Bhagavad Gita: Chapter 18, Verse 66

સર્વધર્માન્પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ ।
અહં ત્વા સર્વપાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ ॥ ૬૬॥

સર્વ-ધર્માન્—સર્વ પ્રકારનાં ધર્મો; પરિત્યજ્ય—ત્યજીને; મામ્—મારાં; એકમ્—એકમાત્ર; શરણમ્—શરણે; વ્રજ—લે; અહમ્—હું; ત્વામ્—તને; સર્વ—બધાં; પાપેભ્ય:—પાપયુક્ત પ્રતિઘાતો; મોક્ષયિષ્યામિ—મુક્ત કરીશ; મા—નહીં; શુચ:—ભય.

Translation

BG 18.66: સર્વ પ્રકારનાં ધર્મોનો ત્યાગ કર અને કેવળ મારા શરણમાં આવી જા. હું તને સર્વ પાપયુક્ત કર્મફળોમાંથી મુક્ત કરીશ; ભયભીત થઈશ નહીં.

Commentary

શ્રીકૃષ્ણ અર્જુનને એકસાથે બે કાર્યો—તેના મનને ભક્તિમાં લીન કરવાનું તથા તેના શરીરને યોદ્ધા તરીકેના તેના સાંસારિક ઉત્તરદાયિત્ત્વ—માં વ્યસ્ત કરવાનું કહે છે. આ પ્રમાણે, તેઓ અર્જુન તેના ક્ષત્રિય ધર્મનો ત્યાગ ન કરે પણ તેની સાથે-સાથે ભક્તિ પણ કરે તેમ ઈચ્છે છે. આ કર્મયોગનો સિદ્ધાંત છે. હવે શ્રીકૃષ્ણ એમ કહીને આ ઉપદેશને ઊલટાવી રહ્યા છે કે અહીં સાંસારિક ધર્મની પરિપૂર્તિ કરવી પણ આવશ્યક નથી. અર્જુન સર્વ સાંસારિક ઉત્તરદાયિત્ત્વનો ત્યાગ કરીને કેવળ ભગવાનને શરણાગત થઈ શકે છે. આ કર્મ સંન્યાસનો સિદ્ધાંત છે. અહીં, કોઈ એવો પ્રશ્ન કરી શકે છે કે જો અમે અમારાં સર્વ સાંસારિક ધર્મોનો ત્યાગ કરી દઈશું તો અમારે પાપ ભોગવવા નહીં પડે?  શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે કે "ભયભીત ન થા; તેઓ તેને સર્વ પાપોમાંથી વિમુક્ત કરશે તથા તેને માયિક અસ્તિત્ત્વમાંથી મુક્ત કરશે."

શ્રીકૃષ્ણના આ ઉપદેશને ગ્રહણ કરવા માટે આપણે ધર્મ શબ્દને સમજવો આવશ્યક છે. તે મૂળ શબ્દ ધૃ પરથી આવ્યો છે. જેનો અર્થ છે, જે ધારણ કરવા યોગ્ય છે અથવા તો “ઉત્તરદાયિત્ત્વો, ફરજો, વિચારો અને કર્મો કે જે આપણા માટે ઉચિત હોય.” વાસ્તવમાં, બે પ્રકારનાં ધર્મો છે—માયિક ધર્મ અને આધ્યાત્મિક ધર્મ. આ બે પ્રકારનાં ધર્મો “સ્વ” અંગેની બે ભિન્ન-ભિન્ન સમજણ પર આધારિત છે. જયારે આપણે આપણી જાતને શરીર તરીકે ઓળખીએ છીએ ત્યારે આપણો ધર્મ આપણા શારીરિક પદ, બંધનો, ફરજો અને માપદંડોને આધારે નિર્ણિત થાય છે. તેથી, શરીરના માતાપિતાની સેવા કરવી, સમાજ, રાષ્ટ્ર પ્રત્યેનાં ઉત્તરદાયિત્ત્વોની પરિપૂર્તિ કરવી વગેરે સર્વ શારીરિક ધર્મ છે. તેને અપર ધર્મ અથવા તો માયિક ધર્મ પણ કહે છે. તેમાં બ્રાહ્મણ, ક્ષત્રિય જેવાં ધર્મોનો સમાવેશ થાય છે. પરંતુ, જયારે આપણે આપણી જાતને આત્મા સ્વરૂપે ઓળખીએ છે ત્યારે આપણો વર્ણ (સામાજિક વર્ગ) અને આશ્રમ (જીવન-અવસ્થા)નો માયિક દરજ્જો રહેતો નથી. આત્માના પિતા, માતા, મિત્ર, પ્રિયતમ અને આશ્રયસ્થાન સર્વ ભગવાન જ છે. આને પર ધર્મ અથવા તો આધ્યાત્મિક ધર્મ પણ કહે છે.

