ન હિ દેહભૃતા શક્યં ત્યક્તું કર્માણ્યશેષતઃ ।
યસ્તુ કર્મફલત્યાગી સ ત્યાગીત્યભિધીયતે ॥ ૧૧॥
ન—નહીં; હિ—વાસ્તવમાં; દેહભૃતા—દેહધારી જીવો માટે; શક્યમ્—સંભવ; ત્યક્તુમ્—ત્યજવું; કર્માણિ—પ્રવૃત્તિઓ; અશેષત:—પૂર્ણપણે; ય:—જે; તુ—પરંતુ; કર્મ-ફલ—કર્મફળ; ત્યાગી—જે કર્મોના ફળોને ભોગવવાની સર્વ કામનાઓનો ત્યાગ કરે છે; સ:—તેઓ; ત્યાગી—જે કર્મોના ફળોને ભોગવવાની સર્વ કામનાઓનો ત્યાગ કરે છે; ઈતિ—એમ; અભિધીયતે—કહેવાય છે.
Translation
BG 18.11: દેહધારી જીવો માટે પૂર્ણપણે પ્રવૃત્તિઓનો પરિત્યાગ કરવો અસંભવ છે. પરંતુ જેઓ તેમના કર્મોના ફળોનો પરિત્યાગ કરે છે, તેઓ વાસ્તવિક ત્યાગી કહેવાય છે.
Commentary
એવો તર્ક થઈ શકે છે કે કર્મોના ફળોનો ત્યાગ કરવો તેના કરતાં સર્વ કર્મોનો જ ત્યાગ કરી દેવો, જેથી ધ્યાન કે ચિંતનમાં કોઈ વિક્ષેપ જ પડે નહિ. શ્રીકૃષ્ણ આ સંભવિત વિકલ્પનો અસ્વીકાર કરતા કહે છે કે શારીરિક નિર્વાહ માટે આહાર, નિદ્રા, સ્નાન વગેરેનું પ્રત્યેક વ્યક્તિ દ્વારા પાલન કરવામાં આવે છે. તદુપરાંત, ઉઠવું, બેસવું, વિચારવું, ચાલવું, વાતચીત કરવી, વગેરે પણ એવી પ્રવૃત્તિઓ છે, જેને ટાળી શકાતી નથી. જો આપણે ત્યાગનું અર્થઘટન કેવળ બાહ્ય કર્મોના ત્યાગ તરીકે જ કરીએ, તો કોઈપણ વ્યક્તિ કદાપિ વાસ્તવિક ત્યાગી થઈ શકશે નહીં. પરંતુ, શ્રીકૃષ્ણ અહીં કહે છે કે જો કોઈ કર્મોના ફળો પ્રત્યેની આસક્તિનો ત્યાગ કરી શકે તો તેને વાસ્તવિક ત્યાગ માનવામાં આવશે.