Bhagavad Gita: Chapter 18, Verse 10

ન દ્વેષ્ટ્યકુશલં કર્મ કુશલે નાનુષજ્જતે ।
ત્યાગી સત્ત્વસમાવિષ્ટો મેધાવી છિન્નસંશયઃ ॥ ૧૦॥

ન—કદી નહીં; દ્વેષ્ટિ—દ્વેષ; અકુશલમ્—પ્રતિકૂળ; કર્મ—કાર્ય; કુશલે—અનુકૂળ; ન—નહીં; અનુષજ્જતે—આસક્ત થાય છે; ત્યાગી—કર્મ-ફળોને ભોગવવાની ઈચ્છાનો ત્યાગ કરનાર; સત્ત્વ—સત્ત્વગુણ; સમાવિષ્ટ:—સંપન્ન; મેધાવી—બુદ્ધિમાન; છિન્ન-સંશય:—જેમને કોઈ જ સંશય નથી.

Translation

BG 18.10: જે લોકો ન તો પ્રતિકૂળ કાર્યની ઉપેક્ષા કરે છે કે ન તો અનુકૂળ કાર્ય પ્રત્યે આસક્ત થાય છે, એવા મનુષ્યો વાસ્તવિક ત્યાગી છે. તેઓ સાત્ત્વિકતાના ગુણોથી સંપન્ન છે તથા (કાર્યની પ્રકૃતિ અંગે) સંશયરહિત છે.

Commentary

જે લોકો સાત્ત્વિક ત્યાગમાં સ્થિત છે, તેવા લોકો પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં દુઃખી થઈ જતા નથી; કે ન તો તેઓ તેમને અનુકૂળ લાગતી પરિસ્થિતિઓ પ્રત્યે લિપ્ત થાય છે. જયારે બધું અનુકૂળ હોય ત્યારે આનંદિત થયા વિના કે પછી જયારે જીવન કપરું થઈ જાય ત્યારે ખિન્ન થયા વિના સર્વ પરિસ્થિતિઓમાં તેઓ કેવળ પોતાનું કર્તવ્ય કરે છે. તેઓ શુષ્ક પર્ણ સમાન નથી કે જે વાયુની પ્રત્યેક લહેર સાથે અહીંથી ત્યાં ભટકયા કરે. તેનાથી વિપરીત, તેઓ સામુદ્રિક વનસ્પતિ જેવા છે કે જે ઉભરતી અને આથમતી પ્રત્યેક તરંગ સાથે હળવેથી સમાયોજન કરે છે. તેમનું સંતત્ત્વ જાળવી રાખીને તથા ક્રોધ, લોભ, ઈર્ષ્યા કે આસક્તિને વશ થયા વિના, તેઓ ઘટનાઓની ઉગતા અને આથમતા તરંગોનું નિરીક્ષણ કરે છે. બાળ ગંગાધર તિલક ભગવદ્દ ગીતાના પ્રખર વિદ્વાન તથા પ્રસિદ્ધ કર્મયોગી હતા. મહાત્મા ગાંધીના પ્રવેશ પૂર્વે ભારતની સ્વતંત્રતાની લડતમાં તેઓ અગ્રેસર હતા. તેમને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે જો ભારત સ્વતંત્ર થશે તો તેઓ કયું પદ પસંદ કરશે—પ્રધાનમંત્રી કે વિદેશ પ્રધાન?  તેમણે ઉત્તર આપ્યો કે “મારી અભિલાષા વિકલન ગણિત પર પુસ્તક લખવાની છે. હું તેને પરિપૂર્ણ કરીશ.” એકવાર, અશાંતિ ફેલાવવા માટે પોલીસોએ તેમની ધરપકડ કરી. તેમણે તેમના મિત્રને જે ધારાઓ હેઠળ તેની ધરપકડ કરવામાં આવી છે, તે અંગેની તપાસ કરવા કહ્યું અને તે અંગે પોતાને કારાવાસમાં માહિતી આપવાનું કહ્યું. જયારે તેમના મિત્ર એક કલાક પશ્ચાત્ પહોંચ્યા, ત્યારે તેઓ કારાવાસમાં ગાઢ નિદ્રામાં હતા. અન્ય સમયે, તેઓ તેમના કાર્યાલયમાં કાર્ય કરતા હતા. તેમનો કારકુન એવા સમાચાર લઈને આવ્યો હતો કે તેમનો જ્યેષ્ઠ પુત્ર ગંભીર રીતે બીમાર છે. ત્યારે ભાવનાત્મક રીતે વિક્ષિપ્ત થવાના બદલે તેમણે તેમના કારકુનને કોઈ દાક્તરને મળવાનું કહ્યું અને પોતાનું કાર્ય કરવાનું ચાલુ રાખ્યું. અડધા કલાક પશ્ચાત્ તેમના મિત્ર આવ્યા અને આ જ સમાચાર આપ્યા. તેમણે કહ્યું, “મેં તેની તપાસ કરવા માટે દાક્તરને બોલાવવાનું કહ્યું છે. તેનાથી વિશેષ હું શું કરું?” આ ઘટનાઓ અભિવ્યક્ત કરે છે કે તેઓ સંકટગ્રસ્ત પરિસ્થિતિઓની મધ્યે પણ કેવી રીતે પોતાનું સ્થૈર્ય જાળવી રાખતા હતા. તેઓ આંતરિક ભાવનાત્મક સ્વસ્થતાને કારણે પોતાના કાર્યોનું પાલન નિરંતર કરી શકવા માટે સમર્થ હતા; જો તેઓ ભાવાનાત્મક રીતે સંતપ્ત હોત તો તેઓ ન તો જેલમાં સૂઈ શક્યા હોત કે ન તો કાર્યાલયમાં તેમના કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરી શક્યા હોત.