી કૃષ્ણની વૃન્દાવનમાં થયેલ લીલાઓનું રૂપધ્યાન કરતાં. ત્યાં, સંધ્યા સમયે જયારે પ્રભુ જંગલમાં ગાયોને ચરાવીને ગામમાં પાછા ફરતા, ત્યારે ગાયોની ખરીથી ઉડેલ રજકણો તેમના મોહક ચહેરાને અધિક સુશોભિત કરી દેતી, જે તેમના સૌન્દર્ય અને માધુર્યમાં ઉમેરો કરતી હતી. મહાભારતના યુદ્ધ દરમ્યાન, ઘોડાઓની ખરીથી ઉડેલ રજકણોએ પણ શ્રી કૃષ્ણના સૌદર્યમાં વધારો કર્યો, અને તેઓ તેમના પ્રભુના દિવ્ય દર્શન કરીને અતિ પ્રસન્ન થયા.

તેમના જીવનની અંતિમ અવસ્થામાં, તેઓ છ માસ સુધી બાણશય્યા પર સૂતા હતા ત્યારે પણ તેઓ નિમ્નલિખિત પ્રાર્થના કરીને ભગવાનના એ જ દર્શનનું ધ્યાન ધરતા રહ્યા.

યુધિ તુરગરજોવિધૂમ્રવિષ્વક્ -

કચલુલિતશ્રમવાર્યલઙ્કૃતાસ્યે

મમ નિશિતશરૈર્વિભિદ્યમાન-

ત્વચિ વિલસત્કવચેઽસ્તુ કૃષ્ણ આત્મા (ભાગવતમ્ ૧.૯.૩૪)

“રણભૂમિ પર, શ્રી કૃષ્ણના લહેરાતા કેશ ઘોડાઓની ખરીથી ઉડેલા રજકણોથી ઢંકાઈ ગયા હતા અને તેમનું મુખ રથ હંકારવામાં કરવા પડતા શારીરિક શ્રમને કારણે ઉદ્ભવેલા પ્રસ્વેદ બિંદુઓથી ભરાઈ ગયું હતું. આ બધું આભૂષણોની સમાન મારા પ્રભુના સૌંદર્યમાં વૃદ્ધિ કરતું હતું તથા મારા તીક્ષ્ણ બાણોથી થયેલા ઘા તેમની મોહકતાને તીવ્ર બનાવી દેતા હતા. મારું મન તે શ્રી કૃષ્ણના ધ્યાનમાં મગ્ન રહો.”

ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં તેમની પ્રેમ ભક્તિનું માન રાખીને, બાણોથી બનેલી મૃત્યુશય્યા પર સૂતેલા ભીષ્મને મળવા માટે આવે છે, અને પોતાના પ્રભુનાં સન્મુખ દર્શન કરીને મહાજન ભીષ્મએ સ્વેચ્છાથી પોતાની દેહ ત્યજી દીધો.