યદા સંહરતે ચાયં કૂર્મોઽઙ્ગાનીવ સર્વશઃ ।
ઇન્દ્રિયાણીન્દ્રિયાર્થેભ્યસ્તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા ॥ ૫૮॥
યદા—જયારે; સંહરતે—સંકેલી લે છે; ચ—અને; અયમ્—આ; કૂર્મ:—કાચબો; અંગાનિ—અંગો; ઈવ—જેમ; સર્વશ:—સર્વથા; ઇન્દ્રિયાણિ—ઇન્દ્રિયો; ઇન્દ્રિય-અર્થેભ્ય:—ઇન્દ્રિયોના વિષયોમાંથી; તસ્ય—તેની; પ્રજ્ઞા—દિવ્ય જ્ઞાન; પ્રતિષ્ઠિતા—સ્થિર.
Translation
BG 2.58: જેવી રીતે કાચબો તેનાં સર્વ અંગોને પોતાના કોચલામાં સંકેલી લે છે, તેવી રીતે જે મનુષ્ય પોતાની ઇન્દ્રિયોને વિષયભોગોમાંથી પાછી ખેંચી લે છે, તે દિવ્ય જ્ઞાનમાં સ્થિર થઈ જાય છે.
Commentary
ઇન્દ્રિયોની લાલસાઓની તરસને તેમના ઈચ્છિત પદાર્થોની પૂર્તિ કરીને સંતોષવાનો પ્રયાસ એ ઘી રેડીને અગ્નિને બુઝાવવા સમાન છે. અગ્નિ ભલે થોડી ક્ષણો માટે બુઝાઈ જાય પણ તે બમણી તીવ્રતાથી પુન: ભડકી ઉઠે છે. તેથી, શ્રીમદ્ ભાગવતમ્ કહે છે કે ઈચ્છાઓની પૂર્તિ કરવાથી તે કદાપિ દૂર થતી નથી, પરંતુ અધિક બળવતી થઈને પાછી આવે છે:
ન જાતુ કામઃ કામાનામુપભોગેન શામ્યતિ
હવિષા કૃષ્ણવર્ત્મેવ ભૂય એવાભિવર્ધતે (૯.૧૯.૧૪)
“જેવી રીતે અગ્નિમાં ઘીની આહુતિ આપવાથી તે બુઝાતી નથી, પરંતુ અગ્નિ અધિક તીવ્રતાથી ભડકી ઉઠે છે; તેવી રીતે ઇન્દ્રિયોની વાસનાઓની તુષ્ટિ કરવાથી તે શાંત થતી નથી.”
આ વાસનાઓને શરીરમાં થતી ખરજ સાથે સરખાવી શકાય. ખરજ ઉપદ્રવી હોય છે અને ખંજવાળની પ્રબળ ઈચ્છા ઉત્પન્ન કરે છે. પરંતુ ખંજવાળ સમસ્યાનું સમાધાન કરતી નથી. થોડી ક્ષણો પૂરતી રાહત થાય છે અને પશ્ચાત્ તે ખરજ અધિક વેગથી પુન: શરુ થઈ જાય છે. તેના બદલે જો કોઈ આ ખરજને થોડા સમય માટે સહન કરી લે તો તે તેની તીવ્રતા ગુમાવવા લાગે છે અને ધીમે ધીમે સમાપ્ત થઈ જાય છે. આ ખુજલીમાંથી રાહત મેળવવાનું રહસ્ય છે. આ જ તર્ક વાસનાઓને પણ લાગુ પડે છે. મન તથા ઇન્દ્રિયો સુખ અર્થે અસંખ્ય ઈચ્છાઓ ઉત્પન્ન કરે છે પરંતુ જ્યાં સુધી આપણે તેની તુષ્ટિ કરવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યાં સુધી સુખ, મૃગજળ સમાન એક ભ્રમણા જ રહે છે. પરંતુ જયારે આપણે ભગવાનનું અલૌકિક સુખ મેળવવા આ વાસનાઓનો ત્યાગ કરી દઈએ છીએ, ત્યારે મન અને ઇન્દ્રિયો શાંત થઈ જાય છે.
તેથી પ્રબુદ્ધ સાધુ બુદ્ધિપૂર્વક ઇન્દ્રિયો અને મનનો સ્વામી બની જાય છે. આ શ્લોકમાં કાચબાનું ઉદાહરણ આપવામાં આવ્યું છે. જયારે જયારે તે સંકટનો સામનો કરે છે ત્યારે ત્યારે કાચબો તેના અંગો અને માથું પોતાના કોચલામાં ખેંચીને પોતાનું રક્ષણ કરે છે અને જયારે સંકટ ત્યાંથી પસાર થઈ જાય છે ત્યારે કાચબો પુન: પોતાના અંગો અને માથું બહાર કાઢીને તેના માર્ગે આગળ વધે છે. પ્રબુદ્ધ આત્મા, મન અને ઇન્દ્રિયો પર સમાન પ્રકારનું નિયંત્રણ ધરાવે છે અને પરિસ્થિતિની આવશ્યકતા અનુસાર તેનું સંકુચન અને પ્રસરણ કરે છે.