બ્રહ્મભૂતઃ પ્રસન્નાત્મા ન શોચતિ ન કાઙ્ક્ષતિ ।
સમઃ સર્વેષુ ભૂતેષુ મદ્ભક્તિં લભતે પરામ્ ॥ ૫૪॥
બ્રહ્મ-ભૂત:—બ્રહ્મમાં સ્થિત; પ્રસન્ન-આત્મા—માનસિક રીતે શાંત; ન—નહીં; શોચતિ—શોક કરે છે; ન—નહીં; કાંક્ષતિ—કામના કરે છે; સમ:—સમાન ભાવવાળો; સર્વેષુ—સર્વ પ્રત્યે; ભૂતેષુ—જીવો; મત્-ભક્તમ્—મારી ભક્તિ; લભતે—પ્રાપ્ત કરે છે; પરામ્—પરમ.
Translation
BG 18.54: જે દિવ્ય બ્રહ્મમાં સ્થિત હોય છે તે માનસિક રીતે શાંત બને છે; તે શોક કરતો નથી કે કામના રાખતો નથી. સર્વ જીવો પ્રત્યે સમાન ભાવ ધરાવતો હોય એવો યોગી મારી પરમ ભક્તિ પ્રાપ્ત કરે છે.
Commentary
શ્રીકૃષ્ણ સિદ્ધ-અવસ્થાના વર્ણનનો ઉપસંહાર કરે છે, બ્રહ્મ-ભૂત: અર્થાત્ બ્રહ્મ-સાક્ષાત્કારની અવસ્થા. તેમાં સ્થિત વ્યક્તિ, પ્રસન્નાત્મા અર્થાત્ પ્રશાંત અને અસ્થિર અને દુઃખદાયક અનુભવોથી બિનપ્રભાવિત રહે છે. ન શોચતિ અર્થાત્ જે શોક કરતો નથી કે અપૂર્ણતાનો અનુભવ કરતો નથી. ન કાંક્ષતિ અર્થાત્, જે પોતાના સુખની પૂર્ણતા માટે માયિક પદાર્થની આકાંક્ષા રાખતો નથી. આવો યોગી સર્વ જીવોના મૂળ-આધાર તરીકે બ્રહ્મની અનુભૂતિ કરે છે અને તેથી સર્વ જીવોને સમભાવે જુએ છે. આવી અવસ્થામાં, વ્યક્તિ અનુભૂત જ્ઞાનના સ્તરે સ્થિત હોય છે. પરંતુ, શ્રીકૃષ્ણ આ શ્લોકનો ઉપસંહાર એક વળાંક સાથે કરે છે. તેઓ કહે છે કે જ્ઞાનની આવી અનુભૂત અવસ્થામાં, વ્યક્તિ ભગવાન માટેની પરાભક્તિ પ્રાપ્ત કરે છે.
પ્રાય: જ્ઞાનીઓને એવું કહેવાનો શોખ હોય છે કે ભક્તિ તો બ્રહ્મ સાક્ષાત્કાર તરફ જવા માટેનું મધ્યવર્તી સોપાન છે. તેઓ એવો દાવો કરે છે કે ભક્તિનો ઉદ્દેશ્ય કેવળ અંત:કરણની શુદ્ધિનો જ છે અને યાત્રાના અંતે તો કેવળ જ્ઞાન જ રહે છે. તેથી, તેઓ ભલામણ કરે છે કે જેઓ પ્રકાંડ બુદ્ધિમત્તા ધરાવે છે, તેઓ ભક્તિની ઉપેક્ષા કરીને કેવળ જ્ઞાનનું સંવર્ધન કરી શકે છે. પરંતુ ઉપરોક્ત શ્લોક આ દૃષ્ટિકોણનો અસ્વીકાર કરે છે. શ્રીકૃષ્ણ કહે છે કે જ્ઞાનની ઉચ્ચતમ અનુભૂતિ પ્રાપ્ત થયા પશ્ચાત્ વ્યક્તિમાં પરા ભક્તિનો વિકાસ થાય છે. વેદ વ્યાસજીએ પણ શ્રીમદ્દ ભાગવતમ્ માં સમાન ઘોષણા કરી છે:
આત્મારામાશ્ચ મુનયો નિર્ગ્રન્થા અપ્યુરુક્રમે
કુર્વન્ત્યહૈતુકીં ભક્તિમિત્થમ્ભૂતગુણો હરિઃ (૧.૭.૧૦)
