Bhagavad Gita: Chapter 18, Verse 48

સહજં કર્મ કૌન્તેય સદોષમપિ ન ત્યજેત્ ।
સર્વારમ્ભા હિ દોષેણ ધૂમેનાગ્નિરિવાવૃતાઃ ॥ ૪૮॥

સહજમ્—વ્યક્તિની પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલું; કર્મ—કર્તવ્ય; કૌન્તેય—અર્જુન, કુંતીપુત્ર; સ-દોષમ્—દોષયુક્ત; અપિ—છતાં પણ; ન ત્યજેત્—વ્યક્તિએ ત્યજવું જોઈએ નહીં; સર્વ-આરમ્ભા:—સર્વ પ્રયાસો; હિ—ખરેખર; દોષેણ—દોષથી; ધુમેન—ધુમાડાથી; અગ્નિ:—અગ્નિ; ઈવ—જેમ; આવૃતા:—આચ્છાદિત.

Translation

BG 18.48: હે કુંતીપુત્ર, વ્યક્તિએ તેના પ્રકૃતિજન્ય કર્તવ્યોનો ત્યાગ કરવો જોઈએ નહીં, ભલે પછી તેમાં દોષ જોવા મળે. ખરેખર, જેમ અગ્નિ ધુમાડાથી આચ્છાદિત હોય છે તેમ સર્વ પ્રયાસો કોઈ અનિષ્ટ દ્વારા આચ્છાદિત હોય છે.

Commentary

કેટલીકવાર લોકો તેમના કર્તવ્યોથી ભાગતા હોય છે કારણ કે તેમાં તેઓને દોષ દેખાય છે. અહીં, શ્રીકૃષ્ણ કહે છે કે જેમ અગ્નિમાં સ્વાભાવિક રીતે ધુમાડો હોય છે તેમ કોઈપણ કર્તવ્ય દોષરહિત નથી. ઉદાહરણ તરીકે, આપણે અનેક સૂક્ષ્મ જીવાણુઓને માર્યા વિના શ્વાસ લઈ શકતા નથી. જયારે આપણે જમીન પર ખેતી કરીએ છીએ ત્યારે અસંખ્ય સૂક્ષ્મજીવોનો નાશ કરીએ છીએ. જો આપણે ઔદ્યોગિક સ્પર્ધામાં જીતી જઈએ છીએ તો અન્યને સંપત્તિથી વંચિત કરીએ છીએ. જયારે આપણે આહાર લઈએ છીએ ત્યારે આપણે અન્યને આહારથી વંચિત રાખીએ છીએ. સ્વ-ધર્મમાં પ્રવૃત્તિઓ સમાવિષ્ટ હોવાથી તે દોષરહિત હોઈ શકે નહિ.

પરંતુ સ્વ-ધર્મના લાભ તેની ત્રુટિઓ કરતાં અધિક મહત્ત્વના છે. તેનો પ્રમુખ લાભ એ છે કે તે વ્યક્તિના શુદ્ધિકરણ તથા ઉન્નતિ માટે સુગમ્ય તથા પ્રાકૃતિક માર્ગ પ્રદાન કરે છે. માર્ક આલ્બિયન કે જેઓ હાર્વર્ડ બીઝનેસ સ્કૂલના અધ્યાપક હતા, તેમણે તેમના પુસ્તક મેકિંગ અ લાઈફ, મેકિંગ અ લિવિંગમાં એક અભ્યાસનું વર્ણન કર્યું છે, જેમાં બીઝનેસ સ્કૂલના ૧૫૦૦ સ્નાતકોની કારકિર્દીનો ૧૯૬૦ થી ૧૯૮૦ સુધી અભ્યાસ કરવામાં આવ્યો. આરંભથી, સ્નાતકોને બે વર્ગમાં વહેંચવામાં આવ્યા. આ વર્ગમાં એ લોકો હતા કે જેઓ પ્રથમ ધન ઉપાર્જન કરવા માંગતા હતા, કે જેથી આર્થિક જોગવાઈ પછી તેઓ પોતાને જે ગમતું કરવું છે, તે કરી શકે. ૮૩% લોકો આ વર્ગમાં હતાં. બ વર્ગમાં એ લોકો હતા, જેમણે પોતાના રસ-રુચિ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું, એ ખાતરી સાથે કે ધન તેમને અનુસરશે. ૭૦% લોકો આ વર્ગમાં હતાં. ૨૦ વર્ષો પશ્ચાત્, ૧૦૧ સ્નાતકો કરોડપતિ બન્યા. તેમાંથી ૧ વ્યક્તિ વર્ગ અ નો હતો (જે પ્રથમ ધન ઉપાર્જન કરવા માંગતા હતા), જયારે  ૧૦૦ સ્નાતકો વર્ગ બ ના હતા (જેમણે તેમની રુચિ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું). આ જબરદસ્ત બહુમતી મેળવનાર લોકો કે જેઓ ધનવાન બની શક્યા, તેનો શ્રેય તેમણે પૂર્ણ રૂપે તલ્લીન થઈ શકાય તેવું કાર્ય શોધ્યું, તેને આભારી છે. માર્ક આલ્બિયન ઉપસંહાર કરે છે કે અધિકાંશ લોકો માટે કાર્ય અને રમત વચ્ચે ભેદ છે. પરંતુ તેમને જે ગમે છે તે કાર્ય તેઓ કરે તો કાર્ય રમત બની જાય છે અને તેમણે કદાપિ તેમના જીવનમાં અન્ય દિવસ માટે કાર્ય કરવું પડતું જ નથી. શ્રીકૃષ્ણ અર્જુનને એ જ કરવાનું કહી રહ્યા છે—જે તેના સ્વભાવને પૂર્ણ અનુરૂપ છે, તે કાર્યનો તેમાં દોષ હોય તો પણ ત્યાગ ન કરવો. તેની  પ્રાકૃતિક વૃત્તિ અનુસાર કાર્ય કરવું. પરંતુ કાર્ય ઉન્નત થાય, તે માટે તે સમુચિત ચેતનામાં થવું આવશ્યક છે, જે અંગે આગામી શ્લોકમાં વર્ણન કર્યું છે.