Bhagavad Gita: Chapter 2, Verse 13

દેહિનોઽસ્મિન્યથા દેહે કૌમારં યૌવનં જરા ।
તથા દેહાન્તરપ્રાપ્તિર્ધીરસ્તત્ર ન મુહ્યતિ ॥ ૧૩॥

દેહિન:—શરીર ધારણ કરનારની; અસ્મિન્—આમાં; યથા—જેમ; દેહે—શરીરમાં; કૌમારમ્—કુમારાવસ્થા; યૌવનમ્—યુવાવસ્થા; જરા—વૃદ્ધાવસ્થા; તથા—તેવી રીતે; દેહ-અંતર—શરીરના સ્થળાંતરની; પ્રાપ્તિ:—ઉપલબ્ધિ; ધીર:—ધીર પુરુષ; તત્ર—તે વિષયમાં; ન મુહ્યતિ—કદાપિ મોહમાં પડતો નથી.

Translation

BG 2.13: જેવી રીતે દેહધારી આત્મા શરીરમાં કુમારાવસ્થામાંથી યુવાવસ્થામાં અને પછી વૃદ્ધાવસ્થામાં એમ નિરંતર પસાર થતો રહે છે, તેવી જ રીતે મૃત્યુ પછી આત્મા બીજું શરીર ધારણ કરે છે. ધીર પુરુષ આવાં પરિવર્તનથી મોહિત થતો નથી.

Commentary

શ્રી કૃષ્ણ, વિશુદ્ધ તર્ક સાથે આત્માના એક જન્મથી બીજા જન્મમાં દેહાન્તરણના સિદ્ધાંતને સિદ્ધ કરે છે. તેઓ સમજાવે છે કે, એક જ જીવનકાળમાં આપણા શરીરમાં બાલ્યાવસ્થાથી, યુવાવસ્થાથી, પ્રૌઢાવસ્થા અને પછી વૃદ્ધાવસ્થા- એમ નિરંતર પરિવર્તન થતા રહે છે. વાસ્તવમાં, આધુનિક વિજ્ઞાન જણાવે છે કે, શરીરમાં રહેલા કોષો પુનર્જીવિત થતા રહે છે—જૂના કોષો નાશ પામે છે અને નવીન કોષો તેમનું સ્થાન લે છે. એક અનુમાન પ્રમાણે, સાત વર્ષોની અંતર્ગત, આપણા શરીરના તમામ કોષો પ્રાકૃતિક રીતે પરિવર્તિત થઇ જાય છે. એનાથી પણ આગળ, કોષોમાં રહેલા પરમાણુઓ તેનાથી પણ ઝડપથી પરિવર્તિત થાય છે. આપણા દ્વારા લેવાતા દરેક શ્વાસ સાથે, પ્રાણવાયુના પરમાણુઓ આપણા કોષોમાં ચયાપચયની ક્રિયા મારફત શોષાય છે, અને જે પરમાણુઓ આ પૂર્વે કોષોમાં અટકેલા હતા તે કાર્બન રૂપે બહાર નીકળી જાય છે. વૈજ્ઞાનિકોનો અંદાજ છે કે એક વર્ષ દરમ્યાન, આપણા  શરીરના લગભગ ૯૮% પરમાણુઓ પરિવર્તિત થાય છે. અને આમ છતાં, શરીરના આવા અવિરત પરિવર્તન છતાં, આપણે સ્વયંને એ જ વ્યક્તિ જ સમજીએ છે. આનું કારણ છે કે, આપણે આ ભૌતિક શરીર નથી, પરંતુ તેમાં સ્થિત દિવ્ય આત્મા છીએ.

આ શ્લોકમાં, દેહ શબ્દનો અર્થ ‘શરીર’ અને દેહીનો અર્થ ‘શરીરને ધારણ કરનાર’ અથવા ‘આત્મા’ છે. શ્રી કૃષ્ણ અર્જુનનું ધ્યાન દોરે છે કે, શરીરમાં અવિરત પરિવર્તન થતું હોવાથી, એક જ જીવનકાળમાં પણ, આત્મા અનેક શરીરમાંથી પસાર થાય છે. બરાબર એવી જ રીતે, મૃત્યુના સમયે, તે અન્ય શરીરમાં પ્રવેશ કરે છે. વાસ્તવમાં, આપણે લૌકિક ભાષામાં જેને ‘મૃત્યુ’ કહીએ છીએ, તે કેવળ આત્માનો તેના જૂના નિષ્ક્રિય શરીરનો ત્યાગ માત્ર છે તથા જેને આપણે ‘જન્મ’ કહીએ છીએ, તે આત્માનું કોઈ અન્ય સ્થાને નવીન શરીર ધારણ કરવું છે. આ પુનર્જીવનનો સિદ્ધાંત છે.

