Bhagavad Gita: Chapter 18, Verse 44

કૃષિગૌરક્ષ્યવાણિજ્યં વૈશ્યકર્મ સ્વભાવજમ્ ।
પરિચર્યાત્મકં કર્મ શૂદ્રસ્યાપિ સ્વભાવજમ્ ॥ ૪૪॥

કૃષિ—ખેતી; ગૌ-રક્ષ્ય—ગૌરક્ષા; વાણિજ્યમ્—વ્યાપાર; વૈશ્ય—વ્યાપારી તથા ખેડૂત વર્ગ: કર્મ—કર્મ; સ્વભાવ-જમ્—વ્યક્તિના અંતર્ગત સ્વભાવથી ઉત્પન્ન થયેલા; પરિચર્યા—કાર્યો દ્વારા સેવા; આત્મકમ્—સ્વાભાવિક; કર્મ—કર્તવ્ય; શૂદ્રસ્ય—કામદાર વર્ગનું; અપિ—અને; સ્વભાવ-જમ્—વ્યક્તિના અંતર્ગત સ્વભાવથી ઉત્પન્ન થયેલા.

Translation

BG 18.44: કૃષિ, ગૌ-રક્ષા અને વાણિજ્ય વૈશ્ય ગુણો ધરાવતા લોકોના સ્વાભાવિક કાર્યો છે. કાર્યો દ્વારા સેવા કરવી એ શૂદ્ર ગુણો ધરાવતા લોકો માટે સ્વાભાવિક કર્તવ્ય છે.

Commentary

જેમનો સ્વભાવ પ્રમુખપણે તમોગુણ મિશ્રિત રાજસિક હતો, તેઓ વૈશ્યો હતા.

આમ, તેઓ ઉદ્યોગ તથા કૃષિ દ્વારા આર્થિક સંપત્તિ ઉત્પન્ન કરવાનું અને ધારણ કરવાનું વલણ ધરાવતા હતા. તેમણે રાષ્ટ્રની અર્થવ્યવસ્થાનું નિર્વહન કર્યું અને અન્ય વર્ગો માટે નોકરીઓનું સર્જન કર્યું. તેઓ પાસે સમાજના વંચિત વર્ગોમાં તેમની સંપત્તિનું વિતરણ કરવાની અને તે માટે સેવાભાવી પ્રોજેક્ટ્સ હાથમાં લે તેવી અપેક્ષા રાખવામાં આવતી.

શૂદ્રો એ હતા, જેઓ તામસિક સ્વભાવ ધરાવતા હતા. તેઓ વિદ્વત્તા, વહીવટ કે વાણિજ્ય માટેના ઔદ્યોગિક સાહસ પ્રત્યે રુચિ ધરાવતા ન હતા. તેમના માટે વિકાસનો શ્રેષ્ઠ માર્ગ તેમના અંતર્ધ્વનિ પ્રમાણે સમાજની સેવા કરવાનો હતો. શિલ્પકારો, તકનિકો, નોકરી-કામદારો, દરજીઓ, કારીગરો, હજામો વગેરેનો આ વર્ગમાં સમાવેશ થતો.