Bhagavad Gita: Chapter 2, Verse 53

શ્રુતિવિપ્રતિપન્ના તે યદા સ્થાસ્યતિ નિશ્ચલા ।
સમાધાવચલા બુદ્ધિસ્તદા યોગમવાપ્સ્યસિ ॥ ૫૩॥

શ્રુતિ-વિપ્રતિપન્ના—વૈદિક જ્ઞાનના સકામ કર્મફળોથી પ્રભાવિત થયા વિના; તે—તારી; યદા—જયારે; સ્થાસ્યતિ—સ્થિર થશે; નિશ્ચલા—અચળ; સમાધૌ—દિવ્ય ચેતનામાં; અચલ—અવિચળ; બુદ્ધિ:—બુદ્ધિ; તદા—ત્યારે; યોગમ્—યોગ; અવાપ્સ્યાસિ—તું પ્રાપ્ત કરીશ.

Translation

BG 2.53: જયારે તારી બુદ્ધિનું વેદોના આલંકારિક વિભાગો પ્રત્યેનું આકર્ષણ સમાપ્ત થઇ થશે અને તે દિવ્ય ચેતનામાં સ્થિત થઇ જશે, ત્યારે તું પૂર્ણ યોગની ઉચ્ચ અવસ્થા પ્રાપ્ત કરીશ.

Commentary

જેમ જેમ સાધક આધ્યાત્મિક માર્ગ પર ઉન્નતિ કરે છે તેમ તેમ તેના અંત:કરણમાં ભગવાન સાથેનો સંબંધ પ્રગાઢ બનતો જાય છે. તે સમયે તેને જ્ઞાત થાય છે કે, તેઓ અગાઉ જે વૈદિક કર્મકાંડોનું આચરણ કરતાં હતાં, તે બોજારૂપ અને સમય વ્યર્થ કરનારા છે. ત્યારે તેઓને વિસ્મય થાય છે કે શું તેઓ ભક્તિની સાથે-સાથે આ કર્મકાંડો કરવા બંધાયેલા છે, અને જો તેઓ આ કર્મકાંડનો અસ્વીકાર કરીને સ્વયંને સંપૂર્ણપણે તેમની સાધનામાં સમર્પિત કરી દેશે તો શું તેને અપરાધ થયો ગણાશે? આવા લોકોને તેમના સંદેહનો ઉત્તર આ શ્લોકમાં પ્રાપ્ત થશે. શ્રી કૃષ્ણ કહે છે કે, વેદોના આલંકારિક સકામ ખંડોથી આકર્ષાયા વિના સાધનામાં સ્થિત રહેવું, એ કોઈ અપરાધ નથી; પરંતુ એ તો આધ્યાત્મિકતાની ઉચ્ચતર અવસ્થા છે.

૧૪મી સદીના પ્રખ્યાત સંત માધવેન્દ્ર પુરી આ ભાવનાને અતિ દૃઢતાપૂર્વક વર્ણવે છે. તેઓ વૈદિક બ્રાહ્મણ હતા અને વિસ્તૃત કર્મકાંડી અનુષ્ઠાનોમાં પ્રવૃત્ત રહેતા, પરંતુ તત્પશ્ચાત્ તેમણે સંન્યાસ ગ્રહણ કર્યો અને શ્રીકૃષ્ણ ભક્તિમાં હૃદયપૂર્વક પ્રવૃત્ત થઇ ગયા. તેમના જીવનના અંતિમ સમયમાં તેમણે લખ્યું છે:

સન્ધ્યા વન્દન ભદ્રમસ્તુ ભવતે ભોઃ સ્નાન તુભ્યં નમઃ

ભો દેવાઃ પિતરશ્ચતર્પણ વિધૌ નહં ક્ષમઃ ક્ષમ્યતામ્

યત્ર ક્વાપિ નિષદ્ય યાદવ કુલોત્તમઃસ્ય કંસદ્વિષઃ

સ્મારં સ્મારમઘં હરામિ તદલં મન્યે કિમન્યેન મે

“હું સર્વ પ્રકારના કર્મકાંડોની ક્ષમા માગવા ઈચ્છું છું કારણ કે મારી પાસે તેમનો આદર કરવાનો સમય નથી. તેથી પ્રિય સંધ્યા વંદન (જનોઈ ધારણ કરેલી વ્યક્તિ દ્વારા દિવસ દરમ્યાન  ત્રણ વખત પાળવામાં આવતી વિધિ), પવિત્ર સ્નાન, દેવો માટેના યજ્ઞો, પૂર્વજોનું તર્પણ, વગેરે, કૃપા કરીને મને ક્ષમા કરો. હવે, હું જ્યાં પણ બેસીશ, હું પરમ પુરુષોત્તમ શ્રીકૃષ્ણનું સ્મરણ કરીશ, કે જેઓ કંસના શત્રુ છે. માયિક બંધનોથી મને મુક્ત કરવા માટે આટલું પર્યાપ્ત છે.”

શ્રીકૃષ્ણ આ શ્લોકમાં સમભાવ-અચલ શબ્દનો ઉપયોગ, દિવ્ય ચેતનામાં સ્થિત અવસ્થાનું વર્ણન કરવા કરે છે. સમાધિ શબ્દની રચના ‘સમ’ અર્થાત્ ‘સંતુલન’ અને ‘ધિ’ અર્થાત્ બુદ્ધિ શબ્દોથી થઇ છે, જેનો અર્થ છે, “બુદ્ધિની સંપૂર્ણ સંતુલિત અવસ્થા”. જેઓ સાંસારિક પ્રલોભનોથી વિચલિત થયા વિના, ઉચ્ચતર ચેતનામાં સ્થિત છે, તેઓ સમાધિ અથવા તો પૂર્ણ યોગની અવસ્થા પ્રાપ્ત કરે છે.