અસક્તબુદ્ધિઃ સર્વત્ર જિતાત્મા વિગતસ્પૃહઃ ।
નૈષ્કર્મ્યસિદ્ધિં પરમાં સન્ન્યાસેનાધિગચ્છતિ ॥ ૪૯॥
અસક્ત બુદ્ધિ:—જેમની બુદ્ધિ આસક્તિ રહિત છે; સર્વત્ર—સર્વત્ર; જિત-આત્મા—જે તેના મનનો સ્વામી છે; વિગત-સ્પૃહ:—કામનાઓથી રહિત; નૈષ્કર્મ્ય-સિદ્ધમ્—કર્મરહિતતાની અવસ્થા; પરમામ્—પરમ; સંન્યાસેન—ત્યાગની સાધના દ્વારા; અધિગચ્છતિ—પ્રાપ્ત કરે છે.
Translation
BG 18.49: જેમની બુદ્ધિ સર્વત્ર આસક્તિ રહિત છે, જેમણે મન પર વિજય પ્રાપ્ત કર્યો છે તથા જે ત્યાગની સાધના દ્વારા કામનાઓથી મુક્ત છે, તે કર્મથી મુક્તિની પરમ સિદ્ધિ પ્રાપ્ત કરે છે.
Commentary
આ અંતિમ અધ્યાયમાં શ્રીકૃષ્ણ, અગાઉ પણ સમજાવેલા અનેક સિદ્ધાંતોનું પુનરાવર્તન કરે છે. આ અધ્યાયના આરંભમાં શ્રીકૃષ્ણે,અર્જુનને સમજાવ્યું કે જીવનનાં ઉત્તરદાયિત્વોથી ભાગવું એ સંન્યાસ નથી કે એ ત્યાગ નથી. હવે તેઓ કર્મરહિતતા અથવા તો નૈષ્કર્મ્ય-સિદ્ધિની અવસ્થાનું વર્ણન કરે છે. સંસારી પ્રવાહોની વચ્ચે પણ પરિસ્થિતિઓ અને પરિણામોથી વિરક્ત થઈને તથા કેવળ પોતાના કર્તવ્યોના પાલન પર ધ્યાન કેન્દ્રિત કરીને પણ આ અવસ્થા સુધી પહોંચી શકાય છે. આ પુલની નીચે વહેતા પાણી સમાન છે, જ્યાં એક બાજુથી પાણી પ્રવેશ કરે છે અને બીજી બાજુથી વહી જાય છે. પુલ ન તો પાણીનો સ્વીકારકર્તા છે કે ન તો વિતરક છે; તે તેના પ્રવાહથી બિનપ્રભાવી રહે છે. એ જ પ્રમાણે, કર્મયોગી તેમનાં કર્તવ્યનું પાલન કરે છે, પરંતુ ઘટનાઓના પ્રવાહથી તેમના મનને બિનપ્રભાવી રાખે છે. તેઓ ભગવાનની આરાધનાના કર્મરૂપે, તેમના કર્તવ્ય-પાલન માટે આવશ્યક શ્રેષ્ઠ પ્રયાસો કરવાની ઉપેક્ષા કરતા નથી, પરંતુ તેઓ અંતિમ નિર્ણય ભગવાનનાં હાથોમાં સોંપી દે છે અને તે રીતે જે કંઈ પણ થાય તે પ્રત્યે સંતુષ્ટ અને અવિચલિત રહે છે.
આ વિષયનું વર્ણન કરતી એક સાદી વાર્તા છે. એક માણસને બે પુત્રીઓ હતી; પ્રથમ પુત્રીના ખેડૂત સાથે લગ્ન થયાં હતાં અને બીજી પુત્રીનાં ઈંટ-ભઠ્ઠાના માલિક સાથે લગ્ન થયાં હતાં. એક દિવસ, પિતાએ પ્રથમ પુત્રીને ફોન કર્યો અને તે કેમ છે તે અંગે પૃચ્છા કરી. તેણીએ ઉત્તર આપ્યો: “પિતાજી, અમે આર્થિક મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યાં છીએ. મહેરબાની કરીને ભગવાનને અમારા માટે પ્રાર્થના કરો કે આવતા મહિનાઓમાં મુશળધાર વર્ષા થાય.” પશ્ચાત્ તેણે તેની બીજી પુત્રીને ફોન કર્યો અને તેણીએ વિનંતી કરી કે “પિતાજી, અમારું નાણાંકીય ભંડોળ ખૂબ ઓછું છે. મહેરબાની કરીને ભગવાનને આ વર્ષે વરસાદ ન મોકલવા માટે પ્રાર્થના કરો કે જેથી અમને ખૂબ સૂર્યપ્રકાશ મળી રહે અને ઇંટોનું પુષ્કળ ઉત્પાદન કરી શકીએ.” પિતાએ બંને પુત્રીઓની વિરોધી વિનંતીઓ સાંભળી અને વિચાર્યું, “એકમાત્ર ભગવાન જ જાણે છે કે ઉત્તમ શું છે. તેને જે શ્રેષ્ઠ લાગે તે તેને કરવા દો.” ભગવાનની ઈચ્છાનો આવો સ્વીકાર, સંસારમાં ઘટનાઓના અવિરત પ્રવાહમાં ડૂબેલા હોવા છતાં પણ પરિણામો પ્રત્યે વિરક્તિનું આહ્વાન કરે છે.