Bhagavad Gita: Chapter 18, Verse 18

જ્ઞાનં જ્ઞેયં પરિજ્ઞાતા ત્રિવિધા કર્મચોદના ।
કરણં કર્મ કર્તેતિ ત્રિવિધઃ કર્મસઙ્ગ્રહઃ ॥ ૧૮॥

જ્ઞાનમ્—જ્ઞાન; જ્ઞેયમ્—જ્ઞાનનું લક્ષ્ય; પરિજ્ઞાતા—જાણનાર; ત્રિ-વિધા—ત્રણ તત્ત્વો; કર્મ-ચોદના—કર્મ પ્રેરિત કરતા તત્ત્વો; કરણમ્—કર્મના સાધનો; કર્મ—કર્મ; કર્તા—કર્તા; ઈતિ—આમ; ત્રિ-વિધ:—ત્રણ પ્રકારનાં; કર્મ-સંગ્રહ:—કર્મના તત્ત્વો.

Translation

BG 18.18: જ્ઞાન, જ્ઞેય અને જ્ઞાતા—આ  ત્રણ પરિબળો છે, જે કર્મને પ્રેરિત કરે છે. કર્મનું સાધન, સ્વયં કર્મ અને કર્તા—આ કર્મનાં ત્રણ ઘટકો છે.

Commentary

કર્મ-વિજ્ઞાનના સુવ્યસ્થિત નિરૂપણમાં શ્રીકૃષ્ણે તેમના અંગો અંગે વ્યાખ્યા કરી. તેમણે કર્મોના કાર્મિક પ્રતિભાવો તથા તેમનાથી મુક્ત થવા અંગે પણ સમજૂતી આપી. હવે, તેઓ કર્મોને પ્રેરિત કરતા ત્રિ-વિધ પરિબળો અંગે વ્યાખ્યા કરે છે. જે છે, જ્ઞાન, જ્ઞેય (જ્ઞાનનો વિષય) તથા જ્ઞાતા. સામૂહિક રીતે આ ત્રણને જ્ઞાન ત્રિપુટી કહેવામાં આવે છે.

જ્ઞાન એ કર્મ માટે પ્રાથમિક પ્રેરક છે; તે “જ્ઞાતા”ને “જ્ઞેય” અંગે સમજૂતી પ્રદાન કરે છે. આ ત્રિપુટી સામૂહિક રીતે કર્મને પ્રેરિત કરે છે. ઉદાહરણ તરીકે, અધિકારી દ્વારા આપવામાં આવતા વેતન અંગેની માહિતી કર્મચારીઓને કાર્ય કરવા માટે પ્રોત્સાહિત કરે છે; વિશ્વના વિવિધ ભાગોમાં સુવર્ણની શોધ અંગેની માહિતીને કારણે લોકો હિજરત કરીને સોનાની ખાણોમાં કામ કરવા આવે છે; ઓલિમ્પિકસમાં ચંદ્રક જીતવાના મહત્ત્વ અંગેની જાગૃતિ રમતવીરોને વર્ષો સુધી અભ્યાસ કરવા માટે પ્રેરિત કરે છે. જ્ઞાનનો કર્મની ગુણવત્તા સાથે પણ સહ-સંબંધ છે. દૃષ્ટાંત તરીકે, ઉત્તમ વિદ્યાલયોમાંથી પ્રાપ્ત થયેલી ઉપાધિઓ નોકરીના ક્ષેત્રમાં પ્રભાવ ધરાવે છે. કોર્પોરેશન્સ જાણે છે કે ઉત્તમ ગુણવત્તાનું જ્ઞાન ધરાવતા લોકો અધિક કુશળતાથી કાર્ય કરી શકે છે. તેથી, સારા નિગમો તેમના લોકોના વિકાસમાં રોકાણ કરે છે, જેમ કે કર્મચારીઓને તેમનાં કૌશલ્યોના અધિક વિકાસ માટે વિકાસલક્ષી સેમિનાર માટે પ્રાયોજિત કરવા.

દ્વિતીય સમૂહને કર્મ ત્રિપુટી નામ આપવામાં આવ્યું છે. તેમાં કર્તા (કરનાર), કારણ (કર્મનું સાધન) અને કર્મ (સ્વયં કર્મ)નો સમાવેશ થાય છે. આ કર્મ ત્રિપુટી સંયુક્ત રીતે કર્મની સામગ્રીનું નિર્માણ કરે છે. “કર્તા” “કર્મનાં સાધન”નો ઉપયોગ “કર્મ” કરવા માટે કરે છે. કર્મનાં ઘટકોનું વિશ્લેષણ કર્યા પશ્ચાત્ શ્રીકૃષ્ણ હવે શા માટે લોકો તેમનાં ઉદ્દેશ્યો તથા કર્મોની દૃષ્ટિએ એકબીજાથી ભિન્નતા ધરાવે છે, તે સ્પષ્ટ કરવા માટે તેમને માયિક પ્રકૃતિના ત્રણ ગુણો સાથે જોડે છે.