બુદ્ધેર્ભેદં ધૃતેશ્ચૈવ ગુણતસ્ત્રિવિધં શૃણુ ।
પ્રોચ્યમાનમશેષેણ પૃથક્ત્વેન ધનઞ્જય ॥ ૨૯॥
બુદ્ધે:—બુદ્ધિનો; ભેદમ્—તફાવત; ધૃતે:—નિર્ધાર; ચ—અને; એવ-નિશ્ચિત; ગુણત: ત્રિ-વિધમ્—માયિક પ્રકૃતિના ત્રણ ગુણો અનુસાર; શ્રુણુ—સાંભળ; પ્રોચ્યમાનમ્—વર્ણિત; અશેષેણ—વિસ્તૃત રીતે; પૃથકત્વેન—ભિન્ન રીતે; ધનંજય—ધનનો વિજેતા, અર્જુન.
Translation
BG 18.29: હે અર્જુન, હવે તને માયિક પ્રકૃતિના ત્રણ ગુણો અનુસાર વિભિન્ન પ્રકારની બુદ્ધિ અને સંકલ્પના તફાવત વિષે હું વિસ્તૃત રીતે વર્ણન કરીશ.
Commentary
અગાઉના નવ શ્લોકોમાં શ્રીકૃષ્ણે કર્મના ઘટકોની સમજૂતી આપી અને દર્શાવ્યું કે ત્રણ ઘટકોમાંથી પ્રત્યેક, ત્રણ શ્રેણીઓમાં વર્ગીકૃત થાય છે. હવે તેઓ કર્મની ગુણવત્તા અને માત્રાને પ્રભાવિત કરતા બે પરિબળો અંગે સમજૂતી આપે છે. તેઓ કેવળ કર્મને પ્રેરિત કરતા નથી, પરંતુ તેને નિયંત્રિત અને નિર્દેશિત પણ કરે છે. આ પરિબળો છે—બુદ્ધિ અને સંકલ્પ. બુદ્ધિ એ વિવેકની શાખા છે, જે સાચા અને ખોટા વચ્ચે તફાવત કરે છે. ધૃતિ એ માર્ગમાં આવતા કષ્ટો અને વિઘ્નો છતાં પણ હાથમાં લીધેલાં કર્મની પૂર્તિ માટેનો આંતરિક નિર્ધાર છે. પ્રકૃતિના ગુણો અનુસાર બંનેના ત્રણ પ્રકારો છે. શ્રીકૃષ્ણ હવે આ બંને શાખાઓ અને તેના ત્રણ પ્રકારના વર્ગીકરણની ચર્ચા કરે છે.