એષા બ્રાહ્મી સ્થિતિઃ પાર્થ નૈનાં પ્રાપ્ય વિમુહ્યતિ ।
સ્થિત્વાસ્યામન્તકાલેઽપિ બ્રહ્મનિર્વાણમૃચ્છતિ ॥૭૨॥
એષા:—આ; બ્રાહ્મી-સ્થિતિ:—ભગવદ્-પ્રાપ્ત અવસ્થા; પાર્થ—પૃથાપુત્ર, અર્જુન; ન—કદી નહીં; એનામ્—આને; પ્રાપ્ય—પામીને; વિમુહ્યતિ—મોહિત થાય છે; સ્થિત્વા—સ્થિત થઈને; અસ્યામ્—આમાં; અંત-કાલે—જીવનના અંત સમયે; અપિ—પણ; બ્રહ્મનિર્વાણમ્—માયાથી મુક્તિ; ઋચ્છતિ—પ્રાપ્ત થાય છે.
Translation
BG 2.72: હે પાર્થ! ભગવદ્-પ્રાપ્ત વ્યક્તિની આવી અવસ્થા હોય છે કે તેને પ્રાપ્ત કર્યા પશ્ચાત્ મનુષ્ય પુન: ભ્રમિત થતો નથી. મૃત્યુ સમયે પણ આ જ ચેતનામાં સ્થિત હોવાના કારણે મનુષ્ય જન્મ અને મૃત્યુના ચક્રમાંથી મુક્ત થઈ જાય છે અને ભગવાનના પરમ ધામમાં પ્રવેશ પામે છે.
Commentary
બ્રહ્મ અર્થાત્ ભગવાન અને બ્રાહ્મી સ્થિતિ અર્થાત્ ભગવદ્-પ્રાપ્ત અવસ્થા. જયારે આત્મા અંત:કરણને (મન અને ઇન્દ્રિય સંયુક્ત રીતે અંત:કરણ તરીકે આલેખાય છે) શુદ્ધ કરી દે છે ત્યારે ભગવાન પોતાની દિવ્ય કૃપાની વર્ષા કરે છે, જેનો શ્લોક ૨.૬૪માં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમની કૃપા દ્વારા તેઓ આત્માને દિવ્ય જ્ઞાન, દિવ્ય આનંદ અને દિવ્ય પ્રેમનું અનુદાન કરે છે. ભગવાન આત્માને ભગવદ્-પ્રાપ્તિના સમયે આ સર્વ દિવ્ય શક્તિઓ પ્રદાન કરે છે.
એ જ સમયે તેઓ આત્માને માયાના બંધનમાંથી મુક્ત કરી દે છે. સંચિત કર્મો (અનંત જન્મોના કર્મોનો હિસાબ) નષ્ટ થઈ જાય છે. અનંત જન્મોની માયિક જગતની અવિદ્યા અર્થાત્ આંતરિક અજ્ઞાન દૂર થઈ જાય છે. માયિક પ્રકૃતિના ત્રણ ગુણોનો પ્રભાવ સમાપ્ત થઈ જાય છે. માયિક અભિસંધિત અવસ્થાના ત્રણેય દોષો સમાપ્ત થઈ જાય છે. પંચ કલેશ અર્થાત્ માયિક બુદ્ધિના પાંચ વિકારો નષ્ટ થઈ જાય છે. પંચ કોશ અર્થાત્ માયિક શક્તિનાં પાચ આવરણો બળી જાય છે અને તે જ ક્ષણેથી શેષ અનંતકાળ સુધી આત્મા માયાના બંધનમાંથી મુક્ત થઈ જાય છે.
ભગવદ્-પ્રાપ્તિની આ અવસ્થા પ્રાપ્ત થયા પશ્ચાત્ આત્મા શરીરમાં નિવાસ કરતો હોવા છતાં, જીવનમુક્ત કહેવાય છે. પશ્ચાત્, મૃત્યુ સમયે આ જીવનમુક્ત આત્મા અંતે તેનું ભૌતિક શરીર ત્યાગી દે છે અને ભગવાનના પરમ ધામમાં પંહોચી જાય છે. ઋગ્વેદ કહે છે:
તદ્વિષ્ણોઃ પરમં પદં સદા પશ્યન્તિ સૂરયઃ (૧.૨૨.૨૦)
“એકવાર આત્મા ભગવાનને પ્રાપ્ત કરી લે છે તો તે હંમેશ માટે તેમની સાથે એક થઇ જાય છે. તત્પશ્ચાત્, માયાની અજ્ઞાનતા પુન: ક્યારેય એના પર હાવી થઈ શકતી નથી.” માયામાંથી શાશ્વત મુક્તિની આ અવસ્થાને નિર્વાણ, મોક્ષ વગેરે પણ કહેવાય છે. જેના ફળસ્વરૂપે, મુક્તિ એ ભગવદ્-પ્રાપ્તિનું પ્રાકૃતિક પરિણામ છે.