વિહાય કામાન્યઃ સર્વાન્પુમાંશ્ચરતિ નિઃસ્પૃહઃ ।
નિર્મમો નિરહઙ્કારઃ સ શાન્તિમધિગચ્છતિ ॥૭૧॥
વિહાય—છોડીને; કામાન્—સાંસારિક કામનાઓ; ય:—જે; સર્વાન્—સમસ્ત; પુમાન્—મનુષ્ય; ચરતિ—રહે છે; નિ:સ્પૃહ:—સ્પૃહાથી મુક્ત; નિર્મમ્—સ્વામિત્વની ભાવનાથી રહિત; નિરહંકાર:—અહંકાર રહિત; સ:—તે મનુષ્ય; શાન્તિમ્—પૂર્ણ શાંતિ; અધિગચ્છતિ—પામે છે.
Translation
BG 2.71: જે મનુષ્ય સર્વ માયિક કામનાઓનો પરિત્યાગ કરી દે છે અને લોભ, સ્વામિત્વ અને અહંકારની ભાવનાથી મુક્ત થઈને જીવે છે, તે પૂર્ણ શાંતિ પામે છે.
Commentary
આ શ્લોકમાં શ્રી કૃષ્ણ મનુષ્યની શાંતિમાં બાધક તત્ત્વોની યાદી બનાવે છે અને પશ્ચાત્ અર્જુનને તે બધાંનો પરિત્યાગ કરી દેવાનું કહે છે.
માયિક કામનાઓ. જે ક્ષણે આપણે કામનાઓનો મનમાં સંગ્રહ કરીએ છીએ તે જ સમયે આપણે લોભ અને ક્રોધની જાળમાં પ્રવેશી જઈએ છીએ. બંનેમાંથી કોઈપણ રીતે જાળમાં ફસાઈ જઈએ છીએ. તેથી, આંતરિક શાંતિનો માર્ગ કામનાઓની પૂર્તિઓમાં નહિ પણ તેના બદલે તેનો નિકાલ કરવાથી પ્રાપ્ત થાય છે.
લોભ. સર્વપ્રથમ તો ભૌતિક ઉન્નતિનો લોભ એ સમયનો અતિ દુર્વ્યય છે. બીજું, આ અંતહીન દોડ છે. વિકસિત દેશોમાં બહુ ઓછા લોકો ખોરાક અને વસ્ત્રોથી વંચિત છે અને છતાં, તેઓ વિક્ષુબ્ધ રહે છે; કારણ કે તેમની લાલસાઓ હજી પણ સંતુષ્ટ થઈ નથી. આમ, જેઓ પરિતૃપ્તિની સંપત્તિ ધરાવે છે, તેઓ જીવનનાં શ્રેષ્ઠ ખજાનાના સ્વામી છે.
અહંકાર. લોકો વચ્ચે ફૂટી નીકળતા મોટાભાગના કલેશો અહંકારમાંથી ઉદ્ભવે છે. માર્ક મેકકોર્મેક નામના લેખક તેમના પુસ્તક ‘વૉટ ધે ડોંટ ટીચ યુ એટ હાર્વર્ડ બિઝનેસ સ્કૂલ’માં લખે છે: “અધિકતર અધિકારીઓ હાથ-પગની જોડીઓ ધરાવતા વિશાળકાય અહંકાર જેવા હોય છે.” આંકડાશાસ્ત્ર દર્શાવે છે કે, અધિકતર અધિકારીઓ ઉચ્ચ પ્રબંધીય સ્તરેથી તેમની નોકરી ગુમાવે છે, તેનું કારણ તેમની વ્યાવસાયિક બિનકાર્યક્ષમતા નથી પરંતુ તેમની આંતરવૈયક્તિક સમસ્યાઓ છે. અહંકારનું પોષણ અને તેનું સંવર્ધન કરવાને બદલે તેનાથી છુટકારો મેળવવાથી શાંતિનો માર્ગ પ્રાપ્ત થશે.
માલિકીની ભાવના. સ્વામિત્વની ભાવના અજ્ઞાન પર આધારિત છે, કારણ કે આ સમગ્ર વિશ્વ ભગવાનનું છે. આપણે આ દુનિયામાં ખાલી હાથે આવ્યા હતા અને ખાલી હાથે જ પાછા જઈશું. તો પછી આપણે કઈ રીતે કહી શકીએ કે આ દુન્યવી ચીજો આપણી છે?