Bhagavad Gita: Chapter 2, Verse 42-43

યામિમાં પુષ્પિતાં વાચં પ્રવદન્ત્યવિપશ્ચિતઃ ।
વેદવાદરતાઃ પાર્થ નાન્યદસ્તીતિ વાદિનઃ ॥ ૪૨॥
કામાત્માનઃ સ્વર્ગપરા જન્મકર્મફલપ્રદામ્ ।
ક્રિયાવિશેષબહુલાં ભોગૈશ્વર્યગતિં પ્રતિ ॥ ૪૩॥

યામ્ ઈમામ્—આ બધાં; પુષ્પિતામ્—અલંકારયુક્ત; વાચમ્—શબ્દો; પ્રવદન્તિ—બોલે છે; અવિપશ્ચિત:—સીમિત જ્ઞાન ધરાવતા મનુષ્યો; વેદ-વાદ-રતા:—વેદોના આલંકારિક શબ્દો પ્રત્યે અનુરક્ત; પાર્થ—અર્જુન, પૃથાપુત્ર; ન અન્યત્—બીજું કોઈ નહીં; અસ્તિ—છે; ઇતિ—એમ; વાદિન:—સમર્થન કરનારા; કામ-આત્માન્:—ઇન્દ્રિય સુખોની ઈચ્છાવાળા; સ્વર્ગ-પરા:—સ્વર્ગલોકની પ્રાપ્તિની લક્ષ્ય રાખનારા; જન્મ-કર્મ-ફળ—ઉત્તમ જન્મ અને ફળની ઈચ્છાથી યુક્ત કર્મ કરનારા; પ્રદામ્—પ્રદાન કરે છે; ક્રિયા-વિશેષ—આડંબરવાળા ઉત્સવો; બહુલામ્—વિવિધ; ભોગ—ઇન્દ્રિય તૃપ્તિ; ઐશ્વર્ય—ઐશ્વર્ય; ગતિમ્—પ્રગતિ; પ્રતિ—તરફ.

Translation

BG 2.42-43: અલ્પજ્ઞાની મનુષ્યો વેદોના આલંકારિક શબ્દો પ્રત્યે આકર્ષિત થાય છે, જેઓ સ્વર્ગલોક-પ્રાપ્તિ જેવી ઉન્નતિ માટે આડંબરી કર્મકાંડોનું સમર્થન કરે છે અને માને છે કે, વેદોમાં કોઈ ઉચ્ચ સિદ્ધાંતોનું વર્ણન નથી. તેઓ વેદોના કેવળ એ જ ભાગનું મહિમાગાન કરે છે, જે તેમની ઇન્દ્રિયોને સુખ આપે છ, અને ઉત્તમ જન્મ, ઐશ્વર્ય, ઇન્દ્રિયજન્ય સુખ, તેમજ સ્વર્ગલોકની પ્રાપ્તિ માટે ભપકાદાર કર્મકાંડી વિધિઓનાં અનુષ્ઠાનો કરે છે.

Commentary

વેદો ત્રણ વિભાગોમાં વિભાજિત છે. તે છે: કર્મકાંડ, જ્ઞાનકાંડ, અને ઉપાસનાકાંડ. કર્મકાંડ વિભાગ સાંસારિક લાભ તથા સ્વર્ગલોકની પ્રાપ્તિ અર્થે કર્મકાંડી વિધિઓનું સમર્થન કરે છે. જેઓ વિષયભોગને ઝંખે છે, તેઓ વેદોનાં આ વિભાગનું મહિમાગાન કરે છે.

દૈવીય લોકો ઉચ્ચતર સ્તરના ભોગવિલાસોથી પૂર્ણ અને ઇન્દ્રિયજન્ય સુખ માટે વિશેષ સુવિધાઓ પ્રદાન કરે છે.  પરંતુ, સ્વર્ગલોક-પ્રાપ્તિની ઉન્નતિ એ આધ્યાત્મિક ઉન્નતિના સમવર્તી હોવાનું સૂચન કરતી નથી. આ સ્વર્ગીય લોક પણ માયિક બ્રહ્માંડની અંદર આવેલા છે અને એક વખત ત્યાં ગયા પશ્ચાત્ જયારે વ્યક્તિના સંચિત સત્કર્મો ક્ષીણ થઇ જાય છે ત્યારે વ્યક્તિ પુન: પૃથ્વી પર પાછી ફરે છે. જે લોકો સીમિત જ્ઞાન ધરાવે છે, તેવા લોકો સ્વર્ગલોકની પ્રાપ્તિ માટે જ જહેમત ઉઠાવે છે અને માને છે કે સમગ્ર વેદોનો આ જ એકમાત્ર ઉદ્દેશ્ય છે. આ માર્ગે તેઓ ભગવદ્–પ્રાપ્તિ માટે કોઈપણ પ્રયાસ કર્યા વિના શરીર બદલી-બદલીને જન્મ અને મૃત્યુના ચકકરમાં ફર્યા કરે છે. જો કે, જે આધ્યાત્મિક જ્ઞાન ધરાવે છે તેઓ સ્વર્ગલોકને તેમનું લક્ષ્ય બનાવતા નથી. મુંડકોપનિષદ્દ કહે છે:

અવિદ્યાયામન્તરે વર્તમાનાઃ સ્વયંધીરાઃ પણ્ડિતં મન્યમાનાઃ

જઙ્ઘન્યમાનાઃ પરિયન્તિ મૂઢા અન્ધેનૈવ નીયમાના યથાન્ધાઃ (૧.૨.૮)

“જેઓ વેદોમાં સૂચવેલા આડંબરી કર્મકાંડોનાં અનુષ્ઠાન ઉચ્ચતર લોકોના સ્વર્ગીય સુખો માણવા કરે છે, તેઓ પોતાને શાસ્ત્રોના પંડિત માને છે, પણ વાસ્તવિક રીતે તેઓ મહામૂર્ખ છે. તેઓ અંધ વ્યક્તિનો હાથ પકડીને રસ્તો શોધતા અંધ વ્યક્તિ સમાન છે.”