Bhagavad Gita: Chapter 2, Verse 7

કાર્પણ્યદોષોપહતસ્વભાવઃ
પૃચ્છામિ ત્વાં ધર્મસમ્મૂઢચેતાઃ ।
યચ્છ્રેયઃ સ્યાન્નિશ્ચિતં બ્રૂહિ તન્મે
શિષ્યસ્તેઽહં શાધિ માં ત્વાં પ્રપન્નમ્ ॥ ૭॥

કાર્પણ્ય દોષ—કાયરતાનો દોષ; ઉપહત—ગ્રસ્ત; સ્વભાવ—પ્રાકૃતિક ગુણ; પૃચ્છામિ—હું પૂછી રહ્યો છું; ત્વામ્—આપને; ધર્મ—કર્તવ્ય; સમ્મૂઢ—મોહગ્રસ્ત; ચેતા:—હૃદયમાં; યત્—જે; શ્રેય:—કલ્યાણકારી; સ્યાત્—હોય; નિશ્ચિતમ્—નિશ્ચિતપણે; બ્રૂહિ—કહો; તત્—તે; મે—મને; શિષ્ય:—શિષ્ય; તે—તમારો; અહમ્—હું; શાધિ—કૃપા કરી ઉપદેશ આપો; મામ્—મને; ત્વામ્—આપના; પ્રપન્નમ્—શરણાગતને.

Translation

BG 2.7: હું કિંકર્તવ્યવિમૂઢ થઈ ગયો છું તેમજ ચિંતા અને કાયરતાથી ગ્રસ્ત થઈ ગયો છું. હું આપનો શિષ્ય છું તેમજ આપને શરણાગત છું. કૃપા કરીને નિશ્ચિતપણે ઉપદેશ આપો કે મારા માટે શું શ્રેષ્ઠ છે.

Commentary

ભગવદ્ ગીતાની આ અત્યંત મહત્વપૂર્ણ ક્ષણ છે કે, જયારે સૌ પ્રથમ વાર અર્જુન, જે શ્રી કૃષ્ણનો મિત્ર અને પિતરાઈ ભાઈ છે, તેમને પોતાના ગુરુ બનવા પ્રાર્થના કરે છે. અર્જુન શ્રી કૃષ્ણને આજીજી કરે છે કે, તેના પર કાર્પણ્ય દોષ હાવી થઈ ગયો છે, એટલે કે તેના આચરણમાં કાયરતાનો દોષ છે અને તેથી તે ભગવાનને તેમના ગુરુ બનવા તેમજ કલ્યાણના પથ અંગે ઉપદેશ આપવા પ્રાર્થના કરે છે.

સર્વ વૈદિક શાસ્ત્રો એક જ સ્વરે ઘોષણા કરે છે કે, એક આધ્યાત્મિક ગુરુના માધ્યમથી આપણે પોતાના શાશ્વત કલ્યાણ માટે દિવ્ય જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ.

તદ્વિજ્ઞાનાર્થં સ ગુરુમેવાભિગચ્છેત્, સમિત્પાણિ: શ્રોત્રિયં બ્રહ્મનિષ્ઠમ્ (મુણ્ડકોપનિષદ્દ ૧.૨.૧૨)

“પૂર્ણ સત્ય જાણવા માટે એવા ગુરુના શરણે જાવ, જે શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ અર્થાત્ વેદોના જ્ઞાતા હોય તેમજ ભગવદ્દ પ્રાપ્ત હોય.”

તસ્માદ્ ગુરું પ્રપદ્યેત જિજ્ઞાસુઃ શ્રેય ઉત્તમમ્

શાબ્દે પરે ચ નિષ્ણાતં બ્રહ્મણ્યુપશમાશ્રયમ્ (ભાગવતમ્ ૧૧.૩.૨૧)

“સત્યના શોધકોએ પોતાની જાતને આધ્યાત્મિક ગુરુને શરણાગત કરી દેવી જોઈએ, જે ગુરુ શાસ્ત્રોના સારને યથા યોગ્ય સમજતા હોય તથા સાંસારિક વિષયોની ઉપેક્ષા કરીને ભગવાનની સંપૂર્ણ શરણાગતિ સ્વીકારી હોય.

રામચરિત માનસ કહે છે:

ગુરુ બિનુ ભવ નિધિ તરઇ ન કોઈ, જૌ બિરંચી સંકર સમ હોઈ.

“ઉત્કૃષ્ટ આધ્યાત્મિક અભિલાષીઓ પણ ગુરુકૃપા વિના સંસાર સાગર પાર કરી શકતા નથી.” સ્વયં શ્રી કૃષ્ણએ ભગવદ્ ગીતાના શ્લોક ૪.૩૪માં વર્ણન કર્યું છે: “આધ્યાત્મિક ગુરુના શરણે જઈને સત્યનું જ્ઞાન મેળવો. આદરપૂર્વક પૃચ્છા કરો અને શ્રદ્ધાપૂર્વક તેમની સેવા કરો. આવા તત્ત્વદર્શી સંત તમને જ્ઞાન આપશે કારણ કે તેમણે સત્યને જાણ્યું છે.”

જ્ઞાનની પ્રાપ્તિ માટે ગુરુનો સ્વીકાર કરવાની આવશ્યકતાનું નિદર્શન કરવા શ્રી કૃષ્ણએ સ્વયં આ પગલું ભર્યું હતું. તેમની યુવાવસ્થામાં, તેઓ સાંદિપની મુનિના આશ્રમમાં તેમની પાસે ચોસઠ વિદ્યાઓ શીખવા ગયા હતા. તેમના સહાધ્યાયી સુદામાએ આ વિષે આ પ્રકારની ટીપ્પણી કરી છે:

યસ્યચ્છન્દોમયં બ્રહ્મ દેહ આવપનં વિભો

શ્રેયસાં તસ્ય ગુરુષુ વાસોઽત્યન્ત વિડમ્બનમ્ (ભાગવતમ્ ૧૦.૮૦.૪૫)

“હે શ્રી કૃષ્ણ! વેદો આપના શરીર સમાન છે, જે જ્ઞાનનું આપ આધિપત્ય ધરાવો છો, તેમાંથી પ્રગટ થયા છે. (તેથી આપને ગુરુ બનાવવાની આવશ્યકતા શું છે?) છતાં પણ, આપ ગુરુ પાસે શિક્ષા મેળવવાનો અભિનય કરો છે; પરંતુ એ કેવળ આપની દિવ્ય લીલા છે.” વાસ્તવમાં શ્રી કૃષ્ણ જગતના પ્રથમ ગુરુ છે, કારણ કે, તેઓ આ ભૌતિક સંસારમાં પ્રથમ જન્મેલા બ્રહ્માના પણ ગુરુ છે. તેઓએ આ લીલા આપણા કલ્યાણ માટે રચી, સ્વયંના ઉદાહરણથી શીખવ્યું કે જીવાત્મારૂપી આપણને, જે માયાના  પ્રભાવ હેઠળ છીએ, અજ્ઞાન દૂર કરવા ગુરુની આવશ્યકતા ઉભી થશે. આ શ્લોકમાં અર્જુન એક શિષ્ય તરીકે શ્રી કૃષ્ણ સમક્ષ આત્મ સમર્પણ કરે છે અને તેમનો ગુરુ તરીકે સ્વીકાર કરીને કર્મના ઉચિત પથ અંગે જ્ઞાન પ્રદાન કરવા વિનંતી કરે છે.