અધિકતર પ્રાચીન તત્ત્વજ્ઞાન પુનર્જન્મના આ વિષયનો સ્વીકાર કરે છે. તે હિંદુ, જૈન અને શિખ ધર્મોનું અભિન્ન અંગ છે. બૌદ્ધ ધર્મમાં, બુદ્ધે વારંવાર પોતાના પુર્નજન્મનો સંદર્ભ આપ્યો છે. ઘણા લોકો જાણતા નથી કે પુનર્જન્મ, પાશ્ચાત્ય તત્ત્વજ્ઞાનની પણ આસ્થા પદ્ધતિનો  કેટલો બૃહદ ભાગ છે. પ્રાચીનકાળના શાસ્ત્રીય પાશ્ચાત્ય ધાર્મિક તથા દાર્શનિક મંડળના, પાયથાગોરસ, પ્લેટો અને સોક્રેટીસ  જેવા પ્રસિદ્ધ તત્ત્વચિંતકોએ પુનર્જન્મની સત્યતાનો સ્વીકાર કર્યો હતો, અને તેમના મત ઓર્ફીઝમ (રહસ્યવાદ), હર્મેટીસીઝમ (એકાન્તવાદ), નીઓપ્લેટોનીઝમ (અધ્યાત્મવાદ), માનીચાયીનીઝમ (માનીચાયીનવાદ) તથા નોસ્ટીસિઝમ (ગૂઢ જ્ઞાનવાદ)માં પ્રતિબિંબિત  થાય છે. અબ્રાહમિક આસ્થાની મુખ્ય વિચારધારાની અંતર્ગત, પ્રમુખ ત્રણ ધર્મોના રહસ્યવાદે પણ પુનર્જીવનની ધારણાનું સમર્થન કર્યું. આ સંબંધિત ઉદાહરણોમાં યહુદીઓ જેમણે કાબાલ્લાહનો અભ્યાસ કર્યો, ક્રિશ્ચિયન કેથર્સ, અને મુસ્લિમ શિયા સંપ્રદાય જેવા કે અલવી અને ડ્રુઝનો સમાવેશ થાય છે. ઉદાહરણ તરીકે, પાશ્ચાત્ય ધર્મોમાં, મહાન યહુદી ઇતિહાસકાર, જોસેફસ, તેમના લખાણોમાં જે ભાષાનો ઉપયોગ કર્યો છે, તે  તેમના યુગમાં પારસીઓ અને એસેંસ નામક સંપ્રદાયોમાં પણ પુનર્જન્મને લગતી માન્યતા હોવાનો ઉલ્લેખ છે. યહુદીઓના કબાલામાં પુનર્જન્મના આ વિચારને ‘ગિલગુલ નેશમત’ અથવા ‘આત્માની પુનરાવૃત્તિ’ તરીકે ઠરાવે છે. મહાન સૂફી રહસ્યવાદી કવિ, મૌલાના જલાલુદ્દીને ઘોષિત કર્યું:

“હું પત્થર રૂપે મર્યો અને હું છોડ થયો;

હું છોડ થઈને મર્યો અને હું પ્રાણી બન્યો;

હું પ્રાણી થઈને મર્યો અને મનુષ્ય બન્યો;

તો પછી હું મરવાથી શા માટે ભયભીત થાઉં?

દરેક મૃત્યુ બાદ મારી પ્રગતિ જ થઇ છે.

હું મનુષ્ય થઈને મરીશ અને દેવદૂત બનીશ.”