“જેઓ આત્મારામ (નિજાનંદી), સ્વ-જ્ઞાનમાં સ્થિત અને માયિક બંધનોથી મુક્ત છે એવા સિદ્ધ આત્માઓ ભગવાનની ભક્તિ પ્રાપ્ત કરવાની કામના કરે છે. ભગવાનનાં શ્રેષ્ઠત્તમ ગુણો એવા છે કે તે મુક્તાત્માઓને પણ આકર્ષિત કરે છે.” એવા અનેક પ્રસિદ્ધ જ્ઞાનીઓના દૃષ્ટાંતો છે કે જેમણે આત્મ-જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું અને નિરાકાર-બ્રહ્મના સાક્ષાત્કારમાં સ્થિત હતા. પરંતુ, તેમને ભગવાનનાં ગુણાતીત દિવ્ય ગુણોની એક ઝલક મળતાં તેઓ ભક્તિ તરફ સ્વાભાવિક રીતે આકર્ષિત થઈ ગયા. ચારેય યુગોનાં આવા જ્ઞાનીઓનાં દૃષ્ટાંતો અહીં પ્રસ્તુત કર્યાં છે:
સત્યયુગના મહાનતમ જ્ઞાનીઓ બ્રહ્માના ચાર પુત્રો હતા—સનત કુમાર, સનાતન કુમાર, સનક કુમાર અને સનંદન કુમાર. તેઓ આત્મ-સાક્ષાત્કાર સાથે જ જન્મ્યા હતા, તેમનું મન સદૈવ નિરાકાર બ્રહ્મમાં લીન રહેતું હતું. એકવાર આ ચાર ભાઈઓએ ભગવાન વિષ્ણુના દિવ્યધામ વૈકુંઠની મુલાકાત લીધી. ત્યાં, ભગવાનનાં ચરણ-કમળો પર પડેલા તુલસી પત્રની સુગંધ તેમના નાકમાં પ્રવેશી, જે તેઓના હૃદયમાં પરમાનંદના રોમાંચનું કારણ બની. નિર્ગુણ બ્રહ્મ અંગેના તેમના ધ્યાનનો શીઘ્ર અંત આવ્યો અને તેઓ ભગવાન વિષ્ણુ પ્રત્યેના દિવ્ય પ્રેમથી પરિપ્લુત થઈ ગયા. તેમણે તેમને વરદાન આપવા પ્રાર્થના કરી:
કામં ભવઃ સ્વવૃજિનૈર્નિરયેષુ નઃ સ્તા-
ચ્ચેતોઽલિવદ્યદિ નુ તે પદયો રમેત (ભાગવતમ્ ૩.૧૫.૪૯)
“હે ભગવાન, જો અમારા મનને આપના ચરણ-કમળોમાંથી ઉત્પન્ન થતા દિવ્ય પ્રેમ-રસનું પાન કરવાનો અવસર પ્રાપ્ત થતો હોય તો આપ અમને નર્કમાં મોકલો તો પણ અમને કોઈ વાંધો નથી.” કલ્પના કરો કે નિરાકાર બ્રહ્મના સાક્ષાત્કાર પશ્ચાત્ પણ, આ સર્વોચ્ચ જ્ઞાનીઓ ભગવાનના સાકાર સ્વરૂપના રસનું પાન થઈ શકતું હોત તો નર્કમાં નિવાસ કરવા ઈચ્છતા હતા.
હવે આપણે ત્રેતા યુગ તરફ આગળ વધીએ. રાજા જનક આ યુગના સર્વોત્કૃષ્ટ જ્ઞાની હતા. તેઓ શ્રી રામની સનાતન પત્ની સીતાજીના પિતા હતા. તેઓ વિદેહ તરીકે પણ જાણીતા હતા. વિદેહ અર્થાત્ જે દેહબોધથી ઉપર ઉઠી ગયા હોય. તેમનું મન સદૈવ નિરાકાર બ્રહ્મમાં તલ્લીન રહેતું. એક દિવસ, વિશ્વામિત્ર ઋષિ ભગવાન રામ અને લક્ષ્મણ સાથે તેમને મળવા આવ્યા. પશ્ચાત્ શું થયું તે અંગેનું વર્ણન રામાયણમાં કરવામાં આવ્યું છે:
ઇન્હહિ બિલોકત અતિ અનુરાગા, બરબસ બ્રહ્મસુખહિ મન ત્યાગા
“ભગવાન શ્રી રામના દર્શનથી, રાજા જનક નિરાકાર બ્રહ્મના આનંદથી વિરક્ત થઈ ગયા અને ભગવાનના સાકાર સ્વરૂપ પ્રત્યે અતિ અનુરક્ત થઈ ગયા.” આ રીતે ત્રેતા યુગના સર્વશ્રેષ્ઠ જ્ઞાની, ભક્તિ-માર્ગી બન્યા.
