Bhagavad Gita: Chapter 18, Verse 25

અનુબન્ધં ક્ષયં હિંસામનપેક્ષ્ય ચ પૌરુષમ્ ।
મોહાદારભ્યતે કર્મ યત્તત્તામસમુચ્યતે ॥ ૨૫॥

અનુબન્ધમ્—પરિણામો; ક્ષયમ્—નુકસાન; હિંસામ્—ઈજા; અનપેક્ષ્ય—ઉપેક્ષા કરીને; ચ—અને; પૌરૂષમ્—પોતાનું સામર્થ્ય; મોહાત્—મોહવશ; આરભ્યતે—શરૂ કરાય છે; કર્મ—કર્મ; યત્—જે; તત્—તે; તામસમ્—તમોગુણી; ઉચ્યતે—કહેવાય છે.

Translation

BG 18.25: જે કર્મ મોહવશ, પોતાના સામર્થ્યનો વિચાર કર્યા વિના, પરિણામોનો અને નુકસાનનો અનાદર કરીને તથા અન્યની હિંસા કે ઈજા કરીને આરંભ કરવામાં આવે છે, તેને તામસી કહેવામાં આવે છે.

Commentary

જેમની બુદ્ધિ તમોગુણથી યુક્ત છે, તે અજ્ઞાનના ધુમ્મસથી આચ્છાદિત છે. તેઓ શું સાચું છે કે શું ખોટું છે, તેનાથી અજાણ અને બેપરવાહ હોય છે અને તેઓ કેવળ પોતાનામાં અને પોતાના સ્વાર્થમાં રસ ધરાવે છે. તેઓ તેમના હસ્તગત ધન કે સંસાધનો પ્રત્યે કે અન્યને પડતી મુશ્કેલીઓ પ્રત્યે પણ કોઈ ધ્યાન આપતા નથી. આવું કાર્ય તેમને પોતાને માટે તથા અન્ય માટે નુકસાન નોતરે છે. શ્રીકૃષ્ણ “ક્ષય:” શબ્દનો ઉપયોગ કરે છે, અર્થાત્ “અવનતિ”. તામસિક કર્મ વ્યક્તિના સ્વાસ્થ્ય અને જીવનશક્તિના ક્ષયનું કારણ બને છે. તે પ્રયાસોનો અપવ્યય છે, સમયનો અપવ્યય છે તથા સંસાધનોનો અપવ્યય છે. જુગાર, ચોરી, લાંચ-રુશ્વત, મદિરાપાન વગેરે તેના લાક્ષણિક ઉદાહરણો છે.