Bhagavad Gita: Chapter 2, Verse 16

નાસતો વિદ્યતે ભાવો નાભાવો વિદ્યતે સતઃ ।
ઉભયોરપિ દૃષ્ટોઽન્તસ્ત્વનયોસ્તત્ત્વદર્શિભિઃ ॥ ૧૬॥

ન—નહીં; અસત:—અસ્થાયીનો; વિદ્યતે—છે; ભાવ:—છે; ન—નહીં; અભાવ:—રોકાવું; વિદ્યતે—છે; સત:—શાશ્વતનો; ઉભયો:—બંનેનો; અપિ—પણ; દૃષ્ટ:—જોવામાં આવ્યો; અન્ત:—નિષ્કર્ષ; તુ—ખરેખર; અનયો:—એમનો; તત્ત્વ—સત્યનો; દર્શિભિ:—દૃષ્ટાઓ દ્વારા.

Translation

BG 2.16: જે અશાશ્વત છે તે ક્યારેય ટકતું નથી અને જે શાશ્વત છે તે ક્યારેય હીન થતું નથી. દૃષ્ટાઓએ આ સત્યને બન્નેની પ્રકૃતિનાં અધ્યયનથી અવલોક્યું છે.

Commentary

શ્વેતાશ્વતર ઉપનિષદ્દ અનુસાર સંસારમાં ત્રણ તત્ત્વોનું અસ્તિત્વ છે:

        ભોક્તા ભોગ્યં પ્રેરિતારં ચ મત્વા સર્વં પ્રોક્તં ત્રિવિધં બ્રહ્મમેતત્ (૧.૧૨)

       ક્ષરં પ્રધાનમમૃતાક્ષરં હરઃ ક્ષરાત્માનાવીશતે દેવ એકઃ (૧.૧૦)

      સંયુક્તમેતત્ ક્ષરમક્ષરં ચ વ્યક્તાવ્યક્તં ભરતે વિશ્વમીશઃ (૧.૮)

આ બધાં વેદ મંત્રો જણાવે છે કે આ ત્રણ તત્વો—ભગવાન, જીવાત્મા, અને માયા—સદા નિત્ય છે.

૧. ભગવાન શાશ્વત છે. આ રીતે તે સત્ (નિરંતર વિદ્યમાન) છે. તેથી, વેદમાં તેમનું નામ સત્-ચિત્ત-આનંદ (નિત્ય-સર્વજ્ઞ-આનંદસિંધુ) છે.

૨. આત્મા અવિનાશી છે અને તેથી તે સત્ છે. આમ છતાં, એક દિવસ શરીર જીવવાનું છોડી દેશે અને તેથી તે અસત્ (અલ્પકાલીન)  છે. આત્મા પણ સત્-ચિત્ત-આનંદ છે પરંતુ તે અણુ છે. આથી આત્મા અણુ સત્, અણુ ચિત્ત તથા અણુ આનંદ છે.

૩. માયા તત્ત્, જેનાથી આ વિશ્વ બન્યું છે, તે પણ નિત્ય અથવા તો સત્ છે. છતાં પણ, બધાં ભૌતિક પદાર્થો, જેને આપણે આસપાસ જોઈએ છીએ, સમયની સાથે અસ્તિત્વમાં આવ્યા અને સમયની સાથે તેમનો નાશ થઈ જશે. તેથી, તેમને અસત્ અથવા અલ્પકાલીનની શ્રેણીમાં મૂકી શકાય. આમ, સંસાર પોતે તો અસત્ છે, કેવળ માયા તત્ત્વ સત્ છે.