વેદ વ્યાસજીના પુત્ર શુકદેવજી દ્વાપર યુગના સર્વોત્કૃષ્ટ જ્ઞાની હતા. પુરાણો વર્ણન કરે છે કે તેઓ એટલા પ્રબુદ્ધ અને દિવ્ય હતા કે તેઓ તેમની માતાના ગર્ભમાં ૧૨ વર્ષો સુધી એમ માનીને રહ્યા હતા કે જો તેઓ બહાર સંસારમાં આવશે તો માયિક શક્તિ માયા, તેમના પર પ્રભુત્વ જમાવશે. અંતત: નારદ મુનિ આવ્યા અને તેમની માતાના કર્ણો દ્વારા તેમની સાથે વાત કરી અને તેમને ખાતરી આપી કે કશું જ નહિ થાય અને તેમણે ગર્ભમાંથી પ્રગટ થવું જોઈએ. અંતત: તેઓ પ્રગટ થયા અને યોગિક શક્તિ દ્વારા પોતાના દેહને ૧૨ વર્ષ પ્રમાણે વિસ્તારિત કર્યું તથા જંગલમાં નિવાસ કરવા ગૃહત્યાગ કરી દીધો. ત્યાં, તેઓ શીઘ્રતાથી સમાધિની સર્વોચ્ચ અવસ્થામાં પહોંચી ગયા. વર્ષો વીતી ગયા. એક દિવસ વેદ વ્યાસજીના શિષ્યો જંગલમાં લાકડા કાપી રહ્યા હતા, ત્યારે તેમણે શુકદેવજીને સમાધિમાં જોયા. તેઓ પરત આવ્યા અને ગુરુને આ અંગે વાત કરી. તેમણે તેમને શુકદેવજીના કર્ણમાં શ્રીકૃષ્ણના સાકાર સ્વરૂપના સૌંદર્યનું વર્ણન કરતા આ એક શ્લોકનું પઠન કરવા કહ્યું:
બર્હાપીડં નટવરવપુઃ કર્ણયોઃ કર્ણિકારં
બિભ્રદ્ વાસઃ કનકકપિશં વૈજયન્તીં ચ માલામ્
રન્ધ્રાન્ વેણોરધરસુધયાપૂરયન્ ગોપવૃન્દૈર્
વૃન્દારણ્યં સ્વપદરમણં પ્રાવિશદ્ ગીતકીર્તિઃ (ભાગવતમ્ ૧૦.૨૧.૫)
“શ્રીકૃષ્ણના મસ્તક પર મોરપિચ્છનો મુકુટ શૃંગારિત છે તથા તેઓ મહાન નર્તક સ્વરૂપે પ્રદર્શિત છે. તેમનાં કર્ણો આસમાની રંગના કર્ણિકાના પુષ્પોથી શણગારેલા છે. તેમણે દૈદીપ્ય સુવર્ણ રંગનું પીતાંબર ધારણ કર્યું છે. તેમણે વૈજયંતી માળાનો હાર ધારણ કર્યો છે. તેઓ તેમની મુરલીના છિદ્રોની તેમના અધરના અમૃતથી પૂર્તિ કરી રહ્યા છે. ગોપ-મિત્રોથી ઘેરાયેલા જયારે તેઓ વૃંદાવનમાં પ્રવેશે છે ત્યારે તેમની પ્રશસ્તિઓનું ગાન થાય છે. તેમનાં ચરણ-ચિહ્નો ધરતીને સૌંદર્ય બક્ષે છે.” જયારે આ શ્લોક શુકદેવજીના કર્ણમાં પ્રવેશ્યો, ત્યારે તેઓ નિરાકાર બ્રહ્મમાં સમાધિસ્થ હતા. અચાનક, તેમના ધ્યાનનો વિષય શ્રીકૃષ્ણના મોહક સ્વરૂપમાં પરિવર્તિત થઈ ગયો. તેમને ભગવાનના સાકાર સ્વરૂપના આનંદના આકર્ષણની એટલી પ્રગાઢ અનુભૂતિ થઈ કે તેમણે તેમની સમાધિનો ત્યાગ કર્યો અને સીધા તેમના પિતા વેદ વ્યાસજી પાસે પાછા ફર્યા. તેમની પાસેથી તેમણે શ્રીમદ્દ ભાગવતમ્ નું શ્રવણ કર્યું, કે જે ભક્તિનાં માધુર્યથી પરિપૂર્ણ છે. પશ્ચાત્, ગંગા નદીના તટે, અર્જુનના પૌત્ર, પરીક્ષિત રાજા પાસે તેનું કથન કર્યું. આ પ્રમાણે, દ્વાપર યુગના મહાન જ્ઞાની, ભક્તિમાર્ગ પ્રત્યે આકર્ષિત થયા.
