Bhagavad Gita: Chapter 2, Verse 54

અર્જુન ઉવાચ ।
સ્થિતપ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્થસ્ય કેશવ ।
સ્થિતધીઃ કિં પ્રભાષેત કિમાસીત વ્રજેત કિમ્ ॥ ૫૪॥

અર્જુન: ઉવાચ—અર્જુને કહ્યું; સ્થિત-પ્રજ્ઞસ્ય—સ્થિર બુદ્ધિવાળી વ્યક્તિ; કા—કઈ; ભાષા—ભાષા; સમાધિસ્થસ્ય—દિવ્ય ચેતનામાં સ્થિત; કેશવ—શ્રીકૃષ્ણ, કેશી અસુરના સંહારક; સ્થિત-ધિ:—પ્રબુદ્ધ વ્યક્તિ; કિમ્—કેવી રીતે; આસિત—બેસે છે; વ્રજેત્—ચાલે છે; કિમ્—કેવી રીતે.

Translation

BG 2.54: અર્જુને કહ્યું: હે કેશવ! જેઓ સ્થિતપ્રજ્ઞ મનુષ્ય છે, તેઓની પ્રકૃતિ કેવી હોય છે? સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ કેવી રીતે વાત કરે છે? તે કેવી રીતે બેસે છે? તે કેવી રીતે ચાલે છે?

Commentary

સ્થિતપ્રજ્ઞ (જે સ્થિર બુદ્ધિ ધરાવે છે) અને સમાધિ-સ્થ (સમાધિમાં સ્થિત) આ બંને પદો પ્રબુદ્ધ વ્યક્તિને અપાય છે. શ્રી કૃષ્ણના મુખે પૂર્ણ યોગ અથવા તો સમાધિની અવસ્થા વિષે સાંભળીને અર્જુન સ્વાભાવિક પ્રશ્ન કરે છે. તે આ અવસ્થામાં સ્થિત મનુષ્યના મનની પ્રકૃતિ અંગે જાણવા ઈચ્છે છે. તદુપરાંત, તે જાણવા ઈચ્છે છે કે મનની આ દિવ્ય અવસ્થા વ્યક્તિના વર્તનમાં કેવી રીતે પ્રગટ થાય છે.

આ શ્લોકના આરંભમાં અર્જુન, શ્રી કૃષ્ણને ૧૬ પ્રશ્નો પૂછે છે. જેના પ્રત્યુત્તરમાં શ્રી કૃષ્ણ કર્મયોગ, જ્ઞાનયોગ, ભક્તિ યોગ, તપ, ધ્યાન વગેરેનાં ગૂઢતમ રહસ્યો પ્રગટ કરે છે. અર્જુન દ્વારા પૂછવામાં આવેલા ૧૬ પ્રશ્નો આ પ્રમાણે છે:

૧. “સ્થિતપ્રજ્ઞ મનુષ્યના લક્ષણ કેવાં હોય છે?” (શ્લોક ૨.૫૪)

૨. “જો તમે જ્ઞાનને સકામ કર્મો કરતાં શ્રેષ્ઠ માનો છો તો પછી શા માટે મને આ ઘોર યુદ્ધ કરવા કહી રહ્યા છે?” (શ્લોક ૩.૧)

૩. “મનુષ્ય અનિચ્છાએ પણ જાણે કોઈ દબાણથી પાપયુક્ત કર્મો કરવા શા માટે પ્રેરિત થાય છે?” (શ્લોક ૩.૩૬)

૪. “તમે વિવસ્વાનથી ઘણા સમય પશ્ચાત્ જન્મ લીધો. હું કેવી રીતે સમજુ કે પ્રારંભમાં તમે આ વિજ્ઞાનનો ઉપદેશ તેમને આપ્યો?” (શ્લોક ૪.૪)

૫. “તમે કર્મ-પરિત્યાગના માર્ગની પ્રશંસા કરી અને પુન: નિષ્ઠાથી ભક્તિપૂર્ણ કર્મની પ્રશંસા કરી. કૃપા કરીને મને નિશ્ચિતપણે કહો કે આ બંનેમાંથી અધિક લાભકર્તા શું છે?” (શ્લોક ૫.૧)

