Bhagavad Gita: Chapter 2, Verse 51

કર્મજં બુદ્ધિયુક્તા હિ ફલં ત્યક્ત્વા મનીષિણઃ ।
જન્મબન્ધવિનિર્મુક્તાઃ પદં ગચ્છન્ત્યનામયમ્ ॥ ૫૧॥

કર્મજમ્—સકામ કર્મોને કારણે; બુદ્ધિયુક્તા:—સમબુદ્ધિ યુક્ત; હિ—નક્કી; ફલમ્—ફળ; ત્યકત્વા—ત્યજીને; મનીષિણ:—જ્ઞાની; જન્મ-બન્ધ-વિનિર્મુક્ત:—જન્મ મરણના બંધનમાંથી મુક્ત થયેલા; પદમ્—પદ ઉપર; ગચ્છન્તિ—જાય છે; અનામયમ્—ક્લેશરહિત.

Translation

BG 2.51: સમબુદ્ધિ યુક્ત જ્ઞાની પુરુષો, કર્મફળ પ્રત્યેની આસક્તિનો ત્યાગ કરે છે, જે વ્યક્તિને જન્મ-મરણના ચક્રમાં બાંધી દે છે. આ પ્રકારની ચેતનામાં સ્થિત રહીને કર્મ કરવાથી, તેઓ સર્વ દુ:ખોથી પર એવી અવસ્થા પ્રાપ્ત કરી લે છે.

Commentary

શ્રી કૃષ્ણ નિરંતર કર્મફળ પ્રત્યે આસક્તિરહિત કર્તવ્યના વિષય પર વ્યાખ્યા કરે છે અને કહે છે કે તે મનુષ્યને દુ:ખોથી પરે એવી અવસ્થા તરફ દોરે છે. જીવનમાં વિરોધાભાસ એ છે કે, આપણે સુખ માટે મથીએ છીએ પરંતુ દુ:ખની લણણી કરીએ છે; આપણે પ્રેમ માટે તરસીએ છીએ પરંતુ હતાશા મળે છે; આપણે જીવન ઝંખીએ છીએ પરંતુ જાણીએ છીએ કે પ્રતિક્ષણ આપણે મૃત્યુ તરફ ગતિ કરી રહ્યા છીએ. ભાગવતમ્ કહે છે:

સુખાય કર્માણિ કરોતિ લોકો

ન તૈઃ સુખં વાન્યદુપારમં વા

વિન્દેત ભૂયસ્તત એવ દુઃખં

યદત્ર યુક્તં ભગવાન્ વદેન્નઃ (૩.૫.૨)

“પ્રત્યેક મનુષ્ય સુખ પ્રાપ્તિ માટે સકામ કર્મોમાં વ્યસ્ત છે, પરંતુ કોઈને સંતોષ પ્રાપ્ત થતો નથી. અપિતુ, આ પ્રકારની પ્રવૃત્તિઓથી કેવળ કષ્ટ વધી જાય છે.” પરિણામસ્વરૂપે, વ્યાવહારિક દૃષ્ટિએ આ સંસારમાં દરેક મનુષ્ય દુ:ખી છે. કેટલાક લોકો પોતાના તન અને મનના કષ્ટ ભોગવે છે, અન્ય લોકો તેમના પારિવારિક જનો તેમજ સગાં-સંબંધીઓથી પીડિત છે, જયારે કેટલાક સંપત્તિના અભાવ અને જીવન જરૂરી ચીજોની તંગીને કારણે કષ્ટ ભોગવે છે. ભૌતિક સુખોમાં લિપ્ત લોકો જાણે છે કે, તેઓ દુ:ખી છે; પરંતુ તેઓ માને છે કે જેઓ તેમનાથી આગળ છે, તેઓ ચોક્કસ સુખી હશે; અને તેઓ ભૌતિક વિકાસની દિશામાં અવિરત દોડવાનું ચાલુ રાખે છે. આ આંધળી દોડ અનેક જન્મોથી ચાલી રહી છે અને છતાં ક્યાંય સુખનું કિરણ પણ દૃષ્ટિમાન થતું નથી. હવે જો લોકોને એ જ્ઞાન થઇ જાય કે સકામ કર્મોમાં લિપ્ત રહીને કોઈએ ક્યારેય સુખ પ્રાપ્ત કર્યું નથી તો તેઓ સમજી શકશે કે જે દિશામાં તેઓ દોડી રહ્યા હતા, તે નિરર્થક છે અને તેઓ ત્યાંથી આધ્યાત્મિક જીવન તરફ વળી શકે.

જેમની બુદ્ધિ આધ્યાત્મિક જ્ઞાન દ્વારા સ્થિર થઇ ગઈ છે, તેઓ સમજે છે કે ભગવાન સર્વ પદાર્થોના પરમ ભોક્તા છે. તદનુસાર, તેઓ તેઓના કર્મોના ફળ પ્રત્યેની આસક્તિનો ત્યાગ કરીને, સર્વસ્વ ભગવાનને અર્પણ કરીને જે કંઈ સામે આવે તે બધું જ ભગવાનનો પ્રસાદ છે એ રીતે તેનો ધીરતાથી સ્વીકાર કરે છે. આમ કરવાથી, તેમનાં કર્મો, મનુષ્યને જન્મ અને મરણના ચક્રમાં બાંધી દેતા કાર્મિક પ્રતિભાવોમાંથી મુક્ત થઇ જાય છે.