Bhagavad Gita: Chapter 2, Verse 20

ન જાયતે મ્રિયતે વા કદાચિન્
નાયં ભૂત્વા ભવિતા વા ન ભૂયઃ ।
અજો નિત્યઃ શાશ્વતોઽયં પુરાણો
ન હન્યતે હન્યમાને શરીરે ॥ ૨૦॥

ન જાયતે—જન્મ લેતો નથી, મ્રિયતે—મરે છે; વા—અથવા; કદાચિત્—ક્યારેય; ન—નહીં; અયમ્—આ; ભૂત્વા—થઈને; ભવિતા—થશે; વા—અથવા; ન—નહીં; ભૂય:—આગળ થનારો; અજ:—અજન્મ; નિત્ય:—સનાતન; શાશ્વત:—અવિનાશી; અયમ્—આ; પુરાણ:—સૌથી પુરાતન; ન હન્યતે—હણાતો નથી; હન્યમાને—જયારે હણાય છે ત્યારે; શરીરે—શરીર.

Translation

BG 2.20: આત્મા ક્યારેય જન્મ લેતો નથી કે મૃત્યુ પામતો નથી; ન તો એ ક્યારેક અસ્તિત્વમાન હતો કે ન તો કદાપિ વિનાશ પામ્યો હતો. આત્મા અજન્મા, શાશ્વત, અવિનાશી, અજર છે. જયારે શરીર નષ્ટ થઈ જાય છે, ત્યારે તેનો નાશ થતો નથી.

Commentary

આ શ્લોકમાં આત્માની શાશ્વત પ્રકૃતિને સિદ્ધ કરવામાં આવી છે, જે સનાતન છે તેમજ જન્મ અને મૃત્યુથી પરે છે. તદ્દનુસાર, તે છ પ્રકારના પરિવર્તનો: અસ્તિ, જયતે, વર્ધતે, વિપરીનમતે, અપેક્ષીયતે, અને વિનશ્યતિથી રહિત છે. “ગર્ભમાં અસ્તિત્વમાન થવું, જન્મ, વિકાસ, પ્રજોત્પાદન, હ્રાસ અને મૃત્યુ.” આ બધા શરીરના પરિવર્તનો છે, આત્માના નહીં. આપણે જેને મૃત્યુ કહીએ છીએ, તે કેવળ શરીરનો નાશ છે, પરંતુ અવિનાશી આત્મા શરીરના આ બધાં પરિવર્તનોથી બિનપ્રભાવી રહે છે. વેદોમાં આ વિષય પર વારંવાર ભાર મૂકવામાં આવ્યો છે. કઠોપનિષદ્દનો આ મંત્ર, ભગવદ્ ગીતાના ઉપર્યુક્ત મંત્રને લગભગ સમાન છે.

                               ન જાયતે મ્રિયતે વા વિપશ્ચિ-

                              ન્નાયં કુતશ્ચિન્ન બભૂવ કશ્ચિત્

                             અજો નિત્યઃ શાશ્વતોઽયં પુરાણો

                             ન હન્યતે હન્યમાને શરીરે (૧.૨.૧૮)

“ આત્માનો ન તો જન્મ થાય છે, કે ન તો મૃત્યુ થાય છે; ન તો એ કોઈનામાંથી પ્રગટ થાય છે કે ન તો એમાંથી કંઈ પ્રગટ થાય છે. તે અજન્મા, શાશ્વત, અવિનાશી તથા અજર છે. જયારે શરીરનો નાશ થાય છે, ત્યારે તેનો નાશ થતો નથી.” બૃહદારણ્યક ઉપનિષદ્દ જણાવે છે:

                               સ વા એષ મહાન્ અજ આત્માજરોઽમરોઽમૃતોઽભયઃ (૪.૪.૨૫)

“આત્મા તેજસ્વી, અજન્મા, મૃત્યુરહિત, વૃદ્ધાવસ્થાથી મુક્ત, અવિનાશી તથા અભય છે.”