પ્રાચીનકાળના ઘણા ખ્રિસ્તીઓ પુનર્જન્મની વિભાવનામાં માનતા હતા. ખ્રિસ્તીઓનો ઈતિહાસ જણાવે છે કે, ૫૫૩ ઈ.પૂ. નીકાકાની પરિષદ, પોપની ચૂંટણી માટેની ગુપ્તસભા, પુનર્જન્મના સિદ્ધાંતની ચર્ચા કરવા માટે યોજાઈ હતી, અને પશ્ચાત્ પ્રત્યક્ષરૂપે લોકોના જીવનમાં હસ્તક્ષેપ કરવા માટે ચર્ચના અધિકારો વધારવા, તેને ધર્મ વિરુદ્ધ ઘોષિત કરી દેવામાં આવી. ત્યાં સુધી પુનર્જન્મનો સિદ્ધાંત સર્વ-સ્વીકાર્ય હતો. ઈશુએ અપ્રત્યક્ષ રૂપે આ સિદ્ધાંતનો એકરાર કર્યો, જયારે તેમણે તેમના શિષ્યોને કહ્યું કે, જ્હોન પૂર્વજન્મમાં પયગંબરના રૂપમાં અવતરિત એલીજાહ હતા. (મેથ્યુ ૧૧:૧૩-૧૪, મત્યુ ૧૭:૧૦-૧૩). આનો ઉલ્લેખ જૂના કરારમાં પણ થયો છે. (મલાચી ૪:૫) ઑરિજેન, અતિ વિદ્વાન ખ્રિસ્તી પાદરીએ ઘોષણા કરી કે, “બધાં મનુષ્ય પોતાના પૂર્વજન્મની પાત્રતા અનુસાર સ્વયં માટે શરીર પ્રાપ્ત કરે છે.” “સોલોમન્સ બુક ઓફ વિઝડમ” કહે છે, “નિરોગી અંગો અને સ્વસ્થ શરીર સાથે જન્મ લેવો એ પૂર્વજન્મોના ગુણોનો પુરસ્કાર છે.” (વિઝડમ ઓફ સોલોમોન ૮:૧૯-૨૦)

સાઈબીરિયા, પશ્ચિમ આફ્રિકા, ઉત્તર અમેરિકા અને ઓસ્ટ્રેલિયા જેવા દુનિયાના દેશોના ઘણાં આદિવાસી સમાજોમાં પુનર્જન્મમાં આસ્થા જોવા મળે છે. અર્વાચીન સદીઓ અને જનસંસ્કૃતિ તરફ જઈએ તો રોસીકૃસિઅન્સ , સ્પિરિટીઝમ, થિયોસોફિસ્ટ અને નવયુગનાં અનુયાયીઓ દ્વારા પુનર્જન્મને પુષ્ટિ આપવામાં આવી છે. વર્તમાનમાં આ અંગે વર્જિનિયા વિશ્વ વિદ્યાલયના ડૉ. ઇઅન સ્ટીવન્સન અને ડૉ. જિમ ટકરે તેમના વૈજ્ઞાનિક કાર્ય દ્વારા આ સિદ્ધાંતને સ્વીકૃતિ આપી છે.

પુનર્જન્મની વિભાવનાને સ્વીકાર્યા વિના પીડા, અરાજકતા તથા અપૂર્ણતા વિષે સમજવું કઠિન છે, અને તેથી ઘણા પ્રખ્યાત પાશ્ચાત્ય ચિંતકોએ આ સિદ્ધાંતને સ્વીકાર્યો. વર્જિલ અને ઓવિડે આ સિધ્ધાંતને સ્વયંસિદ્ધ જણાવ્યો છે. જર્મન દાર્શનિકો ગોથ, ફિશ્તે, શેલિંગ અને લેસિંગે પણ તેને સ્વીકાર્યો છે. અન્ય અર્વાચીન દાર્શનિકોમાં, હ્યુમ, સ્પેન્સર, અને મેક્સ મૂલર, બધાએ તેને નિર્વિવાદ સિદ્ધાંત તરીકે માન્યતા પ્રદાન કરી. પાશ્ચાત્ય કવિઓમાંથી બ્રોવિંગ, રોઝેટી, ટેનીસન અને વૂડ્સવર્થ જેવાં કેટલાક નામોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેઓ પુનર્જન્મમાં આસ્થા ધરાવતા હતા.

શ્રી કૃષ્ણ અગાઉ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે, બુદ્ધિમાન પુરુષ શોક કરતા નથી. પરંતુ વાસ્તવિકતા તો એ જ રહે છે કે, આપણે સુખ અને દુ:ખનો અનુભવ કરીએ છીએ. આનું કારણ શું છે? હવે ભગવાન આ વિભાવના વિષે સમજાવે છે.