Bhagavad Gita: Chapter 18, Verse 41

બ્રાહ્મણક્ષત્રિયવિશાં શૂદ્રાણાં ચ પરન્તપ ।
કર્માણિ પ્રવિભક્તાનિ સ્વભાવપ્રભવૈર્ગુણૈઃ ॥ ૪૧॥

બ્રાહ્મણ—પૂજારી વર્ગ; ક્ષત્રિય—યોદ્ધા અને વહીવટી વર્ગ; વિશામ્—વેપારી અને ખેડૂત વર્ગ; શૂદ્રાણામ્—કામદાર વર્ગ; ચ—અને; પરન્તપ—અર્જુન, શત્રુઓને વશમાં કરનાર; કર્માણિ—કર્તવ્યો; પ્રવિભક્તાનિ—વિભાજીત થયેલાં; સ્વભાવ-પ્રભવૈ:-ગુણૈ: —વ્યક્તિના સ્વભાવ તથા ગુણોને આધારિત કાર્યો.

Translation

BG 18.41: હે પરંતપ, બ્રાહ્મણો, ક્ષત્રિયો, વૈશ્યો, અને શૂદ્રોનાં કર્તવ્યોનું વિભાજન તેમનાં સ્વભાવ તથા ગુણોને આધારે કરવામાં આવ્યું છે (જન્મને આધારે નહીં).

Commentary

કોઈકે ઉચિત કહ્યું છે કે ઉચિત વ્યવસાય શોધવો એ યોગ્ય જીવનસાથી શોધવા સમાન છે. પરંતુ આપણે કેવી રીતે આપણા માટે યોગ્ય વ્યવસાયની શોધ કરીએ? શ્રીકૃષ્ણ અહીં સ્પષ્ટ કરે છે કે વિવિધ ગુણો કે જે વ્યક્તિત્ત્વનું નિર્માણ કરે છે, તેને અનુસાર લોકોના ભિન્ન-ભિન્ન સ્વભાવ હોય છે અને તે પ્રમાણે, વિભિન્ન વ્યાવસાયિક કર્તવ્યો તેમના માટે અનુકૂળ હોય છે. વર્ણાશ્રમ ધર્મની પ્રણાલી એ  સ્વભાવ-પ્રભવૈ:-ગુણૈ:  (વ્યક્તિના સ્વભાવ અને ગુણોને આધારિત કર્તવ્યો) અનુસાર સમાજની વૈજ્ઞાનિક સંસ્થા હતી. વર્ગીકરણની આ પ્રણાલીમાં, ચાર આશ્રમો (જીવનની અવસ્થાઓ) અને ચાર વર્ણો હતા: જીવનની આ અવસ્થાઓ આ પ્રમાણે હતી:

૧.બ્રહ્મચર્યઆશ્રમ (વિદ્યાર્થી જીવન), જે જન્મથી ૨૫ વર્ષની આયુ સુધી રહેતો.

૨. ગૃહસ્થ આશ્રમ (ગૃહસ્થ જીવન), જે ૨૫ થી ૫૦ વર્ષ સુધીનું નિયમિત લગ્નજીવન હતું.

૩. વાનપ્રસ્થ આશ્રમ (આંશિક વિરક્ત જીવન), જે ૫૦ થી ૭૫ વર્ષ સુધી હતો. આ અવસ્થામાં વ્યક્તિ પરિવાર સાથે જીવવાનું યથાવત્ રાખતી પરંતુ વૈરાગ્યનો અભ્યાસ કરતી.

૪. સંન્યાસ આશ્રમ (વિરક્ત જીવન),  જે ૭૫મા વર્ષથી શરુ થતો, જેમાં વ્યક્તિ ગૃહસ્થના સર્વ કર્તવ્યોનો ત્યાગ કરીને, મનને ભગવાનમાં લીન કરીને, પવિત્ર સ્થાને નિવાસ કરતી.

