Bhagavad Gita: Chapter 2, Verse 64

રાગદ્વેષવિયુક્તૈસ્તુ વિષયાનિન્દ્રિયૈશ્ચરન્ ।
આત્મવશ્યૈર્વિધેયાત્મા પ્રસાદમધિગચ્છતિ ॥ ૬૪॥

રાગ—આસક્તિ; દ્વેષ—ઘૃણા; વિયુક્તૈ:—મુક્ત; તુ—પરંતુ; વિષયાન્—ઇન્દ્રિયના વિષયભોગ; ઇન્દ્રિયૈ:—ઇન્દ્રિયો વડે; ચરન્—ભોગવી રહેલો; આત્મ-વશ્યૈ:—પોતાના મનનું નિયમન; વિધેય-આત્મા—પોતાના મનનું નિયમન કરનાર; પ્રસાદમ્—ભગવાનની કૃપા; અધિગચ્છતિ—પામે છે.

Translation

BG 2.64: પરંતુ જે મનનું નિયમન કરે છે અને ઇન્દ્રિયના વિષયભોગનું સેવન કરતી વખતે પણ રાગ અને દ્વેષથી મુક્ત રહે છે તે ભગવાનની કૃપા પ્રાપ્ત કરે છે.

Commentary

આ સમગ્ર અધ:પતનના વમળનો આરંભ ઇન્દ્રિયજન્ય વિષયભોગમાં સુખ છે, એવા ચિંતનથી થાય છે. હવે, આત્માને સુખની ઝંખના થવી એ એટલી કુદરતી છે કે જેમ શરીરને પાણીની તરસ લાગે છે. એવું વિચારવું અશક્ય છે, “હું ક્યાંય પણ સુખનું ચિંતન નહિ કરું.” કારણ કે, આવો વિચાર આત્મા માટે અપ્રાકૃતિક છે. આનો સરળ ઉપાય એ છે કે સુખની શોધ ઉચિત દિશામાં કરવી, જે ભગવાનમાં છે. જો આપણે પુન: પુન: આપણા વિચારમાં સુધારણા કરતાં રહીએ કે ભગવાનમાં સુખ છે, તો આપણને તેમના તરફ આસક્તિ થવા લાગશે. માયિક આસક્તિની જેમ આ દિવ્ય આસક્તિથી મનનું પતન થતું નથી; પરંતુ, તેને શુદ્ધ કરી દે છે. ભગવાન પૂર્ણ-શુદ્ધ છે અને જયારે આપણે આપણા મનને તેમનામાં આસક્ત કરીએ છીએ ત્યારે તે પણ શુદ્ધ થઈ જાય છે.

આમ, શ્રી કૃષ્ણ જયારે આપણને આસક્તિ અને કામનાઓનો ત્યાગ કરવાનું કહે છે ત્યારે તેમનું તાત્પર્ય કેવળ માયિક આસક્તિ અને કામના પૂરતું હોય છે. આધ્યાત્મિક આસક્તિ અને કામનાઓનો ત્યાગ કરવાનો નથી; વાસ્તવમાં એ તો પ્રશંસનીય છે. મનનાં શુદ્ધિકરણ માટે તો તેમનું પોષણ તેમજ સંવર્ધન આવશ્યક છે. નિર્વિશેષ નિર્ગુણ બ્રહ્મની ભક્તિનો પ્રચાર કરતા જ્ઞાનીઓ આ તથ્ય સમજતા નથી, જયારે તેઓ સમગ્ર પ્રકારની આસક્તિઓનો ત્યાગ કરવાની ભલામણ કરે છે.  જો કે શ્રી કૃષ્ણ કહે છે, “જેઓ શુદ્ધ ભક્તિથી પોતાના મનને મારામાં અનુરક્ત કરે છે, તેઓ માયિક પ્રકૃતિના ત્રણ ગુણોથી ઉપર ઉઠીને, પરમ બ્રહ્મની અવસ્થા પ્રાપ્ત કરે છે.” (ભગવદ્ ગીતા-૧૪.૨૬)

તેઓ અનેક શ્લોકો જેવા કે, ૮.૭, ૮.૧૪, ૯.૨૨, ૯.૩૪, ૧૦.૧૦, ૧૨.૮, ૧૧.૫૪, ૧૮.૫૫, ૧૮.૫૮, ૧૮.૬૫ વગેરેમાં પુન: પુન: અર્જુનને ભગવાનમાં મનને સ્થિર કરવાનો ઉપદેશ આપે છે.

આસક્તિ અને દ્વેષ એ બંને એક સિક્કાની બે બાજુઓ છે. દ્વેષ એ નકારાત્મક આસક્તિથી વિશેષ કંઈ નથી. જેવી રીતે, આસક્તિમાં આસક્તિજનક પદાર્થ વારંવાર મનમાં આવે છે, તેવી જ રીતે, દ્વેષમાં ઘૃણાસ્પદ વિષય વારંવાર મનમાં ડોકાયા કરે છે. તેથી માયિક વિષય પ્રત્યેની આસક્તિ તેમજ દ્વેષ બંનેનો એકસમાન પ્રતિકૂળ પ્રભાવ મન ઉપર પડે છે—તેઓ મનને દૂષિત કરે છે અને માયિક પ્રકૃતિનાં ત્રણ ગુણોમાં ખેંચી લાવે છે. જયારે મન, આસક્તિ અને દ્વેષ બંનેથી મુક્ત થઈ જાય છે અને ભગવદ્ ભક્તિમાં લીન થઈ જાય છે ત્યારે મનુષ્ય ભગવદ્કૃપા પ્રાપ્ત કરીને અસીમ દિવ્ય આનંદનો અનુભવ કરે છે. આ ઉત્કૃષ્ટ સ્વાદનો અનુભવ કરીને મન વિષયભોગનો ઉપયોગ કરવા છતાં પણ તેના પ્રત્યે આકર્ષિત થતું નથી. આ રીતે, આપણી સમાન જ સ્વાદ, સ્પર્શ, સુગંધ, શ્રવણ અને દૃશ્યનાં સંપર્કમાં પણ સ્થિત પ્રજ્ઞ પુરુષો આસક્તિ અને દ્વેષથી મુક્ત રહે છે.