અવ્યક્તોઽયમચિન્ત્યોઽયમવિકાર્યોઽયમુચ્યતે ।
તસ્માદેવં વિદિત્વૈનં નાનુશોચિતુમર્હસિ ॥ ૨૫॥
અવ્યક્ત:—અદૃશ્ય; અયમ્—આ આત્મા; અચિંત્ય:—અચિંત્ય; અયમ્—આ આત્મા; અવિકાર્ય:—અપરિવર્તનશીલ; અયમ્—આ આત્મા; ઉચ્યતે—કહેવાય છે; તસ્માત્—આ માટે; એવમ્—આ પ્રમાણે; વિદિત્વા—જાણીને; એનમ્—આ આત્માને; ન—નહીં; અનુશોચિતમ્—શોક કરવા; અર્હસિ—યોગ્ય છે.
Translation
BG 2.25: આ આત્માને અદૃશ્ય, અચિંત્યઅને અપરિવર્તનશીલ કહેવામાં આવ્યો છે. આ જાણ્યા પછી તારે શરીર માટે શોક કરવો ના જોઈએ.
Commentary
માયિક શક્તિથી બનેલી આપણી આંખો કેવળ માયિક પદાર્થો જ જોઈ શકે છે. આત્મા દિવ્ય હોવાથી અને માયિક શક્તિના ક્ષેત્રથી પરે હોવાથી, આપણી આંખો માટે અદૃશ્ય છે. વૈજ્ઞાનિકોએ આત્માની હાજરી જાણવા પ્રયોગો હાથ ધર્યા છે. તેમણે એક મરતા માણસને કાચની પેટીમાં મૂકી, આત્માની વિદાય પેટીમાં તિરાડ પાડે છે કે કેમ તે જાણવા, તે પેટી આજુબાજુથી બંધ કરી દીધી. આમ છતાં, આત્માએ તે પેટીને તોડયા વિના સૂક્ષ્મ શરીર ત્યજી દીધું. સૂક્ષ્મ હોવાના કારણે આત્માને ગતિવિધિ માટે ભૌતિક અવકાશની આવશ્યકતા ના પડી.
માયિક શક્તિથી સૂક્ષ્મ હોવાના કારણે આત્મા પણ આપણી બુદ્ધિ માટે અચિંત્ય છે. કઠોપનિષદ્દ કહે છે:
ઇન્દ્રિયેભ્યઃ પરા હ્યર્થા અર્થેભ્યશ્ચ પરં મનઃ
મનસસ્તુ પરા બુદ્ધિર્ભુદ્ધેરાત્મા મહાન્ પરઃ (૧.૩.૧૦)
“ઇન્દ્રિયોથી પરે ઇન્દ્રિયોના વિષયો છે; ઇન્દ્રિયોના વિષયોથી સૂક્ષ્મ મન છે. મનથી પરે બુદ્ધિ છે; અને બુદ્ધિથી પણ સૂક્ષ્મ આત્મા છે.” માયિક બુદ્ધિ કેવળ માયિક વિષયોને ગ્રહણ કરી શકે છે, પરંતુ ચિંતનશક્તિના આધારે દિવ્ય આત્મા સુધી પહોંચી શકતી નથી. પરિણામે, આત્મજ્ઞાન માટે બહિર્મુખ સ્ત્રોતોની આવશ્યકતા ઊભી થાય છે, જે છે શાસ્ત્રો અને ગુરુ.