બ્રાહ્મણ (પૂજારી વર્ગ), ક્ષત્રિય (યોદ્ધા અને વહીવટી વર્ગ), વૈશ્ય (વેપારી અને ખેડૂત વર્ગ) અને શૂદ્ર (કામદાર વર્ગ) આ ચાર વર્ણો હતાં. આ વર્ણોને એકબીજાથી ઉચ્ચ કે નિમ્ન માનવામાં આવતા ન હતાં. સમાજનું કેન્દ્ર ભગવાન હોવાથી, પ્રત્યેક વ્યક્તિ પોતાના તથા સમાજના નિર્વાહ માટે તેમના અંતર્ગત ગુણોને અનુસાર કાર્ય કરતી અને એ રીતે ભગવદ્દ-અનુભૂતિ તરફ આગળ વધીને જીવનને સફળ કરતી. આ પ્રમાણે, વર્ણાશ્રમ પ્રણાલીમાં વિભિન્નતામાં એકતા હતી.

વિભિન્નતા પ્રકૃતિમાં નિહિત છે અને તેને કદાપિ દૂર કરી શકાતી નથી. આપણા શરીરમાં વિવિધ અંગો છે અને તે સર્વ વિભિન્ન કાર્યો કરે છે. સર્વ અંગો એકસમાન જ કાર્ય કરે, એવી અપેક્ષા રાખવી વ્યર્થ છે. તે સર્વને ભિન્ન સ્વરૂપે જોવા એ અજ્ઞાનતાની નિશાની નથી, પરંતુ તેમની ઉપયોગિતાનું વાસ્તવિક જ્ઞાન છે. એ જ પ્રમાણે, મનુષ્યોમાં રહેલ વૈવિધ્યની ઉપેક્ષા કરી શકાય નહીં. જ્યાં સમાનતા એ પ્રમુખ સિદ્ધાંત છે, એવા સામ્યવાદી રાષ્ટ્રોમાં પણ નેતાઓ છે જે વિચારધારાઓ ઘડે છે; સેનાઓ છે, જે શસ્ત્રો રાખે છે અને રાષ્ટ્રનું રક્ષણ કરે છે; ખેડૂતો છે, જે જમીનનું સંવર્ધન કરે છે; તથા ઔદ્યોગિક કામદારો છે જે યાંત્રિક કાર્યો કરે છે. ત્યાં પણ સમાનતાના સર્વ પ્રયાસો છતાં પણ ચાર વ્યાવસાયિક વર્ગો અસ્તિત્ત્વ ધરાવે છે. વર્ણાશ્રમ પ્રણાલીએ માનવીય પ્રકૃતિમાં રહેલી ભિન્નતાને ઓળખીને વૈજ્ઞાનિક રીતે લોકોના સ્વભાવને અનુકૂળ કર્તવ્યો તથા વ્યવસાયનું સૂચન કર્યું.

પરંતુ, સમયાંતરે વર્ણાશ્રમ પ્રણાલીનું પતન થયું અને વર્ણોનો આધાર વ્યક્તિના સ્વભાવને બદલે વ્યક્તિના જન્મમાં પરિવર્તિત થઈ ગયો. બ્રાહ્મણના સંતાનો, તેમનામાં અનુરૂપ ગુણો હોય કે ન હોય પણ પોતાને બ્રાહ્મણ કહેવા લાગ્યા. વળી, ઉચ્ચ અને નિમ્ન વર્ગના ખ્યાલનો પ્રચાર થવા લાગ્યો અને ઉચ્ચ જાતિના લોકો નિમ્ન જાતિને હલકી દૃષ્ટિથી જોવા લાગ્યા. જયારે આ પ્રણાલી જડ અને જન્મ-આધારિત થવા લાગી, ત્યારે તે નિષ્ક્રિય થઈ ગઈ. વર્ણાશ્રમ પ્રણાલીનો આ મૂળભૂત ઉદ્દેશ્ય ન હતો પણ સમય સાથે ઉદ્ભવેલી સામાજિક ત્રુટિ હતી. આગામી કેટલાક શ્લોકોમાં પ્રણાલીના મૂળ વર્ગીકરણને અનુસાર, શ્રીકૃષ્ણ લોકોના ગુણોનું તેમના કાર્યોના પ્રાકૃતિક સ્વભાવ સાથે નિરૂપણ કરે છે.