Bhagavad Gita: Chapter 2, Verse 47

કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન ।
મા કર્મફલહેતુર્ભૂર્મા તે સઙ્ગોઽસ્ત્વકર્મણિ ॥ ૪૭॥

કર્મણિ—નિર્ધારિત કર્મ; એવ—કેવળ; અધિકાર:—અધિકાર; તે—તારો; મા—કદી નહીં; ફલેષુ—ફળોમાં; કદાચન—ક્યારેય; મા—કદી નહીં; કર્મફલ—કર્મનું ફળ; હેતુ:—કારણ; ભૂ:—થાઓ; મા—કદી નહીં; તે—તારી; સંગ:—આસક્તિ; અસ્તુ—હોવી જોઈએ; અકર્મણિ—કર્મ ન કરવામાં.

Translation

BG 2.47: તને તારું નિયત કર્મ કરવાનો અધિકાર છે પરંતુ તને તારા કર્મોનાં ફળો પર અધિકાર નથી. તું કદાપિ પોતાની જાતને પોતાનાં કર્મોનાં ફળોનું કારણ માનીશ નહિ અને અકર્મણ્ય થવા પ્રત્યે પણ કદી આસક્ત થઈશ નહિ.

Commentary

આ ભગવદ્ ગીતાનો અતિ પ્રસિદ્ધ શ્લોક છે એટલે સુધી કે ભારતમાં મોટાભાગનાં વિદ્યાલયોનાં બાળકો તેનાથી પરિચિત છે. તે કર્મની ઉચિત ભાવનાની ગહન આંતરદૃષ્ટિ પ્રદાન કરે છે અને જયારે પણ કર્મયોગના વિષય અંગે ચર્ચા કરવામાં આવે છે ત્યારે વારંવાર તેનો ઉલ્લેખ કરવામાં આવે છે. આ શ્લોક કર્મના વિજ્ઞાન અંગે ચાર ઉપદેશો આપે છે: ૧) તમારું કર્મ કરો, પરંતુ તેના ફળની ચિંતા ન કરો. ૨) તમારા કર્મનું ફળ તમારા સુખ માટે નથી. ૩) કર્મ કરવાના સમયે પણ કર્તૃત્વાભિમાનનો ત્યાગ કરો. ૪) અકર્મ પ્રત્યે અનુરક્ત ના થશો.

તમારું કર્તવ્ય કરો, પરંતુ તેના ફળની ચિંતા ન કરો. આપણને કર્મ કરવાનો અધિકાર છે, પરંતુ તેના પરિણામો કેવળ આપણા પ્રયત્નો ઉપર આધારિત નથી. પરિણામ નિશ્ચિત કરવામાં અનેક પરિબળો ભાગ ભજવે છે—આપણા પ્રયત્નો, પ્રારબ્ધ (પૂર્વજન્મના કર્મો), ભગવાનની ઈચ્છા, અન્ય લોકોના પ્રયત્નો, તેમાં સંમિલિત લોકોના સંચિત કર્મો, સ્થળ અને સ્થિતિ (ભાગ્ય) વગેરે. હવે જો આપણે ફળ પ્રત્યે ચિંતિત રહીએ છીએ તો જયારે-જયારે તે આપણી અપેક્ષા મુજબ નહિ મળે ત્યારે ચિંતાનો અનુભવ કરીશું. તેથી, શ્રીકૃષ્ણ અર્જુનને ફળની ચિંતાનો ત્યાગ કરવા અને તેના બદલે સંપૂર્ણપણે શુભ કર્મ કરવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા ઉપદેશ આપે છે. વાસ્તવમાં, જયારે આપણે ફળની ચિંતા નથી કરતા ત્યારે સમગ્ર ધ્યાન પ્રયત્નો પર કેન્દ્રિત કરવા માટે સમર્થ બનીએ છીએ અને પરિણામે અગાઉ કરતાં અધિક ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે.