૬. હે કૃષ્ણ! મન અતિ ચંચળ, અશાંત, મજબૂત અને દુરાગ્રહી છે. મને પ્રતીત થાય છે કે વાયુની અપેક્ષાએ મનને નિયંત્રિત કરવું અધિક કઠિન છે.” (શ્લોક ૬.૩૪)

૭. એ અસફળ યોગીનું ભાગ્ય શું છે કે જે શ્રદ્ધાપૂર્વક આ માર્ગ પર પ્રારંભ કરે છે પરંતુ જેનું મન અનિયંત્રિત વાસનાઓને કારણે ભગવાનમાંથી ચ્યુત થઈ જાય છે અને તે જીવનમાં ઉચ્ચતમ સિદ્ધિ પ્રાપ્ત કરી શકતો નથી? (શ્લોક ૬.૩૭)

૮. “બ્રહ્મન એટલે શું અને કર્મ એટલે શું? અભિભૂત એટલે શું અને આધિદૈવ એટલે શું? અધિયજ્ઞ કોણ છે અને તેઓ કેવી રીતે આ શરીરમાં રહે છે? હે મધુ રાક્ષસના સંહારક! સ્થિર મનવાળા યોગીઓ મૃત્યુ સમયે કેવી રીતે તમારી સાથે સાયુજ્ય પ્રાપ્ત કરે છે?” (શ્લોક ૮.૧-૨)

૯. “કૃપા કરીને મને તમારા એ દિવ્ય ઐશ્વર્ય વિષે જણાવો, જેના દ્વારા તમે સમગ્ર વિશ્વોમાં વ્યાપ્ત રહો છે? (શ્લોક ૧૦.૧૬)

૧૦. “હું તમારું વિશ્વરૂપ જોવા આતુર છું, હે પરમ દિવ્ય પુરુષોત્તમ!” (શ્લોક ૧૧.૩)

૧૧. “તમે, જેઓ આ સૃષ્ટિ પૂર્વે અસ્તિત્વમાન હતા, હું જાણવા ઈચ્છું છું કે તમે કોણ છો; કારણ કે તમારી પ્રકૃતિ અને કર્મો મને રહસ્યમય લાગે છે.” (શ્લોક ૧૧.૩૧)

૧૨. “જેઓ દૃઢતાપૂર્વક તમારા સાકાર રૂપની ભક્તિ કરે છે અને જેઓ તમારા નિરાકાર બ્રહ્મન સ્વરૂપની ભક્તિ કરે છે, આપ આ બંનેમાં કોને યોગમાં અધિક નિપુણ માનો છો?” (શ્લોક ૧૨.૧)

૧૩. “હું પ્રકૃતિ અને પુરુષ (ભોક્તા) વિષે જાણવા ઈચ્છું છું. પ્રવૃત્તિઓનું ક્ષેત્ર શું છે અને આ ક્ષેત્રના જાણકાર કોણ છે? જ્ઞાનની પ્રકૃતિ શું છે અને જ્ઞાનનો ઉદ્દેશ્ય શું છે?” (શ્લોક ૧૩.૧)

૧૪. “હે પરમાત્મા! જેઓ ત્રિગુણાતીત છે તેઓના લક્ષણ શું છે? તેઓનું આચરણ કેવું હોય છે? તેઓ કેવી રીતે ગુણોના બંધનથી પાર થાય છે?” (શ્લોક ૧૪.૨૧)

૧૫. “એમની સ્થિતિ શું છે જેઓ શાસ્ત્રોના આદેશની ઉપેક્ષા કરે છે પરંતુ શ્રદ્ધાપૂર્વક ભક્તિ કરે છે?” (શ્લોક ૧૭.૧)

૧૬. “હું સંન્યાસની પ્રકૃતિ વિષે જાણવા ઈચ્છું છું અને તે કેવી રીતે ત્યાગ અથવા તો કર્મફળના ત્યાગથી ભિન્ન છે?” (શ્લોક ૧૮.૧)