Bhagavad Gita: Chapter 2, Verse 28

અવ્યક્તાદીનિ ભૂતાનિ વ્યક્તમધ્યાનિ ભારત ।
અવ્યક્તનિધનાન્યેવ તત્ર કા પરિદેવના ॥ ૨૮॥

અવ્યક્ત-આદીનિ—જન્મ પહેલાં અપ્રગટ; ભૂતાનિ—સર્જિત પ્રાણીઓ; વ્યક્ત—પ્રગટ; મધ્યાનિ—મધ્યમાં; ભારત—અર્જુન, ભરતવંશી; અવ્યક્ત—અપ્રગટ; નિધનાનિ—મૃત્યુ સમયે; એવ—ખરેખર; તત્ર—તેથી; કા—શા માટે; પરિદેવના—શોક.

Translation

BG 2.28: હે ભરતવંશી! બધાં જીવો જન્મ પૂર્વે અપ્રગટ હોય છે, જીવન દરમ્યાન પ્રગટ થાય છે અને મૃત્યુ સમયે પુન: અપ્રગટ થઈ જાય છે. તો શોક શા માટે?

Commentary

શ્રી કૃષ્ણ શ્લોક સં. ૨.૨૦માં આત્મા માટેના શોકનું અને શ્લોક સં. ૨.૨૭ માં શરીર માટેના શોકના કારણનું નિવારણ કરે છે. હવે તેઓ તે બંનેનો આ શ્લોકમાં સમાવેશ કરે છે. નારદ મુનિ યુધિષ્ઠિરને શ્રીમદ્ ભાગવતમ્ માં સમાન ઉપદેશ આપે છે:

                                યન્મન્યસે ધ્રુવં લોકમધ્રુવં વા ન ચોભયમ્

                                સર્વથા ન હિ શોચ્યાસ્તે સ્નેહાદન્યત્ર મોહજાત્ (૧.૧૩.૪૩)

“તમે વ્યક્તિને શાશ્વત આત્મા માનો કે અલ્પકાલીન શરીર માનો કે પછી તમે તેને આત્મા અને શરીરના અકલ્પ્ય મિશ્રણ તરીકે સ્વીકારો, કોઈ પણ પ્રકારે તમારે શોક કરવો જોઈએ નહીં. શોકનું કારણ કેવળ આસક્તિ છે, જે અજ્ઞાનને કારણે ઉત્પન્ન થાય છે.”

માયિક ક્ષેત્રમાં, પ્રત્યેક જીવાત્મા ત્રણ શરીરોથી બંધાયેલો છે—સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર, કારણ શરીર.

સ્થૂળ શરીર: સ્થૂળ શરીર પ્રકૃતિનાં પાંચ સ્થૂળ તત્ત્વો—પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશથી બને છે.

સૂક્ષ્મ શરીર: અઢાર તત્ત્વો—પાંચ પ્રાણવાયુઓ, પાંચ કર્મેન્દ્રિયો, પાંચ જ્ઞાનેન્દ્રિયો, મન, બુદ્ધિ અને અહંકારનું બનેલું છે.

કારણ શરીર: પૂર્વજન્મોના સંચિત સંસ્કારો (વૃત્તિઓ) સહિત અનંત પૂર્વજન્મોના અર્જિત કર્મોના આધારે બનેલું હોય છે.

મૃત્યુના સમયે આત્મા તેના સ્થૂળ શરીરનો ત્યાગ કરે છે તથા સૂક્ષ્મ અને કારણ શરીર સાથે વિદાય લે છે. પુન: ભગવાન આત્માને તેના સૂક્ષ્મ અને કારણ શરીર અનુસાર અન્ય સ્થૂળ શરીર પ્રદાન કરે છે તેમજ આત્માને ઉચિત માતાના ગર્ભમાં ઉદ્દેશય સહિત મોકલે છે. આત્મા એક સ્થૂળ શરીર ત્યજી દે છે, તત્પશ્ચાત્ તે નવીન સ્થૂળ શરીર પ્રાપ્ત કરે તે પહેલાં સંક્રાંતિ કાળ આવે છે. આ સંક્રાંતિ કાળની અવધિ થોડીક ક્ષણો પૂરતી અથવા તો થોડાક વર્ષો સુધીની હોય છે. આમ, આત્મા જન્મ પૂર્વે અપ્રગટ સૂક્ષ્મ અને કારણ શરીર સાથે અસ્તિત્વમાન હોય છે. મૃત્યુ પશ્ચાત્, તે આ જ અપ્રગટ અવસ્થામાં અસ્તિત્વમાન રહે છે. તે કેવળ મધ્ય અવસ્થામાં પ્રગટ થાય છે. તેથી મૃત્યુ માટે  શોકગ્રસ્ત થવાનું કોઈ કારણ નથી.