Bhagavad Gita: Chapter 18, Verse 7

નિયતસ્ય તુ સન્ન્યાસઃ કર્મણો નોપપદ્યતે ।
મોહાત્તસ્ય પરિત્યાગસ્તામસઃ પરિકીર્તિતઃ ॥ ૭॥

નિયતસ્ય—નિર્ધારિત; તુ—પરંતુ; સંન્યાસ:—ત્યાગ; કર્મણ:—કર્મો; ન—કદાપિ નહીં; ઉપપદ્યતે—પાલન કરવું જોઈએ; મોહાત્—મોહથી; તસ્ય—તેનો; પરિત્યાગ:—ત્યાગ; તામસ:—તામસિક; પરિકીર્તિત:—ઘોષિત કરવામાં આવે છે.

Translation

BG 18.7: નિયત કર્તવ્યોને કદાપિ ત્યજવા જોઈએ નહીં. આવા ભ્રમિત સંન્યાસને તામસી ગણવામાં આવે છે.

Commentary

નિષિદ્ધ કાર્યો તથા અધાર્મિક કાર્યોનો ત્યાગ કરવો ઉચિત છે; કર્મોના ફળો પ્રત્યેની કામનાઓનો ત્યાગ કરવો પણ ઉચિત છે; પરંતુ નિયત કર્તવ્યોનો ત્યાગ કરવો એ કદાપિ ઉચિત નથી. નિયત કાર્યો મનને વિશુદ્ધ કરે છે તથા તેને તમોગુણથી રજોગુણથી સત્ત્વગુણ તરફ ઉન્નત થવામાં સહાય કરે છે. તેમનો ત્યાગ કરવો એ મૂર્ખતાનું ભૂલભરેલું પ્રદર્શન છે. શ્રીકૃષ્ણ કહે છે કે સંન્યાસના નામે નિયત કર્તવ્યોનો ત્યાગ કરવો તેને તામસી ગુણ કહેવામાં આવે છે.

આ વિશ્વમાં આવ્યા પશ્ચાત્ આપણા સર્વના અનિવાર્ય કર્તવ્યો છે. તેમનું પાલન કરવાથી વ્યક્તિમાં અનેક સદ્દગુણો, જેવાં કે ઉત્તરદાયિત્વ, મન તથા ઇન્દ્રિયોનું અનુશાસન, કષ્ટ અને મુશ્કેલીઓ પ્રત્યે સહિષ્ણુતા, વગેરેનો વિકાસ થવામાં સહાય થાય છે. અજ્ઞાનવશ તેમનો ત્યાગ કરવો એ આત્માના પતન તરફ અગ્રેસર કરે છે. આ અનિવાર્ય કર્તવ્યો વ્યક્તિની ચેતનાની અવસ્થા પ્રમાણે બદલાય છે. સાધારણ વ્યક્તિ માટે, અર્થોપાર્જન, પરિવારની સારસંભાળ, સ્નાન, આહાર વગેરે કાર્યો નિયત કર્તવ્યો છે. જેમ વ્યક્તિની ઉન્નતિ થાય છે, તેમ આ અનિવાર્ય કર્તવ્યોમાં પરિવર્તન આવે છે. ઉન્નત જીવાત્મા માટે યજ્ઞ, દાન અને તપ એ કર્તવ્યો છે.