Bhagavad Gita: Chapter 2, Verse 32

યદૃચ્છયા ચોપપન્નં સ્વર્ગદ્વારમપાવૃતમ્ ।
સુખિનઃ ક્ષત્રિયાઃ પાર્થ લભન્તે યુદ્ધમીદૃશમ્ ॥ ૩૨॥

યદૃચ્છવા—વણમાંગ્યુ; ચ—અને; ઉપપન્નમ્—પ્રાપ્ત થયેલ; સ્વર્ગ—સ્વર્ગલોકનું; દ્વારમ્—દ્વાર; અપાવૃતમ્—ઉઘડેલું; સુખિન:— બહુ સુખી; ક્ષત્રિય:—યોદ્ધા; પાર્થ—અર્જુન; પૃથાનો પુત્ર; લભન્તે —પ્રાપ્ત કરે છે; યુદ્ધમ્—યુદ્ધ; ઈદૃશમ્—આના જેવું.

Translation

BG 2.32: હે પાર્થ! એ યોદ્ધાઓ ધન્ય છે, જેમને ધર્મની રક્ષા માટેનાં આવા અવસરો અનાયાસે પ્રાપ્ત થાય છે, જે તેમના માટે સ્વર્ગલોકના પ્રવેશદ્વારો ઉઘાડી આપે છે.

Commentary

સંસારમાં સમાજની રક્ષા હેતુ યોદ્ધાગણ હોવો સદૈવ આવશ્યક બની રહે છે. ક્ષત્રિય ધર્મ અનુસાર, યોદ્ધાઓનો વર્ણાશ્રમ ધર્મ છે કે, તેઓ શૌર્યવાન હોય અને જરૂર પડ્યે સમાજની રક્ષા હેતુ, તેમનાં પ્રાણ ન્યોછાવર કરવા તત્પર હોય. વૈદિક સમયમાં, શેષ સમાજ માટે જયારે પ્રાણીઓની હત્યા વર્જ્ય હતી, ત્યારે પણ યોદ્ધાઓને વનમાં જઈને યુદ્ધ-કૌશલ્યોનો અભ્યાસ કરવા પ્રાણીઓની હત્યાની અનુમતિ આપવામાં આવતી હતી. આવા શૌર્યવાન યોદ્ધાઓ પાસે અપેક્ષા રાખવામાં આવતી કે તેઓ ધર્મની રક્ષા કરવાના અવસરોનું અતિ ઉત્સાહ સાથે સ્વાગત કરે. તેમનાં દ્વારા કરવામાં આવતું ધર્મનું પાલન, આ જીવન અથવા આવનારા જન્મમાં સદાચારી કર્મ તરીકે પુરસ્કૃત થશે.

પોતાના વર્ણાશ્રમ કર્તવ્યનું ઉચિત પાલન કરવું, તે કોઈ આધ્યાત્મિક કર્મ નથી તેમજ તે ભગવદ્-પ્રાપ્તિ સ્વરૂપે ફળીભૂત પણ થતું નથી. તે કેવળ સદાચારી કર્મ છે, જે સાંસારિક દૃષ્ટિએ સકારાત્મક પુરસ્કાર પ્રદાન કરે છે. શ્રી કૃષ્ણ તેમના ઉપદેશને નિમ્ન સ્તર પર લઈ આવે છે અને કહે છે કે, જો અર્જુનને આધ્યાત્મિક શિક્ષામાં રસ ન હોય અને કેવળ શારીરિક સ્તર પર જ રહેવા ઈચ્છતો હોય, તો પણ ક્ષત્રિય તરીકે ધર્મની રક્ષા કરવી એ તેનું સામાજિક દાયિત્ત્વ છે.

જેમ આપણને વિદિત છે કે ભગવદ્ ગીતા એ કર્મનું આહ્વાન છે, નહિ કે અકર્મનું. જયારે લોકો આધ્યાત્મિક પ્રવચન સાંભળે છે, ત્યારે તેઓ ઘણીવાર  પ્રશ્ન પૂછે છે કે, “શું તમે મને મારાં કર્મનો ત્યાગ કરવા કહી રહ્યા છો?” યદ્યપિ, એક પછી એક દરેક શ્લોકમાં શ્રી કૃષ્ણ, અર્જુનને વિપરીત ઉપદેશ આપી રહ્યા છે. જયારે જ્યારે અર્જુન તેના કર્તવ્યનો ત્યાગ કરવા ઈચ્છે છે, ત્યારે ત્યારે શ્રી કૃષ્ણ તેને પુન: પુન: તેનું પાલન કરવા સમજાવે છે. શ્રી કૃષ્ણ, અર્જુનની આંતરિક ચેતનામાં પરિવર્તન જોવા ઈચ્છે છે, નહિ કે તેના બહિર્મુખ કર્તવ્યોના ત્યાગમાં. તેઓ હવે અર્જુનને તેના કર્તવ્યના ત્યાગના પરિણામો અંગે સમજાવે છે.