આ માટે શબ્દોનું એક રમૂજી સંક્ષિપ્ત રૂપ છે, NATO અર્થાત્ Not attached to Outcome. અથવા ફળ પ્રત્યે આસક્ત ના થવું. આ ઉક્તિને રોજ-બ-રોજની સાધારણ પ્રવૃત્તિને આધારે સમજી શકાય. જેમ કે ગોલ્ફ રમવું. જયારે લોકો ગોલ્ફની રમત  રમે છે, ત્યારે તેમની રુચિ ફળમાં અધિક હોય છે ભલે પછી એમનો સ્કોર અધિક હોય કે અલ્પ હોય. હવે જો તેઓ તેમના મહત્તમ સામર્થ્યને આધારે કેવળ  ગોલ્ફબૉલ ને  મારવા ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરે તો તેમને પ્રતીત થશે કે બધી જ રમતોમાં ગોલ્ફની રમત અધિક સુખપ્રદ છે. તદુપરાંત, સંપૂર્ણ ધ્યાન ગોલ્ફબૉલને યોગ્ય દિશામાં વેગ આપવા પર કેન્દ્રિત કરવાથી તેમની રમત ઉચ્ચતર સ્તર પર પહોંચી જશે.

તમારા કર્મોનું ફળ તમારા સુખ માટે નથી. કર્મ કરવું એ માનવ પ્રકૃતિનો અંતર્ગત ભાગ છે. આ સંસારમાં આવ્યા પશ્ચાત્ આપણા વિવિધ કર્તવ્ય આપણી પારિવારિક પરિસ્થિતિ, સામજિક હોદ્દો, વ્યવસાય વગેરેને આધારે નક્કી થાય છે. આ બધા કર્તવ્યોનું પાલન કરતી વખતે આપણે એ  યાદ રાખવું જોઈએ કે આપણે ફળના ભોક્તા નથી—પરિણામ કેવળ ભગવાનના સુખાર્થે જ હોવું જોઈએ. જીવાત્મા ઈશ્વરનો અતિ સૂક્ષ્મ અંશ છે (શ્લોક-૧૫.૭) અને તેથી આપણી અંતર્ગત પ્રકૃતિ આપણા પ્રત્યેક કર્મ દ્વારા તેમની જ સેવા કરવાની છે.

                                       દાસ ભૂતમિદં તસ્ય જગત્સ્થાવર જન્ગમમ્

                                     શ્રીમન્નારાયણઃ સ્વામી જગતાંપ્રભુરીશ્વરઃ (પદ્મ પુરાણ)

ભગવાન સમગ્ર સૃષ્ટિના સ્વામી છે; પ્રત્યેક ચર અને અચર પ્રાણી તેમના સેવક છે.” અહીં વર્ણિત વિચારોની રચનાને આધારે માયિક ચેતના સ્પષ્ટ થાય છે. “હું જે કંઈ સંપત્તિ ધરાવું  છે, તેનો સ્વામી હું છું. તે બધું મારા સુખ અર્થે છે. મારા આધિપત્યમાં વૃદ્ધિ કરવી અને મારા સુખને મહત્તમ કક્ષાએ લઈ જવું એ મારો અધિકાર છે.” આનાથી વિપરીત આધ્યાત્મિક ચેતના છે, જે અન્ય પ્રકારના વિચારોને આધારે સ્પષ્ટ થાય છે. જેમ કે, “ ભગવાન સમગ્ર વિશ્વના સ્વામી અને ભોકતા છે. હું તો કેવળ તેમનો નિષ્કામ સેવક છું. મારી પાસે જે કંઈ પણ છે તેનો ઉપયોગ મારે ઈશ્વર સેવાર્થે કરવો જોઈએ.” તદનુસાર, શ્રી કૃષ્ણ અર્જુનને ઉપદેશ આપે છે કે, તે પોતાને સ્વયંના કર્મફળોનો ભોક્તા ન માને.