જયારે કોઈ વ્યક્તિ માયિક ધર્મનો ત્યાગ કરે છે ત્યારે ઉત્તરદાયિત્ત્વોની ઉપેક્ષાના કારણે તેને પાપ માનવામાં આવે છે. પરંતુ જો કોઈ માયિક ધર્મનો ત્યાગ કરે અને આધ્યાત્મિક ધર્મનું શરણ ગ્રહણ કરે તો તે પાપ નથી.

શ્રીમદ્દ ભાગવતમ્ વર્ણન કરે છે:

            દેવર્ષિભૂતાપ્તનૃણાં પિતૄણાં

            ન કિઙ્કરો નાયમૃણી ચ રાજન્

           સર્વાત્મના યઃ શરણં શરણ્યં

           ગતો મુકુન્દં પરિહૃત્ય કર્તમ્ (૧૧.૫.૪૧)

આ શ્લોક વર્ણન કરે છે કે જે લોકો ભગવાનને શરણાગત થતાં નથી, તેઓ માટે પાંચ પ્રકારના ઋણ હોય છે—સ્વર્ગીય દેવો પ્રતિ, સંતો પ્રતિ, પૂર્વજો પ્રતિ, અન્ય માનવો પ્રતિ અને અન્ય જીવો પ્રતિ. વર્ણાશ્રમ પ્રણાલીમાં આપણને આ પાંચ પ્રકારના ઋણમાંથી મુક્ત થવા માટે વિવિધ પ્રક્રિયાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. પરંતુ, જો આપણે ભગવાનની શરણાગતિ કરીએ છીએ તો આપણે સ્વત: આ સર્વ ઋણોમાંથી મુક્ત થઈ જાઈએ છીએ. જે રીતે વૃક્ષના મૂળમાં જળ પીવડાવવાથી તેની સર્વ શાખાઓ, ડાળીઓ, પર્ણો, પુષ્પો અને ફળોને પણ સ્વત: જળ મળી જાય છે. આ જ પ્રમાણે, ભગવાન પ્રત્યે આપણા ઉત્તરદાયિત્ત્વની પરિપૂર્તિ દ્વારા આપણે સ્વત: પ્રત્યેક પ્રત્યે રહેલા ઉત્તરદાયિત્ત્વની પરિપૂર્તિ કરીએ છીએ. તેથી, જો આપણે આધ્યાત્મિક ધર્મમાં પૂર્ણ રીતે સ્થિત થઈએ, તો માયિક ધર્મનો ત્યાગ કરવામાં કોઈ પાપ નથી. વાસ્તવમાં, પરમ લક્ષ્ય તો આધ્યાત્મિક ધર્મમાં હૃદયપૂર્વક સંપૂર્ણ રીતે તલ્લીન થવાનું છે.

શ્રીમદ્દ ભાગવતમ્ વર્ણન કરે છે:

            આજ્ઞાયૈવં ગુણાન્ દોષાન્ મયાઽઽદિષ્ટાનપિ સ્વકાન્

           ધર્માન્ સન્ત્યજ્ય યઃ સર્વાન્ માં ભજેત સ સત્તમઃ (૧૧.૧૧.૩૨)

“મેં વેદોમાં શારીરિક ધર્મનાં પાલન અંગે અસંખ્ય ઉપદેશો આપ્યા છે. પરંતુ જે લોકો તેમાં ત્રુટિઓની અનુભૂતિ કરે છે, તેઓ સર્વ નિયત ઉત્તરદાયિત્ત્વોનો ત્યાગ કરે છે અને કેવળ મારી ભક્તિમય સેવામાં તલ્લીન રહે છે. હું તેમને શ્રેષ્ઠ સાધક માનું છું.” રામાયણમાં આપણે વાંચીએ છીએ કે લક્ષ્મણે વનમાં શ્રી રામનાં સાનિધ્ય માટે કેવી રીતે સર્વ સાંસારિક ઉત્તરદાયિત્ત્વોનો ત્યાગ કર્યો હતો. તેમણે કહ્યું:

