Bhagavad Gita: Chapter 18, Verse 40

ન તદસ્તિ પૃથિવ્યાં વા દિવિ દેવેષુ વા પુનઃ ।
સત્ત્વં પ્રકૃતિજૈર્મુક્તં યદેભિઃ સ્યાત્ત્રિભિર્ગુણૈઃ ॥ ૪૦॥

ન—નહીં; તત્—તે; અસ્તિ—છે; પૃથિવ્યામ્—પૃથ્વી પર; વા—અથવા; દિવિ—ઉચ્ચતર સ્વર્ગીય લોક; દેવેષુ—દેવોમાં; વા—અથવા; પુન:—ફરીથી; સત્ત્વમ્—અસ્તિત્ત્વ; પ્રકૃતિ-જૈ:—માયિક પ્રકૃતિથી ઉત્પન્ન; મુક્તમ્—મુક્ત; યત્—તે; એભિ:—તેમના પ્રભાવથી; સ્યાત્—છે;  ત્રિભિ:-—ત્રણ; ગુણૈ:—માયિક પ્રકૃતિના ગુણો.

Translation

BG 18.40: સમગ્ર માયિક ક્ષેત્રમાં આ પૃથ્વી પર કે ઉચ્ચતર સ્વર્ગીય લોકમાં કોઈપણ એવો જીવ નથી, જે માયિક પ્રકૃતિના આ ત્રણ ગુણોના પ્રભાવથી મુક્ત હોય.

Commentary

શ્વેતાશ્વતર ઉપનિષદ્દ વર્ણન કરે છે:

           અજામેકાં લોહિતશુક્લકૃષ્ણાં

           બહ્વીઃ પ્રજાઃ સૃજમાનાં સરૂપાઃ

          અજો હ્યેકો જુષમાણોઽનુશેતે

         જહાત્યેનાં ભુક્તભોગામજોઽન્યઃ (૪.૫)

“માયિક પ્રકૃતિના ત્રણ રંગો છે—શ્વેત, લાલ અને કાળો. એટલે કે, તેના ત્રણ ગુણો છે—સાત્ત્વિક, રાજસિક અને તામસિક. તે બ્રહ્માંડના અસંખ્ય જીવોની માતાના ગર્ભ-સમાન છે. ભગવાન દ્વારા કે જેઓ અજન્મા છે અને જ્ઞાનથી પરિપૂર્ણ છે, તેને અસ્તિત્ત્વમાં લાવવામાં આવી અને તેને આધાર આપવામાં આવ્યો. જો કે ભગવાન તેમની માયિક શક્તિના સહભાગી નથી. તેઓ સ્વતંત્ર રીતે તેમની ગુણાતીત લીલાઓના આનંદનું આસ્વાદન કરે છે. પરંતુ જીવંત પ્રાણીઓ માયિક પ્રકૃતિનો ભોગ કરે છે અને તેથી બદ્ધ થાય છે.”

માયાનું અધિકાર-ક્ષેત્ર નિમ્નતર લોકથી બ્રહ્માના સ્વર્ગીય લોક સુધી છે. સત્ત્વ, રજસ અને તમસ—માયાના આ ત્રણ ગુણો તેનાં અંતર્ગત ગુણધર્મો હોવાથી, તેઓ અસ્તિત્ત્વના સર્વ માયિક લોકોમાં વિદ્યમાન છે. તેથી, આ સર્વ લોકના સર્વ જીવો, ભલે તે મનુષ્યો હોય કે સ્વર્ગીય દેવો હોય, આ ત્રણ ગુણોના પ્રભાવ હેઠળ હોય છે. તફાવત કેવળ ત્રણ ગુણોની સાપેક્ષ માત્રામાં છે. નિમ્નતર લોકના નિવાસીઓમાં તમસનું પ્રાધાન્ય હોય છે; પૃથ્વીલોકના નિવાસીઓમાં રજસનું પ્રાધાન્ય હોય છે; તથા સ્વર્ગીય લોકના નિવાસીઓમાં સત્ત્વનું પ્રાધાન્ય હોય છે. હવે, આ ત્રણ પરિવર્ત્યોનો ઉપયોગ કરીને, શ્રીકૃષ્ણ, શા માટે મનુષ્યો વિભિન્ન પ્રકૃતિ ધરાવે છે, તે અંગે સ્પષ્ટતા કરે છે.