Bhagavad Gita: Chapter 2, Verse 17

અવિનાશિ તુ તદ્વિદ્ધિ યેન સર્વમિદં તતમ્ ।
વિનાશમવ્યયસ્યાસ્ય ન કશ્ચિત્કર્તુમર્હતિ ॥ ૧૭॥

અવિનાશી—નાશરહિત; તુ—પરંતુ; તત્—તે; વિદ્ધિ—જાણ; યેન—જેના વડે; સર્વમ્—સમગ્ર; ઈદમ્—આ; તત્તમ્—વ્યાપ્ત; વિનાશમ્—નાશ; અવ્યયસ્ય—અવિનાશીનો; અસ્ય—આનો; ન કશ્ચિત્—કોઈ નહીં; કર્તુંમ્—કરવા માટે; અર્હતિ—સમર્થ છે.

Translation

BG 2.17: જે સમગ્ર શરીરમાં વ્યાપ્ત છે, તેને જ તું અવિનાશી જાણ. તે અવિનાશી આત્માનો નાશ કરવા કોઈ જ સમર્થ નથી.

Commentary

આત્મા શરીરમાં વ્યાપ્ત છે, એમ કહીને શ્રી કૃષ્ણ શરીર અને આત્મા વચ્ચેનો સંબંધ સ્થાપિત કરે છે. તેમનું આ અંગે તાત્પર્ય શું છે? આત્મા ચેતન છે, તે ચેતના ધારણ કરે છે. શરીર જડ પદાર્થનું બનેલું છે અને ચેતનાથી વંચિત છે. છતાં પણ,આત્મા શરીરમાં રહીને, ચેતના શક્તિના આધારે શરીરમાં સંચારિત પણ થાય છે. આમ, આત્મા તેની ચેતના સર્વત્ર પ્રસારિત કરીને શરીરમાં વ્યાપ્ત રહે છે.

કેટલાક લોકો આત્માના સ્થાન અંગે પ્રશ્ન કરે છે. વેદોમાં વર્ણન કરવામાં આવું છે કે, આત્મા હૃદયમાં વાસ કરે છે:

હૃદિ હ્યેષ આત્મા (પ્રશ્નોપનિષદ્ ૩.૬)

સ વા એષ આત્મા હૃદિ (છાન્દોગ્ય ઉપનિષદ્ ૮.૩.૩)

હૃદિ શબ્દ સૂચવે છે કે, આત્મા હૃદયના પ્રદેશમાં સ્થિત છે. છતાં, ચેતના, જે આત્માનું લક્ષણ છે, તે સમગ્ર શરીરમાં પ્રસારિત રહે છે- આ કેવી રીતે સંભવ છે? વેદ વ્યાસ આ વિભાવનાને નિમ્ન-લિખિત શબ્દોમાં સમજાવે છે:

અવિરોધશ્ચન્દનવત્ (બ્રહ્મ સૂત્ર ૨.૩.૨૩)

“જેમ કેવળ કપાળ પર ચંદન લગાવવાથી તે સમગ્ર શરીરને શીતળતા પ્રદાન કરે છે, તેમ સમાન રીતે આત્મા સ્થાનિક રીતે હૃદયમાં વાસ કરવા છતાં, સમગ્ર શરીરમાં તેની ચેતના પ્રસારિત કરે છે.

પુન: કોઈ એવો પ્રશ્ન પણ પૂછી શકે કે, જો ચેતના આત્માનું લક્ષણ છે, તો પછી તે આખા શરીરમાં કેવી રીતે પ્રસારિત થાય છે?

આ પ્રશ્નનો પણ ઉત્તર વેદ વ્યાસ દ્વારા અપાયો છે:

વ્યક્તિરેકો ગન્ધવત્ (બ્રહ્મ સૂત્ર ૨.૩.૨૬)

“સુગંધ એ પુષ્પનો ગુણધર્મ છે. પરંતુ જે ઉદ્યાનમાં પુષ્પો ખીલે છે, તે પણ સુવાસિત થઈ જાય  છે.” આનો અર્થ છે કે, પુષ્પ તેનો સુગંધનો ગુણ ઉદ્યાનને પહોંચાડવામાં સમર્થ છે. સમાન રીતે, આત્મા ચેતન છે અને તે તેની ચેતના શરીરમાં વ્યાપ્ત કરીને, શરીરના મૃત પદાર્થને સચેતન બનાવી દે છે.