જયારે આપણે કહીએ છીએ કે, સંસાર અસત્ છે, ત્યારે તે મિથ્યા હોવાના ભ્રમમાં ના રહેવું જોઈએ. અસત્ (અલ્પકાલીન) નો અર્થ મિથ્યા (અવિદ્યમાન) થતો નથી. કેટલાક દાર્શનિકો દાવો કરે છે કે, જગત મિથ્યા અથવા તો અવિદ્યમાન છે. તેઓ ભારપૂર્વક કહે છે કે, એ આપણું આંતરિક અજ્ઞાન જ છે કે જે આપણને સંસારનો અનુભવ કરાવે છે અને એકવાર આપણે બ્રહ્મજ્ઞાન (પરમાત્માનું જ્ઞાન)માં સ્થિત થઈ જઈએ છીએ, તો સંસારનું અસ્તિત્વ સમાપ્ત થઈ જાય છે. જો આ સત્ય હોય તો ભગવદ્-પ્રાપ્ત સંતો માટે સંસારનું અસ્તિત્વ હોવું જ ન જોઈએ. જયારે તેમણે તેમનું અજ્ઞાન નષ્ટ કરી દીધું છે, તો તેમના માટે સંસારનું અસ્તિત્વ સમાપ્ત થઈ જવું જોઈએ. તો પછી એ સંતોએ ઈશ્વર-સાક્ષાત્કારની અવસ્થા સુધી પહોંચ્યા પછી પણ શા માટે ગ્રંથો લખ્યા? એ માટે જરૂરી કાગળ અને કલમ ક્યાંથી આવ્યાં? સત્ય એ છે કે, બ્રહ્મજ્ઞાનીઓનો સાંસારિક પદાર્થોનો ઉપયોગ સિદ્ધ કરે છે કે, સંસારનું અસ્તિત્વ તેમના માટે પણ છે. આ ઉપરાંત, બ્રહ્મજ્ઞાનીઓને પણ પોતાના શરીરના પોષણ માટે ખોરાકની આવશ્યકતા રહે છે. વૈદિક ગ્રંથો જણાવે છે કે, પશ્વાદીભિશ્ચાવિશેષત “ પ્રાણીઓની જેમ જ ભગવદ્-પ્રાપ્ત સંતોને પણ ભૂખ લાગે છે તેમજ ભોજનની આવશ્યકતા રહે છે.” જો તેમના માટે સંસારનું અસ્તિત્વ જ નથી તો શા માટે અને કેવી રીતે તેમણે ભોજન કરવું જોઈએ?

તેનાથી આગળ, તૈતિરીય ઉપનિષદ્દ આપણને વારંવાર જણાવે છે કે સંસારમાં ઈશ્વર સર્વવ્યાપક છે:

 સોઽકામયત, બહુ સ્યાં પ્રજાયેયેતિ, સ તપોઽતપ્યત, સ તપસ્તપ્ત્વા ઇદંસર્વમસૃજત યદિદં કિં ચ, ત ત્સૃષ્ટ્વા તદેવાનુ પ્રાવિષત્, તદનુપ્રવિશ્ય સચ્ચ ત્યચ્ચાભવત્, નિરુક્તં ચાનિરુક્તં ચ નિલયનં ચાનિલયનં ચ, વિજ્ઞાનં ચાવિજ્ઞાનં ચ, સત્યં ચાનૃતમ્ ચ સત્યમભવત્, યદિદં કિં ચ, તત્સત્યમિત્યાચક્ષતે, તદપ્યેષ શ્લોકો ભવતિ. (૨.૬.૪)

આ વૈદિક મંત્ર જણાવે છે કે, ભગવાન માત્ર સંસારનું સર્જન જ નથી કરતા, પરંતુ તેઓ તેના દરેક અણુમાં વ્યાપ્ત છે. જો ખરેખર ભગવાન આ સંસારમાં સર્વત્ર વ્યાપ્ત છે, તો પછી આ સંસારનું અસ્તિત્વ કેમ ના હોઈ શકે? સંસાર મિથ્યા છે, એમ કહેવું એ સત્યનું ખંડન કરે છે કે, ભગવાન આ સંસારમાં વ્યાપ્ત છે.આ શ્લોકમાં શ્રી કૃષ્ણ સ્પષ્ટ કરે છે કે, સંસાર અસ્તિત્વ ધરાવે છે, પરંતુ તે અલ્પકાલીન છે. તેથી તેમને તેઓ અસત્ અથવા તો નશ્વર કહે છે. તેમણે તેને મિથ્યા કે “અસ્તિત્વહીન” કહ્યો નથી.