Bhagavad Gita: Chapter 2, Verse 14

માત્રાસ્પર્શાસ્તુ કૌન્તેય શીતોષ્ણસુખદુઃખદાઃ ।
આગમાપાયિનોઽનિત્યાસ્તાંસ્તિતિક્ષસ્વ ભારત ॥ ૧૪॥

માત્રા-સ્પર્શ:—ઇન્દ્રિયોનો ઇન્દ્રિય-વિષય સાથેનો સંપર્ક; તુ—કેવળ; કૌન્તેય—અર્જુન, કુંતીનો પુત્ર; શીત—શિયાળો; ઉષ્ણ—ઉનાળો; સુખ—સુખ; દુ:ખ—દુ:ખ; દા:—આપનારા; આગમ—આવવું; અપાયિન:—જનારા; અનિત્ય—ક્ષણિક; તાન્—તેમને; તિતિક્ષસ્વ—સહન કર; ભારત—હે ભરતવંશી.

Translation

BG 2.14: હે કુંતીપુત્ર! ઇન્દ્રિયો તથા ઇન્દ્રિયોના વિષયોનો સંપર્ક સુખ અને દુ:ખના ક્ષણભંગુર બોધને વેગ આપે છે.તેઓ અનિત્ય હોય છે અને શિયાળા તેમજ ઉનાળાની ઋતુઓની સમાન આવન-જાવન કરે છે. હે ભરતવંશી! મનુષ્યે તેમને અસ્વસ્થ થયા વિના, સહન કરતાં શીખવું જોઈએ.

Commentary

માનવ શરીરમાં પાંચ ઇન્દ્રિયો આવેલી છે— દૃશ્ય, ઘ્રાણ, સ્વાદ, સ્પર્શ અને શ્રવણ—અને આ સર્વે, તેમના વિષયોના બોધના સંપર્કથી, સુખ અને દુ:ખની અનુભૂતિને વેગ આપે છે. આમાંની કોઈપણ અનુભૂતિ કાયમી હોતી નથી. તેઓ બદલાતી ઋતુઓની જેમ આવ-જા કરે છે. જે શીતળ જળ ગ્રીષ્મ ઋતુમાં સુખ પ્રદાન કરે છે, તે જ જળ શિયાળામાં દુ:ખ આપે છે. આ પ્રમાણે, સુખ અને દુ:ખ બંનેની સમજનો ઇન્દ્રિયો દ્વારા થતો અનુભવ અલ્પકાલીન હોય છે. જો આપણે સ્વયંને તેમનાથી પ્રભાવિત થવા દઈશું તો આપણે લોલકની સમાન એક બાજુથી બીજી બાજુ ઝૂલ્યા કરીશું. વિવેકી મનુષ્યે વિચલિત થયા વિના સુખ અને દુ:ખ બંને પ્રકારની ઊર્મિઓને સહન કરવાનો અભ્યાસ કરવો જોઈએ.

વિપશ્યના પધ્ધતિ, જે આત્મ-સાક્ષાત્કાર માટેની બૌદ્ધ ધર્મની પ્રાથમિક તકનિક છે, તે આ ઇન્દ્રિયોના બોધને સહન કરવાના સિદ્ધાંત પર આધારિત છે. જેનો અભ્યાસ ઈચ્છાઓને દૂર કરવામાં સહાયરૂપ થાય છે, જેનો ઉલ્લેખ ચાર મહાન સત્ય  (દુ:ખનું સત્ય, દુ:ખના મૂળનું સત્ય, દુ:ખના અંતનું સત્ય તથા અંત તરફ લઈ જતા માર્ગનું સત્ય)માં બધાં જ દુ:ખના મૂળ તરીકે થયો છે. એમાં કોઈ આશ્ચર્ય નથી કે બૌદ્ધ ધર્મ વિશાળ વૈદિક દર્શનનો ઉપવર્ગ ગણાય છે.