            ગુરુ પિતુ માતુ ન જાનહુ કાહૂ, કહહુ સુભાઊ નાથ પતિયાઊ

           મોરે સબઇ એક તુમ્હ સ્વામી, દિનબંધુ ઉર અન્તરયામી

“હે ભગવાન, કૃપા કરી મારું માનો. હું ગુરુ, પિતા, માતા વગેરે કોઈને જાણતો નથી. જ્યાં સુધી હું જાણું છું, દિનબંધુ અને અંતર્યામી એવા તમે એકમાત્ર મારા સ્વામી છો અને મારું સર્વસ્વ છો.”

એ જ પ્રમાણે, પ્રહલાદે કહ્યું:

           માતા નાસ્તિ પિતા નઽસ્તિ નઽસ્તિ મે સ્વજનો જનઃ

“હું કોઈ માતા, પિતા કે સંબંધીને જાણતો નથી. (ભગવાન મારું સર્વસ્વ છે.)”

ભગવદ્દ ગીતામાં, શ્રીકૃષ્ણ અર્જુનને આનુક્રમિક ઉચ્ચતર ઉપદેશ આપે છે. પ્રારંભમાં, તેમણે અર્જુનને કર્મ કરવાનો એટલે કે યોદ્ધા તરીકેના તેના શારીરિક ધર્મનું પાલન કરવાનો ઉપદેશ આપ્યો (શ્લોક સં. ૨.૩૧). પરંતુ શારીરિક ધર્મ ભગવદ્દ-સાક્ષાત્કારમાં પરિણમતો નથી; તે સ્વર્ગલોક સુધી લઈ જાય છે અને એકવાર પુણ્ય કર્મો ક્ષીણ થઈ જાય છે એટલે વ્યક્તિએ નિશ્ચિત રીતે પાછા ફરવું પડે છે. તેથી, શ્રીકૃષ્ણે અર્જુનને કર્મયોગ કરવાનો એટલે કે શરીરથી શારીરિક ધર્મ અને મનથી આધ્યાત્મિક ધર્મનું પાલન કરવાનો ઉપદેશ પ્રદાન કર્યો. તેઓ અર્જુનને શરીરથી યુદ્ધ કરવાનું અને મનથી ભગવાનનું સ્મરણ કરવાનું (શ્લોક સં. ૮.૭) કહે છે. કર્મયોગનો આ ઉપદેશ ભગવદ્દ ગીતાનો અધિકાંશ ભાગ નિર્મિત કરે છે. હવે અંતમાં, શ્રીકૃષ્ણ અર્જુનને કર્મ સંન્યાસનો અભ્યાસ કરવાનો એટલે કે સર્વ સાંસારિક ધર્મોનો ત્યાગ કરીને કેવળ આધ્યાત્મિક ધર્મ, જે ભગવદ્દ-પ્રેમ છે, તેનો અંગીકાર કરવાનો ઉપદેશ આપે છે. આ પ્રમાણે, તેણે યોદ્ધા તરીકેના તેના ઉત્તરદાયિત્ત્વ સ્વરૂપે નહીં, પરંતુ ભગવાન તેની પાસે એમ કરાવવાની કામના સેવે છે તે માટે યુદ્ધ કરવું જોઈએ.

પરંતુ શ્રીકૃષ્ણે અર્જુનને આ ઉપદેશ પહેલાં કેમ ન આપ્યો?  શ્લોક સં. ૫.૨માં તેઓ શા માટે સ્પષ્ટ રીતે વિપરીત  પ્રશંસા કરતા લાગે છે, જ્યારે તેઓ કહે છે કે કર્મ યોગ એ કર્મ સંન્યાસ કરતાં અધિક શ્રેષ્ઠ છે? શ્રીકૃષ્ણ આગામી શ્લોકમાં આ અંગે સ્પષ્ટ વ્યાખ્યા કરે છે.