Bhagavad Gita: Chapter 18, Verse 73

અર્જુન ઉવાચ ।
નષ્ટો મોહઃ સ્મૃતિર્લબ્ધા ત્વત્પ્રસાદાન્મયાચ્યુત ।
સ્થિતોઽસ્મિ ગતસન્દેહઃ કરિષ્યે વચનં તવ ॥ ૭૩॥

અર્જુન: ઉવાચ—અર્જુને કહ્યું; નષ્ટ:—દૂર થયો; મોહ:—મોહ; સ્મૃતિ:—સ્મૃતિ; લબ્ધા—પુન: પ્રાપ્ત થઈ; ત્વત્-પ્રસાદાત્—આપની કૃપા દ્વારા; મયા—મારા દ્વારા; અચ્યુત—અચ્યુત, શ્રીકૃષ્ણ; સ્થિત:—સ્થિત; અસ્મિ—હું છું; ગત-સન્દેહ:—સંદેહથી મુક્ત; કરિષ્યે—કરીશ; વચનમ્—આજ્ઞાઓ; તવ—તમારી.

Translation

BG 18.73: અર્જુને કહ્યું: હે અચ્યુત, આપની કૃપા દ્વારા મારો મોહ દૂર થયો છે અને હું જ્ઞાનમાં સ્થિત થયો છું. હું હવે સંશયથી મુક્ત છું અને હું આપની આજ્ઞા અનુસાર કર્મ કરીશ.

Commentary

પ્રારંભમાં, અર્જુન વિક્ષિપ્ત પરિસ્થિતિનો સામનો કરી રહ્યો હતો અને પોતાના કર્તવ્ય અંગે મૂંઝવણમાં હતો. દુઃખથી કચડાઈને, તે શસ્ત્રોનો ત્યાગ કરીને તેના રથમાં બેસી પડયો હતો. તેણે કબૂલ્યું હતું કે તે તેનાં શરીર તથા ઇન્દ્રિયો પર આક્રમણ કરનારા વિષાદનો કોઈ ઉપાય શોધી શકતો નથી. પરંતુ હવે તે સ્વયંમાં આમૂલ પરિવર્તન અનુભવી રહ્યો છે તથા ઘોષણા કરે છે કે તે જ્ઞાનમાં સ્થિત છે અને હવે તે જરાપણ કિન્કર્તવ્યવિમૂઢ નથી. તેણે પોતાની જાતને ભગવાનની ઈચ્છાને સમર્પિત કરી દીધી છે અને શ્રીકૃષ્ણ તેને જે કરવાની આજ્ઞા કરશે તે જ કરશે. ભગવદ્દ ગીતાના ઉપદેશનો તેના પર આ પ્રભાવ પડયો હતો. પરંતુ, તે ઉમેરે છે, ત્વત્ પ્રસાદાત્ મયાચ્યુત અર્થાત્ “હે કૃષ્ણ, આ કેવળ પ્રવચનથી થયું નથી, પરંતુ આપની કૃપા છે, જેણે મારું અજ્ઞાન દૂર કર્યું છે.”

લૌકિક જ્ઞાન માટે કૃપાની આવશ્યકતા નથી. આપણે શૈક્ષણિક સંસ્થા કે શિક્ષકને ધન ચૂકવીને બદલામાં, જ્ઞાન મેળવી શકીએ છીએ પરંતુ આધ્યાત્મિક જ્ઞાન ન તો ખરીદી શકાય છે કે ન તો વેચી શકાય છે. તે કૃપા દ્વારા પ્રદાન થાય છે અને શ્રદ્ધા તથા નમ્રતા દ્વારા ગ્રહણ કરાય છે. આ પ્રમાણે, આપણે ભગવદ્દ ગીતા પ્રત્યે ગર્વનો અભિગમ અપનાવીશું કે “હું અતિ બુદ્ધિશાળી છું. હું આ ઉપદેશની કિંમત શું છે, તેનું મૂલ્યાંકન કરીશ”, તો આપણે કદાપિ તેને સમજી શકીશું નહીં. આપણી બુદ્ધિ, શાસ્ત્રોમાં કોઈ આભાસી ત્રુટિ શોધી લેશે અને તે બહાને આપણે સમગ્ર શાસ્ત્રને દોષયુક્ત ગણીને તેનો અસ્વીકાર કરી દઈશું. છેલ્લા ૫૦૦૦ વર્ષોમાં ભગવદ્દ ગીતા પર અનેક ભાષ્યોની રચના થઈ છે અને આ દિવ્ય ઉપદેશના અસંખ્ય વાચકો છે, પરંતુ અર્જુનની સમાન કેટલાં લોકો પ્રબુદ્ધ બન્યા? જો આપણે વાસ્તવિક રીતે આ જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છા ધરાવતાં હોઈએ, તો આપણે તેનું કેવળ વાંચન માત્ર જ કરવું જોઈએ નહીં, પરંતુ શ્રદ્ધા તથા પ્રેમપૂર્વકની શરણાગતિના અભિગમ દ્વારા શ્રીકૃષ્ણની કૃપા પણ આકર્ષિત કરવી જોઈએ. પશ્ચાત્ આપણે તેમની કૃપા દ્વારા ભગવદ્દ ગીતાનો ભાવાર્થ જાણી શકીશું.