Bhagavad Gita: Chapter 18, Verse 2

શ્રીભગવાનુવાચ ।
કામ્યાનાં કર્મણાં ન્યાસં સન્ન્યાસં કવયો વિદુઃ ।
સર્વકર્મફલત્યાગં પ્રાહુસ્ત્યાગં વિચક્ષણાઃ ॥ ૨॥

શ્રી ભગવાન્ ઉવાચ—પૂર્ણ દિવ્ય પુરુષોત્તમ ભગવાન બોલ્યા; કામ્યાનામ્—કામનાયુક્ત; કર્મણામ્—કર્મોનો; ન્યાસમ્—ત્યાગ; સંન્યાસમ્—કર્મોનો ત્યાગ; કવય:—વિદ્વાનો; વિદુ:—જાણે છે; સર્વ—સર્વ; કર્મ-ફલ—કર્મોના ફળ; ત્યાગમ્—કર્મોના ફળો  ભોગવવાની ઈચ્છાનો ત્યાગ; પ્રાહુ:—ઘોષિત; ત્યાગમ્—કર્મોના ફળો  ભોગવવાની ઈચ્છાનો ત્યાગ; વિચક્ષણ:—બુદ્ધિમાન.

Translation

BG 18.2: પરમ દિવ્ય ભગવાન બોલ્યા: કામનાઓથી અભિપ્રેરિત કર્મોનો ત્યાગ કરવો, તેને બુદ્ધિમાન લોકો સંન્યાસ સમજે છે. સર્વ કર્મોના ફળોનો ત્યાગ કરવો, તેને વિદ્વાનો ત્યાગ તરીકે ઘોષિત કરે છે.

Commentary

કવય: અર્થાત્ વિદ્વાન. શ્રીકૃષ્ણ કહે છે કે વિદ્વાનો સંન્યાસને કર્મોના ત્યાગ તરીકે જાણે છે. જે લોકો માયિક ભોગ માટે થતા કર્મોનો ત્યાગ કરે છે અને ત્યાગની પરંપરામાં પ્રવેશ કરે છે, તેઓ અમુક નિત્ય કર્મ (શરીરના નિર્વાહ માટેના રોજીંદા કાર્યો)નું પાલન કરતા રહે છે પરંતુ તેઓ કામ્ય કર્મ (સંપત્તિ, સંતતિ, પ્રતિષ્ઠા, પદ, સત્તા વગેરે સંબંધિત કાર્યો)નો ત્યાગ કરે છે. આવા કાર્યો આત્માને કર્મના ચક્રમાં બાંધી દે છે અને જન્મ-મૃત્યુના ચક્રમાં પુનરાવર્તિત પુનર્જન્મ તરફ દોરી જાય છે.

વિચક્ષણ અર્થાત્ બુદ્ધિમાન. શ્રીકૃષ્ણ કહે છે કે બુદ્ધિમાન મનુષ્યો ત્યાગ અર્થાત્ “આંતરિક ત્યાગ” ઉપર ભાર મૂકે છે. તે નિયુક્ત વૈદિક ઉત્તરદાયિત્વનો ત્યાગ કરવાનું નહીં, પરંતુ તેમના ફળો ભોગવવાની ઈચ્છાનો ત્યાગ કરવાનું સૂચિત કરે છે. તેથી, કર્મોના ફળો પ્રત્યેની આસક્તિનો ત્યાગ કરવાની વૃત્તિ એ ત્યાગ છે, જયારે કર્મોનો ત્યાગ કરવાની વૃત્તિ એ સંન્યાસ છે. સંન્યાસ અને ત્યાગ બંને પ્રબુદ્ધતા પ્રાપ્ત કરવાના પ્રયાસ માટે તર્કસંગત અને વાજબી વિકલ્પો છે. આ બંને પ્રકારોમાંથી શ્રીકૃષ્ણ કયા વિકલ્પની ભલામણ કરે છે? આગામી શ્લોકમાં તેઓ આ વિષય અંગે અધિક સ્પષ્ટતા કરે છે.