અંતત: આપણે કલિયુગ સુધી આવ્યા. જગદ્દગુરુ શંકરાચાર્યને આ યુગનાં મહાન જ્ઞાની તરીકે ઓળખવામાં આવે છે. તેઓ અદ્વૈત વાદના પ્રચારક તરીકે વ્યાપક રીતે પ્રશંસા પામ્યા છે. જેમાં તેમણે કહ્યું છે કે અસ્તિત્ત્વમાં કેવળ એક જ તત્ત્વ છે, જે નિર્ગુણ (ગુણરહિત), નિર્વિશેષ (વિશેષ લક્ષણો રહિત) અને નિરાકાર (આકારરહિત) બ્રહ્મ છે. પરંતુ, અનેક લોકો એ વાતથી અનભિજ્ઞ છે કે વીસ વર્ષની આયુથી શરુ કરીને બત્રીસ વર્ષે દેહત્યાગ કર્યો, ત્યાં સુધી તેમણે શ્રીકૃષ્ણ, શ્રી રામ, શિવ અને માતા દુર્ગાની પ્રશંસાનું ગાન કરતા અનેક શ્લોકોની રચના કરી. તેમણે ચાર ધામ (ભારતવર્ષની ચાર દિશાઓમાં સ્થિત આધ્યાત્મિક કેન્દ્રો) ની સ્થાપના પણ કરી અને ત્યાં વિદ્યમાન ભગવાનના સાકાર સ્વરૂપની મૂર્તિઓની આરાધના પણ કરી. પ્રબોધ સુધાકારમાં તેઓ વર્ણન કરે છે:
કામ્યોપાસનયાર્થયન્ત્યનુદિનં કિઞ્ચિત્ફલં સ્વેપ્સિતમ્
કેચિત્ સ્વર્ગમથાપવર્ગમપરે યોગાદિયજ્ઞાદિભિઃ
અસ્માકં યદુનન્દનાઙ્ઘ્રિયુગલધ્યાનાવધાનાર્થિનામ્
કિં લોકેન દમેન કિં નૃપતિના સ્વર્ગાપવર્ગૈશ્ચ કિમ્ (શ્લોક ૨૫૦)
“જે લોકો સ્વર્ગ પ્રાપ્તિ માટે પુણ્ય કર્મો કરે છે, તે કરી શકે છે. જે લોકો જ્ઞાન કે અષ્ટાંગ યોગના માર્ગ દ્વારા મુક્તિની કામના કરે છે, તે તેમના ધ્યેયને અનુસરી શકે છે. મને આ બે માર્ગોમાંથી એકની પણ કામના નથી. હું કેવળ મારી જાતને શ્રીકૃષ્ણનાં ચરણાર્વિંદના અમૃતમાં પરિપ્લુત કરવા ઈચ્છું છું. મને સાંસારિક કે સ્વર્ગીય સુખોની કામના નથી, કે મને મુક્તિની કામના પણ નથી. હું એ રસિક છું, જે દિવ્ય પ્રેમાનંદનું આસ્વાદન કરે છે.” વાસ્તવમાં, શંકરાચાર્ય શ્રીકૃષ્ણના પરમ ભક્ત હતા. તેમણે તેમના ભાષ્યમાં જેની શિક્ષા આપી એ તત્કાલીન સમયની આવશ્યકતા હતી. જયારે તેઓ પૃથ્વી પર અવતરિત થયા, ત્યારે સમગ્ર ભારતવર્ષમાં બૌદ્ધ ધર્મનું આધિપત્ય હતું. તેવા વાતાવરણમાં, બૌદ્ધધર્મીઓની શ્રદ્ધાને વેદોમાં પુન:સ્થાપિત કરવા, તેમણે ભાષ્યની રચના સમયે ભક્તિને ગુપ્ત રાખી. પરંતુ, પશ્ચાત્ અનેક સ્તુતિઓમાં તેમણે ભગવાનનાં સાકાર સ્વરૂપ અંગે પ્રશંસા કરી અને પોતાની આંતરિક ભક્તિ પ્રગટ કરી. આ પ્રમાણે, શંકરાચાર્ય કળિયુગનું દૃષ્ટાંત છે કે જેઓ જ્ઞાનની ઉચ્ચતમ અનુભૂતિ સુધી પહોંચ્યા હતા અને પશ્ચાત્ જેમણે ભક્તિ કરી.