કર્મ કરતી વખતે પણ કર્તૃત્વાભિમાનનો ત્યાગ કરો. શ્રી કૃષ્ણ ઈચ્છે છે કે, અર્જુન કર્તૃત્વાભિમાનનો અર્થાત્ કર્તા તરીકેના અહંકારનો ત્યાગ કરે. તેઓ અર્જુનને ઉપદેશ આપે છે કે પોતાના કાર્યો સાથે સંકળાયેલા સ્વકલ્પિત ઉદ્દેશ્યોની પાછળ ક્યારેય ભાગવું જોઇએ નહીં કે ન તો તે સ્વયંને પોતાના કર્મોના પરિણામનું કારણ માને. જો કર્મ આપણે જ કરીએ છીએ તો શા માટે આપણે સ્વયંને  પોતાના તે કર્મોના કર્તા ન માનવું જોઈએ? તેનું કારણ એ છે કે આપણી ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ જડ છે; ભગવાન તેમને શક્તિ પ્રદાન કરે છે અને તેમને આપણા નિયમન પર છોડી દે છે. પરિણામે, કેવળ તેમના દ્વારા પ્રાપ્ત શક્તિની સહાયથી જ આપણે કર્મ કરવા સમર્થ બનીએ છે. ઉદાહરણ તરીકે, રસોઈઘરમાં રહેલો ચિપીયો પોતે તો નિષ્ક્રિય છે, પરંતુ કોઈ વ્યક્તિના હાથમાં આવતા તે ક્રિયાશીલ થઈ જાય છે અને પછી તે બળતો કોલસો ઉપાડવા જેવા કઠિનમાં કઠિન કાર્યો પણ કરી શકે છે. હવે જો આપણે એમ કહીએ કે ચિપીયો તેના કાર્યોનો કર્તા છે તો તે ભૂલભરેલું છે. જો હાથ તેને શક્તિ પ્રદાન ના કરત તો તે શું કરી શકે તેમ હતો? તે તો જડ થઈને ટેબલ પર પડયો રહેત. બરાબર એ જ રીતે, જો ભગવાન આપણા શરીર, મન અને આત્માની યાંત્રિક રચનાને કાર્ય કરવા શક્તિ પ્રદાન ના કરત, તો આપણે કંઈ પણ ના કરી શકત. આમ, આપણે કર્તાભાવનો અહંકાર ત્યાગી દેવો જોઈએ અને એ સ્મરણમાં રાખવું જોઈએ કે કેવળ ભગવાન જ શક્તિનો સ્ત્રોત છે જેના દ્વારા આપણે સર્વ કાર્ય કરી શકીએ છે.

ઉપરોક્ત સર્વ વિચારોનું સંક્ષિપ્તમાં ખૂબ સુંદર રીતે નિમ્ન લિખિત પ્રસિદ્ધ સંસ્કૃત શ્લોકમાં વર્ણન કરવામાં આવ્યું છે:

                                    યત્કૃતં યત્કરિષ્યામિ તત્સર્વં ન મયા કૃતમ્

                                   ત્વયા કૃતં તુ ફલભુક્ ત્વમેવ મધુસૂદન

“ જે કંઈ પણ મેં પ્રાપ્ત કર્યું છે અને જે કંઈ પણ હું પ્રાપ્ત કરવા ઈચ્છું છું, તે સર્વનો હું કર્તા નથી. હે મધુસૂદન! તમે જ તેના વાસ્તવિક કર્તા છો અને કેવળ તમે માત્ર જ તેના પરિણામના ભોક્તા છો.”

અકર્મણ્યતા પ્રત્યે આસક્ત ના થાવ. કર્મ કરવું એ સર્વ સજીવ પ્રાણીઓની પ્રકૃતિ છે તેમ છતાં, ઘણીવાર એવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે કે કાર્ય બોજરૂપ અથવા ગૂંચવાડાયુક્ત લાગે છે. આવી સ્થિતિમાં, તેનાથી ભાગવાને બદલે આપણે તેને યોગ્ય રીતે સમજવા જોઈએ અને શ્રી કૃષ્ણ દ્વારા અર્જુનને સમજાવાયેલા કર્મનાં ઉચિત વિજ્ઞાનને અમલમાં મૂકવું જોઈએ. જો કે, આપણે કાર્યને કષ્ટદાયક કે બોજરૂપ માનીને નિષ્ક્રિયતાનો આશ્રય લઈએ એ તો સર્વથા અનુચિત છે. નિષ્ક્રિયતા પ્રત્યે આસક્ત થવું એ ક્યારેય કોઈ સમસ્યાનું સમાધાન ન હોઈ શકે અને તેની શ્રીકૃષ્ણ દ્વારા સ્પષ્ટપણે નિંદા કરવામાં આવી છે.