Bhagavad Gita: Chapter 2, Verse 39

એષા તેઽભિહિતા સાઙ્ખ્યે બુદ્ધિર્યોગે ત્વિમાં શ્રુણુ ।
બુદ્ધ્યા યુક્તો યયા પાર્થ કર્મબન્ધં પ્રહાસ્યસિ ॥ ૩૯॥

એષા:—અત્યાર સુધી; તે—તારે માટે; અભિહિતા—વર્ણવ્યું; સાંખ્યે—પૃથકકરણ અભ્યાસ દ્વારા; બુદ્ધિ: યોગે—બુદ્ધિયોગ દ્વારા; તુ—પરંતુ; ઈમામ્—આ; શ્રુણુ—સાંભળ; બુદ્ધ્યા—સમજ દ્વારા; યુક્ત:—યુક્ત; યયા—જેના વડે; પાર્થ—અર્જુન; પૃથાપુત્ર, કર્મ બન્ધનમ્—કર્મબંધન; પ્રહસ્યાસિ—તું મુક્ત થઇ શકીશ.

Translation

BG 2.39: અત્યાર સુધી, મેં સાંખ્ય યોગનું અર્થાત્ આત્માની પ્રકૃતિ અંગે પૃથકકરણાત્મક જ્ઞાનનું વર્ણન કર્યું છે. હે પાર્થ! હવે હું બુદ્ધિયોગ પ્રગટ કરું છે, તેને તું સાંભળ. જો તું આ જ્ઞાન સાથે કાર્ય કરીશ, તો તું કર્મોના બંધનમાંથી મુક્ત થઈ જઈશ.

Commentary

‘સાંખ્ય’ શબ્દ મૂળ ‘સાં’ અર્થાત્ ‘સંપૂર્ણ’ અને ‘ખ્ય’ અર્થાત્ ‘ જાણવું’ ઉપરથી આવ્યો છે. તેથી સાંખ્યનો અર્થ થાય છે, “અમુક વિષે સંપૂર્ણ વિશ્લેષણાત્મક જ્ઞાન”. સાંખ્ય દર્શન, કે જે ભારતવર્ષના તત્ત્વજ્ઞાનની છ દાર્શનિક મિમાંસાઓમાંથી એક છે, બ્રહ્માંડના તત્વોની વિશ્લેષણાત્મક ગણના કરે છે. તેમાં ૨૪ તત્વોની સૂચિ આપવામાં આવી છે: પંચમહાભૂત (પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ), પંચ તન્માત્રા (ઇન્દ્રિય વિષયોના પાંચ અમૂર્ત ગુણધર્મ—સ્વાદ, સ્પર્શ, ગંધ, ધ્વનિ, દૃશ્ય), પંચ કર્મેન્દ્રિય, પંચ જ્ઞાનેન્દ્રિય, મન, અહંકાર (મહાનના વિકાસથી સર્જિત તત્ત્વ), મહાન (પ્રકૃતિના વિકાસથી સર્જિત તત્ત્વ), તથા પ્રકૃતિ (માયાનું આદિ સ્વરૂપ). આ ઉપરાંત, પુરુષ અથવા આત્મા, જે પ્રકૃતિને ભોગવવા ઈચ્છે છે અને તેનાથી બંધાઈ જાય છે.

શ્રી કૃષ્ણે અર્જુનને સાંખ્યનાં અન્ય સ્વરૂપની સમજૂતી આપી છે જે શાશ્વત આત્માનું વિશ્લેષણાત્મક જ્ઞાન છે. હવે તેઓ કહે છે કે તેઓ ફળની ઈચ્છા રાખ્યા વિના કર્મ કરવાના વિજ્ઞાનને પ્રગટ કરવા જઈ રહ્યા છે. તેના માટે કર્મના ફળ પ્રત્યે અનાસક્તિ હોવી આવશ્યક છે. આ પ્રકારની વિરક્તિ, બુદ્ધિ દ્વારા વિવેકનો અભ્યાસ કરવાથી આવે છે. તેથી, શ્રી કૃષ્ણે તેને રસપ્રદ રીતે ‘બુદ્ધિ યોગ’ કહ્યો છે. આગામી શ્લોકો (૨.૪૧ અને ૨.૪૪)માં તેઓ મનને વિરક્તિની અવસ્થાએ લાવવામાં બુદ્ધિ કેવી મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તે અંગે વર્ણન કરે છે.