Bhagavad Gita: Chapter 2, Verse 26

અથ ચૈનં નિત્યજાતં નિત્યં વા મન્યસે મૃતમ્ ।
તથાપિ ત્વં મહાબાહો નૈવં શોચિતુમર્હસિ ॥ ૨૬॥

અથ—જો, છતાં પણ; ચ—અને; એનમ્—આ આત્મા; નિત્યજાતમ્—સદા જન્મ લેનારો; નિત્યમ્—હંમેશા; વા—અથવા; મન્યસે—તું એવું માનીશ; મૃતમ્—મૃત; તથા અપિ—તો પણ; ત્વમ્—તું; મહા-બાહો—બળવાન ભુજાઓવાળો; ન—નહીં; એનમ્—આ આત્મા; શોચિતુમ્—શોક કરવા; અર્હસિ—યોગ્ય છે.

Translation

BG 2.26: જો, આમ છતાં, તું એમ વિચારતો હોય કે આત્મા સદા જન્મે છે અને સદા માટે મૃત્યુ પામે છે, તો પણ તારે શોક કરવાનું કોઈ કારણ નથી.

Commentary

શ્રીકૃષ્ણ ‘અથ’ શબ્દનો ઉપયોગ કરે છે, જે સૂચવે છે કે, અર્જુન આત્માની પ્રકૃતિ વિષે અન્ય અસ્તિત્વમાન સમજૂતીથી સમજવા ઈચ્છતો હોય. આ શ્લોક, ભારતવર્ષમાં તત્કાલીન અસ્તિત્વ ધરાવતી દાર્શનિક વિચારધારાઓ અને તેમની આત્માના સ્વરૂપ અંગેની વિભિન્ન સમજૂતીઓના પૂર્વાપર સંબંધને આધારે સમજવો આવશ્યક છે. ભારતીય તત્ત્વજ્ઞાનને ઐતિહાસિક દૃષ્ટિએ બાર સંપ્રદાયોમાં સમાવિષ્ટ કરાયું છે. આમાંથી છ, વેદોની સત્તાને સ્વીકારે છે અને તેથી તેમને આસ્તિક દર્શન કહેવામાં આવે છે. આ છે મિમાંસા, વેદાંત, ન્યાય, વૈશેષિક, સાંખ્ય, અને યોગ. આ પ્રત્યેકની અન્ય શાખાઓ છે—ઉદાહરણ તરીકે, વેદાંત દર્શનને આગળ છ દર્શનોમાં વિભક્ત કરવામાં આવ્યું છે—અદ્વૈતવાદ, દ્વૈતવાદ, વિશિષ્ટ-અદ્વૈતવાદ, વિશુદ્ધ-અદ્વૈતવાદ, દ્વૈત-અદ્વૈતવાદ અને અચિંત્ય-ભેદાભેદવાદ. આ પ્રત્યેક શાખાઓની અન્ય પેટાશાખાઓ છે. ઉદાહરણ તરીકે, અદ્વૈતવાદને દૃષ્ટિસૃષ્ટિવાદ, અવચ્છેદવાદ, બિંબપ્રતિબિંબવાદ, વિવર્તવાદ, અજાતવાદ વગેરેમાં પેટાવિભાજિત કરવામાં આવ્યો છે. અહીં આપણે આ દર્શનશાસ્ત્રોની વિસ્તૃત માહિતીમાં ઉતરતા નથી. અત્યારે એટલું જાણવું પર્યાપ્ત છે કે, આ બધાં દર્શનશાસ્ત્રોએ પ્રમાણની સત્તા તરીકે વેદોનો સ્વીકાર કર્યો છે. તદનુસાર, આ સર્વ દર્શન શાસ્ત્રો આત્માને શાશ્વત અને અપરિવર્તનશીલ ‘સ્વ’ તરીકે સ્વીકારે છે.

ભારતીય તત્ત્વજ્ઞાનનાં અન્ય છ દર્શન શાસ્ત્રો વેદોની સત્તાને સ્વીકારતા નથી.  આ છે – ચાર્વાકવાદ, બૌદ્ધ ધર્મની છ શાખાઓ (યોગાચાર વાદ, માધ્યમિક વાદ, વૈશેષિક વાદ, અને સૌતાન્ત્રિક વાદ) અને જૈન ધર્મ. આ પ્રત્યેક દર્શનની આત્મા અંગેની પોતાની અંગત સમજૂતી છે. ચાર્વાક વાદ કહે છે કે, શરીર પોતે પોતાનું જ બનેલું છે અને ચેતના એ વિવિધ ઘટકોની સંયુક્ત ઉપજ માત્ર છે. જૈન દર્શન કહે છે કે, આત્માનું કદ શરીર જેટલું જ હોય છે અને તેથી તે જન્મોજન્મ બદલાય છે. બૌદ્ધ દર્શન આત્માના શાશ્વત અસ્તિત્વને સ્વીકારતું નથી, પરંતુ એવું માને છે કે, દરેક જન્મ એ એક પુનર્નવપલ્લવિત જીવનની ધારા છે, જેના થકી વ્યક્તિના જીવનની ગતિ જળવાય છે.

આ પરથી લાગે છે કે, શ્રી કૃષ્ણના સમયમાં પણ, આત્માની શાશ્વતતા અને પુનર્નવપલ્લવિત જીવન અંગેની બૌદ્ધદર્શનની આવૃતિઓ અસ્તિત્વ ધરાવતી હતી. તેથી, તેઓ સમજાવે છે કે જો અર્જુન આ પુનર્નવપલ્લવિત જીવનની વિચારધારાને માનતો હોય તો પણ તેને શોક કરવાનું કોઈ કારણ નથી.